જો કે લોભથી નાશ પામેલ જ્ઞાનવાળા આ (કૌરવો) કુળના નાશથી કરેલા દોષને અને મિત્રદ્રોહના પાપને જોતા નથી. (૩૮)
પણ હે જનાર્દન ! કુળના નાશથી કરેલા દોષને જોતા અમારે આ પાપથી અટકવાનું કેમ ન સમજવું? (૩૯)
ભાવાર્થ
અર્જુન વિશેષ દલીલ કરતા કહે છે કે આ કૌરવો લોભથી ભ્રષ્ટચિત્ત હોવાના કારણે કુળનો ક્ષય કરવાથી થનારા દોષ અને મિત્રદ્રોહના પાપ જોતા નથી. પરંતુ અમને તો કુલક્ષયનો દોષ દેખાય છે અને તેથી અમે તો પાપમાંથી નિવૃત થવાનો વિચાર કરીએ છીએ. કૌરવોએ ધર્મ અને અધર્મનો વિચાર છોડી દીધો છે તે તેમનો દોષ છે, પરંતુ અમારે તો એવો દોષ ન જ કરવો જોઈએ. અમારે તો ધર્મમર્યાદાનો વિચાર અને વિવેક અવશ્ય રાખવો જ જોઈએ.
દુર્યોધન જેવા વિચારહીન (અંધ) વ્યક્તિને મમત્વ પણ નથી અને હિંસાનો ખ્યાલ પણ નથી.
કૃષ્ણ જેવા નિર્વિચાર આધ્યાત્મિક મનવાળી વ્યક્તિને પણ મમત્વ નથી અને હિંસાનો પણ ખ્યાલ નથી.
જયારે અર્જુન વિચારવાન છે તેથી તે દ્વિધામાં છે.
પશુબુદ્ધિવાળા એટલે કે બુદ્ધિહીન દુર્યોધનને પાપ અગર હિંસાના દોષોનો સવાલ જ ઉઠતો નથી તેથી તે નિશ્ચિન્ત છે. જયારે બુદ્ધિથી પર એવા શ્રીકૃષ્ણને પણ પાપ અગર હિંસાના દોષોનો સવાલ સ્પર્શ કરી શકતો નથી. તેથી તે પણ નિશ્ચિન્ત છે.
બુદ્ધિ હંમેશા દ્વંદ્વાત્મક છે. અર્જુન બુદ્ધિ લડાવે છે, તેથી તે દ્વિધામાં પડી ગયો છે. માનવી પૂર્ણ પશુત્વ મેળવે અગર તો પરમાત્મા બને તો જ તે નિશ્ચિન્ત બને. પશુત્વ અને પરમાત્માની વચ્ચે માનવજીવન છે. માણસ તે પશુ અને પરમાત્મા વચ્ચે ડોલતું એક અસ્તિત્વ છે.
અર્જુન માનવનું પ્રતીક છે.
દુર્યોધન પશુનું પ્રતીક છે.
કૃષ્ણ પરમાત્માનું પ્રતીક છે.
માનવજીવન પશુ અને પરમાત્મા વચ્ચેનો સેતુ છે.
માનવજીવનમાં tension - તનાવ રહેવાનો કારણ તે સેતુ છે. માનવજીવન (સેતુ) પાર કરવા માટે છે, નિવાસ કરવા માટે નથી. માનવજીવન મંઝિલ છે, મુકામ નથી.
માણસ જેટલો વધારે વિચારશીલ તેટલો વધારે દુઃખી. અત્યંત વિક્ષિપ્ત અવસ્થામાં માણસ પાગલ થઇ જાય. વિક્ષિપ્તતામાંથી વિમુક્ત થાય તો જ તે વિશ્રાંતિ પામે.
અર્જુન કાં તો દુર્યોધન થઇ જાય અગર તો તે કૃષ્ણ થઇ જાય તો જ તે વિક્ષિપ્ત ના થાય. અર્જુન તરીકે રહીને તો તે તણાવ જ અનુભવે. માણસ ૨૪ કલાકમાં કેટલીયે વાર ક્રોધમાં પશુ બને છે અને શાંતિમાં કેટલીયે વાર તે પરમાત્મા બને છે. પરંતુ મુશ્કેલી એ છે કે -
અર્જુન દુર્યોધન થઇ શકતો નથી.
કૃષ્ણ તેની સમજમાં આવતો નથી.
જ્યાં છે ત્યાં તે રહી શકે તેમ નથી.
ગાય - ભેંશ વગેરે જાનવરો કદાપિ વિષાદ કરતા નથી, કારણ કે તેમને બુદ્ધિ નથી, તેથી તેમને કાયમ એકનું એક કામ અને એકનો એક ખોરાક આપો તો પણ તે વિષાદ નહી કરે. તેથી ઉલ્ટું, બુદ્ધિની પાર ગયેલા કૃષ્ણ, મહાવીર, બુદ્ધ તે પણ વિષાદ નહી કરે. તેથી તેઓ કાયમ પ્રસન્નતા - પ્રસન્નતા જ અનુભવે છે, કારણ કે તે બુદ્ધિથી પર છે. જયારે આપણા જેવા સામાન્ય માણસો ભેંશ અને ભગવાનની વચમાં બુદ્ધિને લીધે પરેશાન છીએ. એટલા માટે અર્જુન દિક્કતમાં પડી ગયો છે.