Srimad Bhagavad Gita Bhavarth - Karma Yog, Bhakti Yog, Gyan Yog - Shri Hirabhai Thakkar

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ્ ।
વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા ॥ ૩॥

પશ્ય એતામ્ પાણ્ડુપુત્રાણામ્ આચાર્ય મહતીમ્ ચમૂમ્

વ્યૂઢામ્ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા

વ્યૂઢામ્ - વ્યૂહાકારમાં ગોઠવેલી

પાણ્ડુપુત્રાણામ્ - પાંડવોની

એતામ્ - આ

મહતીમ્ - મોટી

ચમૂમ્ - સેના

પશ્ય - જુઓ

આચાર્ય - હે આચાર્ય !

તવ - આપના

ધીમતા - બુદ્ધિમાન

શિષ્યેણ - શિષ્ય

દ્રુપદપુત્રેણ - દ્રુપદ રાજાના પુત્ર ધૃષ્ટદ્યુમ્ને

હે આચાર્ય ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્રે વ્યૂહરચનામાં ગોઠવેલી પાંડુપુત્રોની આ મોટી સેના તમે જુઓ. (૩)

ભાવાર્થ

હે દ્રોણાચાર્યજી ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ને પાંડવોની સેનાનો વ્યૂહ રચેલો છે તે તમે જુઓ.

આ વાક્ય બોલવામાં ગર્ભિત રીતે કપટી કૂટનીતિજ્ઞ દુર્યોધનના મનનો દ્વેષ તરી આવે છે. દ્રોણાચાર્યને ક્રોધાયમાન કરી વિશેષ ઉત્તેજિત કરવાના હેતુથી દુર્યોધને ધૃષ્ટદ્યુમ્નને "દ્રુપદપુત્ર" કહી દ્રોણાચાર્યના હૃદયમાં દ્રુપદરાજા સાથે પૂર્વવૈરની સ્મૃતિ જાગ્રત કરી. વળી ધૃષ્ટદ્યુમ્ન દ્રોણાચાર્યના વધ નિમિત્તે જ જન્મ્યો હતો એ સારી પેઠે જાણવા છતાં દ્રોણાચાર્યે ધૃષ્ટદ્યુમ્નને શિષ્ય તરીકે ધનુર્વિદ્યા શીખવી હતી અને તેથી વ્યંગમાં દુર્યોધન સૂચન કરે છે કે આપના જેવા મહાનુભાવવાળા આત્માઓની અદૂરદર્શિતા (મૂઢતા) જ અમારા નાશનું કારણ થઇ પડી છે.