હે મધુસૂદન ! આ શરીરમાં અધિયજ્ઞ કોણ (અને) ક્યા પ્રકારે છે? તથા વશ ચિત્તવાળાઓ મરણકાળે આપને કેવી રીતે જાણે છે? (૨)
ભાવાર્થ :
સાતમા અધ્યાયના ૨૯ માં શ્લોકમાં બ્રહ્મ - અધ્યાત્મ - કર્મ એ ત્રણ શબ્દો અને ૩૦માં શ્લોકમાં અધિભૂત - અધિદૈવ - અધિયજ્ઞ એ ત્રણ નવા શબ્દો મળી કુલ છ નવા શબ્દો સંબંધી હવે અર્જુન છ સવાલો પૂછે છે અને સાતમો સવાલ પૂછે છે કે યુક્તચિત્તવાળા પુરુષો દ્વારા (નિયતાત્મભિઃ) અંત સમયમાં (પ્રયાણકાલે) પરમાત્મા કેવા પ્રકારે જાણવામાં આવે(કથં જ્ઞેયોઽસિ)?
માણસના પ્રશ્નોનો કોઈ અંત નથી. પરમાત્મા સામે જ ઉભા છે છતાં અર્જુનને પ્રશ્નો થાય છે. જ્યાં સુધી મનમાં પ્રશ્નો ઉભા થયા કરશે ત્યાં સુધી ઉત્તર નહીં સમજાય. આ એક બુદ્ધિની વલુર છે. નિષ્પ્રશ્ન મનમાં જ ઉત્તરનું આગમન થાય છે. એક જ પ્રશ્ન બસ છે - "બ્રહ્મ શું છે?" તમામ પ્રશ્નોનો અંત બ્રહ્મના સવાલમાં આવી જાય છે. જે જાણ્યા પછી કાંઈ જાણવાનું બાકી રહેતું નથી.
"અથાતો બ્રહ્મજિજ્ઞાસા" (Hence the inquiry of Brahma). ત્યાંથી બ્રહ્મસૂત્ર શરુ થાય છે, પરંતુ આ એક પ્રશ્નનો જવાબ સાંભળવા રોકાવાને બદલે અર્જુન ઉપરાછાપરી બીજા છ સવાલો પૂછી નાખે છે, જો કે આ તમામ પ્રશ્નોના જવાબો એક યા બીજા રૂપે પાછલા સાત અધ્યાયોમાં ભગવાને આપેલા જ છે. અર્જુન માત્ર નવા શબ્દોમાં જૂની જિજ્ઞાસાઓને ઉભી કરે છે. અર્જુનનો સવાલ, સવાલ નથી પરંતુ બીમારી છે. પરંતુ પરમાત્મા જેવો સમર્થ વૈદ્ય એમ જવાબ આપવામાં થાકે તેમ નથી. કદાચ અર્જુન સવાલ પૂછતા થાકી જાય. કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં gap of language છે, તેથી આ મુશ્કેલી છે. ભગવાન હવે આ gap પુરી દેશે, થાકશે નહીં.
બ્રહ્મ - અધ્યાત્મ - કર્મ વગેરે શબ્દોના અનેક અર્થ થાય છે, બ્રહ્મ એટલે પરમાત્મા - પ્રકૃતિ - વેદ એવા કેટલાક અર્થ થાય છે, તેથી અર્જુન ગુંચવાય છે. હવે પરમાત્માનો જવાબ સાંભળો: