આ યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર મોટા ધનુર્ધારીઓ, મહારથી યુયુધાન, વિરાટ, દ્રુપદ, પરાક્રમી ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુષશ્રેષ્ઠ પુરુજિત, કુંતીભોજ, શૈબ્ય, મહાપરાક્રમી યુધામન્યુ, વીર્યવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અને દ્રૌપદીના (પાંચે) પુત્રો સર્વ મહારથીઓ જ છે. (૪-૬)
ભાવાર્થ
હવે શ્લોક ૪-૫-૬ માં સંજય ધૃતરાષ્ટ્રને પાંડવસેનાના અઢાર (૧૮) મહારથીઓનાં નામ, પૌરુષ, બળ, તેજ વગેરે કહે છે.
આ પાંડવોની સેનામાં ભીમ અને અર્જુન જેવા યુદ્ધમાં શૂરવીર, મોટા ધનુર્ધારી (મહેશ્વાસા:) અને મહારથી યુયુધાન, વિરાટ અને દ્રુપદ છે. (૪)
તથા પરાક્રમી (વીર્યવાન) ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજિત, કુંતીભોજ તથા મનુષ્યોમાં શ્રેષ્ઠ (નરપુંગવ:) શૈબ્ય પણ છે. (૫)
તેમ જ પરાક્રમી (વિક્રાંત:) યુધામન્યુ, બળવાન (વીર્યવાન) ઉત્તમૌજા, સુભ્રદ્રાનો પુત્ર (સૌભદ્ર:) અને દ્રૌપદેયા: (દ્રૌપદીના પાંચ પુત્રો) - આ બધા મહારથીઓ છે. (૬)
'મહારથી' એ કહેવાય કે જે દસ હજાર ધનુર્ધારી વીરોની સાથે એકલા જ યુદ્ધ કરી શકે. તેમ જ તેણે શાસ્ત્રોનું અધ્યયન કરેલું હોવું જોઈએ. અને યુદ્ધવિદ્યામાં પ્રવીણતા સંપાદન કરેલી હોવી જોઈએ. ત્યારે જ તે 'મહારથી' ની પદવી પ્રાપ્ત કરી શકે છે - આ પદવી તો વિશેષ કાર્ય કર્યા પછી રાજા દ્વારા બહુમાનપૂર્વક મળે છે.
ઉપરોક્ત ૧૮ મહારથીઓની ઓળખાણ નીચે પ્રમાણે છે:
૧) ભીમ - પાંડુનો બીજો પુત્ર. વાયુદેવના અનુગ્રહથી કુન્તીદેવીએ તેને જન્મ આપેલો. ભીમ બહુ પરાક્રમી અને ગદાયુદ્ધમાં પ્રવીણ હતો.
૨) અર્જુન - પાંડુનો ત્રીજો પુત્ર. ઈન્દ્રની કૃપાથી કુન્તીદેવીથી એનો જન્મ થયો હતો. તે આચાર્ય દ્રોણનો પટ્ટશિષ્ય હતો. તે બંને હાથથી શસ્ત્ર ચલાવી શકતો હતો તેથી તેને 'સવ્યસાચી' નું ઉપનામ મળેલું છે.
(૩) યુયુધાન - એનું ખરું નામ સાત્યકિ છે. અસાધારણ યોદ્ધો હોવાથી તે યુયુધાન કહેવાય છે. તે વૃષ્ણી વંશીય સત્યકનો પુત્ર અને મરૂત દેવતાના અંશથી ઉત્પન્ન થયેલો હતો. તે અર્જુનનો પટ્ટશિષ્ય હતો.
(૪) વિરાટ - તે મત્સ્ય દેશનો પરાક્રમી રાજા હતો. અભિમન્યુનો તે સસરો થાય. પાંડવોને અજ્ઞાતવાસમાં તેણે આશ્રય આપેલો. વિરાટની દીકરી ઉત્તરાના લગ્ન અભિમન્યુ સાથે થયા હતા.
(૫) દ્રુપદ - તે પાંચાલદેશનો રાજા હતો. તે "જ્ઞાનસેન" પણ કહેવાય છે. તે દ્રૌપદીના પિતા હતા.
