પરમ ઉત્કૃષ્ટ સિદ્ધિ પામેલા મહાત્માઓ, મને પામી દુઃખના સ્થાનરૂપ અને નાશવંત પુનર્જન્મને પામતા નથી. (૧૫)
ભાવાર્થ:
દુઃખાલયમ્
દુઃખનું કારણ સૃષ્ટિ નહિ - દ્રષ્ટિ છે. સૃષ્ટિ - પરિસ્થિતિ બદલવાથી નહિ પરંતુ દ્રષ્ટિ બદલવાથી દુઃખ મટે. સાયન્સ પરિસ્થિતિ - સૃષ્ટિ બદલવાની ચેષ્ટા કરે છે ત્યાં તે નિષ્ફળ જાય છે. ધર્મ દ્રષ્ટિ બદલવાની આજ્ઞા કરે છે. ગમે તેવી પરિસ્થિતિમાં જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ સમજવી. દ્રષ્ટિનું રૂપાંતરણ મુક્તિ લાવે છે. દુઃખનું આલય (દુઃખાલયમ્) જન્મમરણનું ચક્કર છે. સુખનું આલય (સુખાલયમ્) પરમાત્મા છે. પુનર્જન્મનું કારણ જિજીવિષા - Lust for life છે. જિજીવિષાનું કારણ વાસના છે. વાસનાને માટે ભવિષ્ય જોઈએ - પૂરતો સમય જોઈએ તો પણ વાસના તો અધૂરી જ રહે એટલે પુનર્જન્મ (દુઃખાલયમ્) પ્રાપ્ત થાય, પરમાત્મા (સુખાલયમ્) પ્રાપ્ત ના થાય. વાસના - તૃષ્ણા જેટલી વધારતા જાઓ - કરતા જાઓ તેટલી વધતી જ, વધતી જ જાય.
તૃષ્ણા ન જીર્ણાં વયમેવ જીર્ણાં: (ભર્તૃહરિ) અમે જીર્ણ થઇ ગયા - હંછેરવંછેર થઇ ગયા તો પણ તૃષ્ણા જીર્ણ ના થઇ.
જ્યાં વાસના નથી ત્યાં સમયની (ભવિષ્યની) જરૂરિયાત નથી અને તેથી ત્યાં પુનર્જન્મ નથી. વાસનાને દોડવા માટે સ્થળ નહિ, પરંતુ સમયની જરૂર પડે છે. શરીરને દોડવા માટે સ્થળની જરૂર પડે. વાસનાની તૃપ્તિ માટે એક જીવનકાળ ટૂંકો પડે. વાસનાની સમાપ્તિનું નામ સમાધિ - જે સમયાતીત - કાલાતીત - beyond time હોય છે.
વાસના (unfulfilled desires) પુનર્જન્મની માંગ છે. કામના - વાસના દુષ્પુર છે. વાસના બુધા વગરના ઘડા જેવી છે. જે કૂવામાં ડુબાડી રાખો, ત્યાં સુધી પાણીથી ભરાયેલી રહે, પરંતુ જો બહાર કાઢો કે ખાલીખમ થઇ જાય. એક વાસના પૂરી કરવા જતા બીજી દસ નવી વાસનાઓ ઉભી થાય છે. મૃત્યુ સમયે વાસનાઓ - કામનાઓ ઈચ્છાઓ અધૂરી રહી જાય છે. તે જ પુનર્જન્મનું મુખ્ય કારણ છે. અને એ જ "દુઃખાલયમ" દુઃખનું કારણ છે. આખી જિંદગી જેને ખોળ્યા કર્યું તે મળ્યું નહીં અને જેને બચાવવા ચાહતા હતા તે ખોઈ બેઠા એ મહાદુઃખ. દુઃખાલયમ અશાશ્વાતમ્
મરતી વખતે માણસે જે પાપો કર્યા છે તેનો તે પસ્તાવો નથી કરતો, પરંતુ જે પાપો તે નથી કરી શક્યો તેનો પસ્તાવો કરે છે. માણસ આખી જિંદગી પોતાના ડ્રોઈંગરૂમમાં મેઘધનુષ લટકાડવા અને ઝાંઝવાના નીરથી તરસ છીપાવવા માટે જ દોડધામ દોડાદોડી કરે છે. જે અશાશ્વત છે. તેને શાશ્વત માનીને બાથોડિયા મારે છે. જગતની પ્રત્યેક વસ્તુ અસ્થાયી છે. તેમાં સ્થાયી ઘર ના બની શકે - દુઃખનું ઘર (દુઃખાલયમ) બની શકે. દુઃખ પણ ક્ષણભંગુર છે, પાણીમાં ખીલીઓ ઠોકવા જેવો ઘાટ છે. ક્ષણભંગુર જગતમાં શાશ્વત સુખની પ્રાપ્તિની વાસના જ ભયંકર દુઃખ પેદા કરે છે, જે માણસ શાશ્વત નિત્ય eternal એવા પરમાત્માની સાથે યોગ સાધે - ઐક્ય સાધે તેવો સિદ્ધ પુરુષ પછી અશાશ્વત - ક્ષણભંગુર જગતના પદાર્થોની કદાપિ કામના ના કરે.