હે ધૃતરાષ્ટ્ર ! એમ અર્જુને કહેલા શ્રી કૃષ્ણ તે ઉત્તમ રથને બંને સેનાઓની વચ્ચે અને ભીષ્મ, દ્રોણ તથા બધા રાજાઓની સામે ઉભો રાખી બોલ્યા : હે પાર્થ ! આ એકઠા મળેલા કૌરવોને તું જો. (૨૪,૨૫)
ભાવાર્થ
સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે 'રથને બે સેનાઓ વચ્ચે ઉભો રાખવાનું અર્જુનના (ગુડાકેશેન) કહેવાથી ભગવાન શ્રીકૃષ્ણે ભીષ્મ, દ્રોણ, અને બીજા રાજાઓની સામે સેનાની મધ્યમાં અર્જુનના ઉત્તમ રથને ઉભો રાખ્યો અને કહ્યું, "તું એકઠા થયેલા આ કૌરવોને જોઈ લે."
આ શ્લોકોમાં અર્જુનને માટે "ગુડાકેશ" એવું વિશેષણ વાપરેલું છે. ગુડાકાયા: ઈશ: ઇતિ ગુડાકેશ: એટલે કે નિદ્રા જેણે વશ કરેલી છે એવો, જેણે નિદ્રા - સુસ્તી - આળસ વગેરે દોષોને જીતી લીધા છે તે. શ્રીકૃષ્ણને હૃષિકેશ કહેવામાં આવ્યા છે. 'હૃષિક' એટલે કે ઇન્દ્રિયોનો જે ઈશ છે, સ્વામી છે તે હૃષિકેશ કહેવાય, જેને પોતાની ઇન્દ્રિયો સ્વાધીન છે, જે ઇન્દ્રિઓને આધીન થતો નથી. ઇન્દ્રિયો સ્વાધીન રાખવાથી જ ભગ + વાન અથવા ભાગ્યવાન બની શકાય છે.
અહીં કહેવાયું કે 'રથને બંને સેનાઓની મધ્યમાં ઉભો રાખ્યો ! અધ્યાત્મ પક્ષમાં રથ શરીર જ છે, જે દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ, ખરાબ અને સારાની વચમાં સદા રાખવામાં આવે છે. કઠોપનિષદમાં યમરાજા નચિકેતાને કહે છે કે -
આત્માનં રથિનં વિદ્ધિ, શરીરં રથમેવ તુ ।
બુદ્ધિં તુ સારથિં વિદ્ધિ, મનઃ પ્રગ્રહમેવ ચ ॥
ઇન્દ્રિયાણિ હયાન્ આહુઃ, વિષયાંસ્તેષુ ગોચરાન્ ।
(કઠોપનિષદ - ૩-૩-૪)
'