જવાબ - અધિભૂતં ક્ષરોભાવ: ક્ષરભાવ એટલે કે ઉત્પત્તિ વિનાશ ધર્મવાળા બધા પદાર્થ અધિભૂત કહેવાય.
ક્ષર એટલે વિનાશી. ભાવ એટલે પદાર્થ. સાતમા અધ્યાયના ચોથા શ્લોકમાં જે અષ્ટધા અપરા પ્રકૃતિ કહી છે તે જ આ ક્ષરભાવ છે. ભૂત તેમ જ All becomings તે બધું આ (અષ્ટધા) આઠ પ્રકારની પ્રકૃતિનું રૂપ છે અને તે જ મૂર્ત (વ્યક્ત) બ્રહ્મ છે અથવા આ બ્રહ્મનો મૂર્ત (વ્યક્ત) દેહ છે, જે સંપૂર્ણ વસ્તુ સમૂહ છે તે અધિભૂત ક્ષરભાવ છે. અને તે જ પરબ્રહ્મનું વિશ્વરૂપ છે. તેને ૧૫માં અધ્યાયમાં 'ક્ષર' પુરુષ કહે છે. (ક્ષર: સર્વાણિ ભૂતાનિ - ગીતા - ૧૫/૧૬). ક્ષર પુરુષ, ક્ષરભાવ, ક્ષર સત્તા, અષ્ટધા અપરા પ્રકૃતિ - એ જ અધિભૂત છે. આ વર્ણન અનેક તત્ત્વોનું નથી, પરંતુ એક જ તત્ત્વ (બ્રહ્મ)ના અનેક પાસાંઓનું છે.
That can be constructed can also be destructed. બ્રહ્મ (અસ્તિત્વ) અખંડ છે, કારણ કે અસીમ છે જયારે પદાર્થ (All becomings ભૂત) સીમિત હોવાથી નષ્ટ થઇ શકે છે.
પાંચમો પ્રશ્ન - અધિદૈવ કિં ઉચ્યતે?
જવાબ - પુરુષ: ચ અધિદૈવતમ
હિરણ્યમય પુરુષ જેના શાસ્ત્રોમાં "સૂત્રાત્મા", "હિરણ્યગર્ભ", "પ્રજાપતિ", "બ્રહ્મા" વગેરે નામો છે તે પુરુષને અધિદૈવ કહેવાય છે. પુર એટલે દેહ. દેહનગરીમાં (દેહપુરીમાં) અજ્ઞાન નિદ્રામાં જાગૃત થાય ત્યાં લગી સૂતેલો રહેતો હોવાને લીધે તેને જીવાત્મા (પુરુષ) કહે છે એને જ ૧૩ માં અધ્યાયમાં ક્ષેત્રજ્ઞ કહે છે.
દેવ ઉપરથી દૈવત શબ્દ બને. દેવ એટલે ઇન્દ્રિયો. આ ઇન્દ્રિયોને ઉદ્દેશીને તેના સ્વામી તરીકે વર્તતો હોઈને જીવાત્માને (પુરુષને) અધિદૈવત કહે છે. સાતમા અધ્યાયમાં તેને જીવભૂતામ્ પરાપ્રકૃતિ કહે છે. અને પંદરમાં અધ્યાયમાં તેને કૂટસ્થ કહે છે.
અહીં અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કેવી રીતે છે?
જવાબ : અધિયજ્ઞ: અહમ્ એવ અન્ન દેહે
આ શરીરમાં હું (વાસુદેવ) જ વિષ્ણુરૂપમાં અધિયજ્ઞ છું. પરમાત્મા પોતે જ અધિયજ્ઞ છે. આ શરીરમાં ઈશ્વર જ અધિયજ્ઞ છે એટલે કે શ્રોતસ્માર્ત યજ્ઞોને ઉદ્દેશીને તેના અધ્યક્ષ તરીકે અને ફલદાતા તરીકે વર્તતા હોઈને પરમાત્મા જ અધિયજ્ઞ છે. એટલે કે આ શરીર દ્વારા થતા તમામ કર્મોના અધ્યક્ષ અને ફલદાતા તરીકે પરમાત્મા વર્તતા હોઈને શરીરમાં રહેલા પરમાત્મા જ અધિયજ્ઞ છે. આ દેહમાં જે યજ્ઞ થઇ રહ્યો છે, જે કર્મ થઇ રહ્યા છે તેનો અધિષ્ટાતા હું અધિયજ્ઞ છું. મનુષ્ય જીવન એ સો વર્ષ ચાલનારો સત્ર - યજ્ઞ છે. મનુષ્ય જીવન ઉત્તમ યજ્ઞમય - યજ્ઞેય પવિત્ર જીવન હોવું જોઈએ. આ યજ્ઞપુરુષ અધિયજ્ઞ તે જ છે કે જેને પ્રથમ જ "અક્ષર પરબ્રહ્મ" કહ્યો છે, કેમ કે તે જ અધ્યાત્મ બનીને પ્રત્યેક પ્રાણીમાત્રમાં નિવાસ કરે છે, તે જ પોતાની શક્તિને પ્રગટ કરવા માટે પરમ પુરુષાર્થ - શ્રેષ્ઠ કર્મ કરે છે, તે જ ક્ષરભાવથી (અધિભૂત) સ્થૂળરૂપમાં પ્રગટ થાય છે અને તે જ સર્વ ચૈતન્યરૂપ હોવાથી પ્રાકૃતિક વિશ્વમાં પુરુષરૂપે વ્યાપી રહ્યો છે અને તે જ માનવી જીવનરૂપી યજ્ઞનો અધિષ્ઠાતા (અધિયજ્ઞ) છે.
આ રીતે આ છ પ્રશ્નોના ઉત્તરથી એક જ પરબ્રહ્મના છ પાસાંનું વર્ણન થયેલું છે. માનો કે આ છ પાસાંમાં પરબ્રહ્મનો અનુભવ થાય છે. દરેકેન આ આત્મજ્ઞાન થવું જોઈએ.