(૬) ધૃષ્ટકેતુ : તે ચેદિદેશનો રાજા હતો અને શિશુપાલનો દીકરો હતો.
(૭) ચેકિતાન - આ મહારથી વ્યાસજીના આવાહનથી ગંગાજીમાંથી પ્રગટ થયેલો હતો.
(૮) કાશીરાજ - તે ઘણો પરાક્રમી હતો અને યુધિષ્ઠિરનો મિત્ર હતો.
(૯) પુરુજિત - તે કુંતીભોજનો પુત્ર હતો અને કુંતીદેવીનો ભાઈ હતો. પુરુજિત અને કુંતીભોજ એ બે પુરુષોના બે નામો નથી. કુંતી જે કુંતીભોજ રાજાને દત્તક આપી હતી તેનો પુરુજિત એ ઔરસપુત્ર હતો અને કુંતીભોજ એ એનું કુળનામ છે. અને તે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનનો મામો થતો હતો.
(૧૦) શૈબ્ય - તે શિબિદેશનો રાજા હતો અને યુધિષ્ઠિરનો સસરો થતો હતો. શૈબ્યની દીકરી દેવિકા સાથે યુધિષ્ઠિરનાં લગ્ન થયા હતા.
(૧૧) યુધામન્યુ - તે પાંચાલદેશનો રાજકુમાર હતો.
(૧૨) ઉત્તમૌજા - તે પાંચાલદેશનો એક યોદ્ધો અને પાંડવોનો સંબંધી હતો. તે એક પરાક્રમી પુરુષ હતો.
(૧૩) સૌભદ્ર - તે સુભદ્રા અને અર્જુનનો પુત્ર હતો. તેનું નામ અભિમન્યુ હતું. સોળ વર્ષના આ અતિ પરાક્રમી બાળકે કૌરવોના ચક્રવ્યુહનું ભેદન કરીને પોતાનું પરાક્રમ દેખાડ્યું હતું અને તેમાં તે માર્યો ગયો હતો.
(૧૪ થી ૧૮) પાંચ પાંડવોથી ઉત્પન્ન થયેલા દ્રૌપદીના પાંચ પુત્રો - યુધિષ્ઠિરનો પુત્ર પ્રતિવિન્ધ્ય, ભીમનો પુત્ર સુત સોમ, અર્જુનનો પુત્ર શ્રુતકીર્તિ, નકુળનો પુત્ર શતાનીક, સહદેવનો પુત્ર શ્રુતકર્મા.
જે યોદ્ધો અસંખ્ય ધનુર્ધરો સાથે યુદ્ધ કરી શકે તે 'અતિરથી' કહેવાય - જે એક હજાર ધનુર્ધરો સાથે યુદ્ધ કરી શકે તે "રથી" કહેવાય. જે હજાર ધનુર્ધરોથી ઓછી સંખ્યાવાળા સાથે યુદ્ધ કરી શકે તે "અર્ધરથી" કહેવાય.
મહાભારતના યુદ્ધ સમયે ૧૭૦ વર્ષના ભીષ્મપિતામહ, ૯૦ વર્ષના દ્રોણાચાર્ય, ૭૦ વર્ષના ભીમ, અર્જુન તથા ૨૦-૨૫ વર્ષની વયના અભિમન્યુ તથા દ્રૌપદીના પુત્રોની મહારથી તરીકે ગણના કરવામાં આવી છે : આ હકીકત ઉપરથી મહાભારત કાળમાં નાની વયના રાજકુમારોના અસાધારણ બળની, તેમના શિક્ષણની અને વૃધ્ધાવસ્થામાં પણ રાજાઓ શક્તિહીન થતા ન હતા તેની સહજ કલ્પના આવશે. તે કાળના રાજાઓ, રાજકુમારો બળવાન, ચારિત્ર્યવાન અને શસ્ત્રાસ્ત્રમાં નિપુણ હતા અને તેથી જ તે કાળમાં આર્યજાતિ જીવંત અને વિજયી હતી.