હે અર્જુન ! તે જ આ પ્રાણીઓનો સમૂહ પ્રકટી પ્રકટી (બ્રહ્માની) રાત્રી આવતા પરવશ થઇ લય પામે છે અને દિવસ આવતા ઉત્પન્ન થાય છે. (૧૯)
ભાવાર્થ:
આ બે શ્લોકોમાં અસ્તિત્વની વ્યાખ્યા છે. કેવી રીતે આ અસ્તિત્વ પેદા થાય છે એટલે કે વ્યક્ત થાય છે અને કેવી રીતે તે લીન થાય છે.
કાળના તત્વને જે સમજી શકે તે જ આ અસ્તિત્વની વ્યાખ્યા સમજી શકે. જે કાંઈ પણ સમયની અંદર પ્રતીત થાય છે તે વાસ્તવિક નથી પરંતુ સ્વપ્નવત dream-like છે. જેમ ચંદ્રનું પ્રતિબિંબ દર્પણમાં અગર પાણીમાં પ્રતીત થાય છે તે વાસ્તવિક ચંદ્ર નથી. દર્પણ અગર પાણી એટલે સમય.
સમયમાં દેખાય તે સંસાર - જગત,
સમયની બહાર (સમયાતીત - કાલાતીત) જે છે તે પરમાત્મા.
દર્પણની બહાર, પાણીની બહાર જે છે તે વાસ્તવિક ચંદ્ર.
સમયના માધ્યમથી Mediumથી જ આપણને જે દેખાય છે તે સંસાર - જગત અને તેને જ આપણે જાણીએ છીએ.
સમયની બહાર જે છે બ્રહ્મ તેની તો આપણને ખબર જ નથી, કારણ કે આપણે પોતે પણ સમયમાં જ છીએ.
આ જ અર્થ છે માયા - (illusion)નો. જગત બ્રહ્મનું પ્રતિબિંબ છે. બિંબ પ્રતિબિંબવાદ અગર તો વિવર્તવાદ - એટલે કે મૂળ વસ્તુમાં કાંઈ પણ ફેરફાર થયા વગર તે બીજા પદાર્થમાં પ્રતીત થાય અગર તેમાં બીજા પદાર્થની પ્રતીતિ થાય તે વિવર્તવાદ. (માયા - illusion).
સમયના માધ્યમમાં જે દેખાય તે સંસાર. સમયની બહાર જે છે તે બ્રહ્મ.
જે સમયથી મુક્ત થાય તે જ સંસારથી મુક્ત થાય.
દેહ સમયમાં છે જયારે આત્મા સમયની બહાર છે. તેથી જેનો દેહાધ્યાસ છૂટી જાય અને આત્મજ્ઞાન થાય તે જ સમયની બહાર (સંસારથી બહાર) નીકળી જાય - અને પુનર્જન્મથી મુક્ત થાય.
જેટલી વાસના ક્ષીણ થતી જાય તેટલો માણસ સમયની બહાર નીકળતો જાય.
અવ્યક્ત (બ્રહ્મ)માંથી સમસ્ત વ્યક્ત ભૂતગ્રામનો જન્મ થાય છે. રોજ સવારે માણસ ઉઠે તેની સાથે તેની બધી ક્રિયાઓ શરુ થાય છે અને રાત્રે સૂઈ જાય છે ત્યારે તેની ક્રિયાઓ તેનામાં લય પામે છે. દરરોજ આવું બને છે. દરેક કલ્પમાં રામ જન્મે છે અને રામાયણ રચે છે. તેથી રામાયણ ઇતિહાસ નથી - પુરાણ છે - જે પુરાણા કાળથી ભજવાય છે અને તેથી જ રામના જન્મ પહેલા વાલ્મિકી રામાયણ લખી શક્યા. જેમ વરસાદ આવતા પહેલા ઉનાળામાં આપણે કહી શકીએ છીએ કે ચોમાસામાં વરસાદ આવશે. કારણ કે દર સાલ આવું બને છે - ના બને તો આશ્વર્ય. ચોમાસામાં વરસાદ આવે છે તે પુરાણ - જયારે અમુક સાલમાં કઈ તારીખે કેટલા ઈંચ વરસ્યો તે ઇતિહાસ કહેવાય. માટે પુરાણોમાં તારીખ સાલનું મહત્વ નથી, કારણકે દરેક કલ્પની repetitive ઘટનાઓનું નામ પુરાણ છે. ઘટના ઘટીત થયા પછી લખાય તે ઇતિહાસ.
બ્રહ્માના એક દિવસમાં ૨૪ તીર્થંકર પેદા થાય (દર કલાકે એક) તેમના નામ જુદા - સાલ - તારીખો - ઇતિહાસ બધું અલગ અલગ પણ પુરાણ એક જ. સમયની આ વર્તુળાકાર વૃત્તિ છે તેથી જે શરુ થાય છે તે પૂરું થાય છે - ફરીથી શરુ થવા માટે - ફરીથી પૂરું થવા માટે. તેથી જ અનાદિકાળથી અનંત અનંત વખત પ્રલય, સર્જન અને વિસર્જન ચાલ્યા જ કરે છે. તેનો આદિ - મધ્ય - અનંત જડે જ નહી. એટલા માટે સર્જન અને વિસર્જનમાં કોઈ વિરોધાભાસ નથી. એક જ પ્રક્રિયાના એ બે હિસ્સા છે. સવારમાં જે સૂર્ય ઉગે છે તે જ સાંજે આથમતો દેખાય છે કારણ કે પૃથ્વી ગોળ છે. બાકી સૂર્ય તો એનો એ જ એક જ છે.
અસ્તિત્વ સતત ફેલાતું જ રહે છે. બ્રહ્માંડ એટલે That which is expanding constantly. ફુગ્ગો ફૂલતો ફૂલતો આખરે ફૂટી જાય. માણસ જન્મે ત્યારથી સતત વધતો વધતો બુઢ્ઢો થાય, મરી જાય. જન્મ એ મૃત્યુની શરૂઆત છે. પ્રારંભ એ અંતની તરફ દોડે છે. ફેલાવું તે ફૂટવાની તરફની દોટ છે. જે અવ્યક્તમાંથી પેદા થાય છે અને ફેલાય છે એ જ બ્રહ્માનો દિવસ છે અને જે અવ્યક્તમાં સંકોચાવા લાગે છે તે બ્રહ્માની રાત્રી છે અને અંતે જે અવ્યક્તમાં લીન થઇ જાય છે તે પ્રલય - નૈમિત્તિક પ્રલય છે.