Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧

અર્જુન વિષાદ યોગ

નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિઃ સ્યાજ્જનાર્દન ।
પાપમેવાશ્રયેદસ્માન્હત્વૈતાનાતતાયિનઃ ॥ ૩૬॥

નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્ ન: કા પ્રીતિઃ સ્યાત્ જનાર્દન

પાપમ્ એવ આશ્રયેત્ અસ્માન્ હત્વા એતાન્ આતતાયિનઃ

એતાન્ - એમને

આતતાયિનઃ - આતતાયી

હત્વા - હણવાથી

અસ્માન્ - અમને

પાપમ્ - પાપ

એવ - જ

આશ્રયેત્ - લાગે

જનાર્દન - હે જનાર્દન !

ધાર્તરાષ્ટ્રાન્ - કૌરવોને

નિહત્ય - હણીને (પણ)

ન: - અમને

કા પ્રીતિઃસ્યાત્ - શું સુખ થવાનું?

હે જનાર્દન ! ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શો આનંદ થાય? આ આતતાયીઓને મારવાથી અમને પાપ જ઼ લાગે. (૩૬)

ભાવાર્થ

અર્જુન આગળ દલીલો કરતા કહે છે કે, "ધૃતરાષ્ટ્રના પુત્રોને કૌરવોને મારવાથી અમારું શું ભલું થવાનું હતું? આ આતતાયીઓને મારવાથી અમને તો પાપ જ લાગશે."

અર્જુન કબૂલ કરે છે કે આ કૌરવો અને તેમના અનુયાયીઓ બધા આતતાયીઓ છે. આતતાયીઓનો વધ ક્ષત્રિયોએ કરવો જ જોઈએ એવી શાસ્ત્રોની સ્પષ્ટ આજ્ઞા છે છતાં અર્જુન કહે છે કે આ આતતાયીઓને મારવાથી મને પાપ લાગે. અર્જુનની આ દલીલ બિલકુલ ગલત છે. મોહાંધ હોવાથી આવી વાહિયાત વાતો તે કરે છે. ખરેખર તો આતતાયીઓને મારવા એ જ઼ ક્ષત્રિયોનો ધર્મ છે અને તેમને છટકવા દેવાથી ક્ષત્રિયને પાપ લાગે.

આતતાયી કોને કહેવાય તેનો ખુલાસો શાસ્ત્રોએ કરેલો છે:

અગ્નિદો ગર્દશ્ચૈવ શસ્ત્રપાણિ: ધનાપહઃ |

ક્ષેત્રદારા અપહર્તાચ ષડ્ એતે હિ આતતાયિનઃ ||

(મનુસ્મૃતિ - ૮/૩૪૮)

ન આતતાયિ વધે દોષો હન્તુર્ભવતિ કશ્ચન ।

(મનુસ્મૃતિ - ૮/૩૫૧)

આગ લગાડનાર, ઝેર આપનાર, હથિયાર લઇ મારવા આવનાર, ધન લૂંટી લેનાર, ક્ષેત્ર કે સ્ત્રીનું હરણ કરનાર - આ છ આતતાયી કહેવાય છે. વડીલ હોય, અતિવૃધ્ધ હોય અને ગુણવાન હોય પરંતુ તે આતતાયી હોય તો તેને મારી નાખવામાં કોઈ પાપ નથી. (મહાભારત - ભીષ્મપર્વ - ૧૦૭-૧૦૧-૨)

ઝાડ પાછળ સંતાઈને રામે વાલીનો વધ કર્યો ત્યારે વાલીએ ભગવાન રામને સવાલ પૂછ્યો કે "મહારાજ ! આપ ક્ષત્રિય ધર્મનું પ્રતિપાદન કરવા અવતર્યા છો તો આપે ક્ષત્રિય થઈને મને પારધીની માફક સંતાઈને પીઠ પાછળ ઘા કેમ કર્યો?"

ધર્મ હેતુ અવતરેઉ ગોસાઈ, મારેહુ મોહિ કિમિ બ્યાધકી નાઈ .

(રામ ચરિત માનસ)

ત્યારે ભગવાન રામે સ્પષ્ટ જવાબ આપ્યો કે તે તારા નાના ભાઈની પત્ની પ્રત્યે કુદ્રષ્ટિ કરીને છીનવી લીધી છે, માટે તને છળકપટથી મારવામાં પણ મને પાપ લાગતું નથી.

અનુજ વધુ ભગિની સુત નારી, સુનું શઠ કન્યા સમ એહિ ચારી.

ઈન્હ હિ કુદ્રષ્ટિ બિલોકહિ જોઈ, તાહિ બધે કછુ પાપ ન હોઈ.

(રામ ચરિત માનસ)

પોતાના નાના ભાઈની પત્ની, પોતાની પુત્રવધૂ, પોતાની બહેન અને દીકરી - આ ચાર વ્યક્તિ પ્રત્યે જે કુદ્રષ્ટિ કરે તેને જાનથી મારવામાં કોઈ પાપ નથી, કોઈ હિંસા નથી.

અર્જુનને આ ધર્મયુદ્ધમાં હિંસા દેખાય છે, પાપ દેખાય છે, કારણ કે તેમાં અર્જુનનું પારિવારિક મમત્વ છે. પરાયાને મારવામાં અર્જુનને ભૂતકાળમાં કદાપિ હિંસા દેખાઈ નહોતી. પરંતુ આજે જ મમત્વને લીધે હિંસા દેખાય છે. ખરેખરે તો મમત્વ એ જ હિંસા છે એમ સમજે તે જ ગીતા સમજી શકે. મનમાંથી મારાપણાનો અને પારકાપણાનો ભાવ નીકળી જાય ત્યારે જ અહિંસા પ્રગટ થાય,

હિંસા અને અહિંસા વચ્ચે બહુ જ પાતળી રેખા છે.

ધર્મના રક્ષણ માટે હું મરુ અને અનેકને મારુ તે ક્ષત્રિયની અહિંસા છે.

ધર્મના વિતરણ - વિનિમય માટે નીતિને વળગી રહીને હું કમાઉ અગર ગુમાવું અને બીજાઓને પણ તેમ કરાવું તે વૈશ્યની અહિંસા છે.

ધર્મને વેચીને ધન એકઠું કરે તે હિંસા છે.

ધર્મની શુદ્ધિ માટે હું બગડું અને અનેકને બગાડું તે શુદ્રની અહિંસા છે.

ધર્મના પ્રચાર માટે હું તપું અને અનેકને તપાવું તે બ્રાહ્મણની અહિંસા છે.