Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૮

અક્ષર બ્રહ્મ યોગ

યદક્ષરં વેદવિદો વદન્તિ વિશન્તિ યદ્યતયો વીતરાગાઃ ।
યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદં સંગ્રહેણ પ્રવક્ષ્યે ॥ ૧૧॥

યત્ અક્ષરમ્ વેદવિદ: વદન્તિ વિશન્તિ યત્ યતય: વીતરાગાઃ

યત્ ઈચ્છન્ત: બ્રહ્મચર્યમ્ ચરન્તિ તત્ તે પદમ્ સંગ્રહેણ પ્રવક્ષ્યે

ઈચ્છન્ત: - ઇચ્છતા (ગુરુ પાસે રહીને)

બ્રહ્મચર્યમ્ - બ્રહ્મચર્ય

ચરન્તિ - પાળે છે.

તત્ - તે

પદમ્ - (પરમ) પદને

તે - (હું) તને

સંગ્રહેણ - ટૂંકમાં

પ્રવક્ષ્યે - કહીશ.

વેદવિદ: - વેદને જાણનાર

યત્ - જેને

અક્ષરમ્ - ઓમકાર (નામથી)

વદન્તિ - કહે છે,

વીતરાગાઃ - આસક્તિરહિત

યતય: - યત્નશીલ મહાત્માઓ

યત્ - જેમાં (ધ્યાન દ્વારા)

વિશન્તિ - પ્રવેશ કરે છે (તથા)

યત્ - જે (પરમ પદને)

વેદવેત્તાઓ જેને અક્ષર - અવિનાશી કહે છે, રાગરહિત યતિઓ જેમાં પ્રવેશ કરે છે (અને) જેને ઇચ્છનારા બ્રહ્મચર્ય પાળે છે, તે પદ તને ટૂંકમાં કહું છું. (૧૧)

ભાવાર્થ :

વેદવિદ: - એટલે માત્ર વેદોનો પાઠ કરનાર અર્થાત મોઢે કરનાર અગર તો વેદોના મંત્રોના માત્ર શબ્દાર્થ કરનાર જ નહીં. વેદવિદ: એટલે વેદોનો મર્મજ્ઞ - જ્ઞાની - બ્રહ્મજ્ઞાની.

વેદ એ કોઈ પુસ્તક નથી. વેદ એટલે knowledge itself - પરમજ્ઞાન. વેદની ચારેય સંહિતાઓ ખોવાઈ જાય તો પણ વેદ ના ખોવાય. કુરાન પણ વેદ છે. બાઇબલ પણ વેદ છે. - મહાવીર, બુદ્ધની વાણી પણ વેદ છે - વેદ તો નિરતંર જન્મતા જ રહેવાના. જયારે કોઈ પણ વ્યક્તિ પરમભાવને - ભગવદ્ભાવને પામે ત્યારે તે જે બોલે તે વેદ કહેવાય. વેદ એ શાશ્વતના જ્ઞાનનું નામ છે જે અત્યંત સ્ફટિક જેવું શુદ્ધ અંતઃકરણ ધરાવનારા વ્યક્તિ જ ઝીલી શકે.

એવા વેદવિદ: (વેદવાદરતા: નહીં) એ પરમપદ અક્ષરને ૐકાર નામથી પોકારે છે. ૐ કોઈ અક્ષર નથી, નાદ છે. સ્વર-વ્યંજનને આપણે અક્ષર કહીએ છીએ. આ અક્ષરો તો ક્ષર છે. આ અક્ષરો જયારે આપણે બોલવાનું બંધ કરીએ, મૌન થઇ જઈએ (આંતરિક રીતે અને બાહ્ય રીતે) ત્યારે જે બોલાય - સંભળાય તે ૐનો નાદ - અક્ષર બ્રહ્મનો નાદ છે. પરમ મૌનમાં આ ૐ નાદનો ધ્વનિનો ગુંજારવ સંભળાય. આ ધ્વનિ આપણે પેદા કરેલો ધ્વનિ નથી, પરંતુ તે આપણા અસ્તિત્વનો ધ્વનિ છે, અસ્તિત્વ ધ્વનિત થાય છે. It is a soundless sound. ૐ કોઈ શબ્દ નથી, એનો કોઈ અર્થ નથી - Meaningless - એ તો માત્ર અસ્તિત્વ બોધક છે. અત્યંત નીરવ સમુદ્રના કિનારે અગર પર્વતની ટોચ ઉપર આ ધ્વનિ સંભળાય છે.

યતય: વિત્તરાગા: - એટલે કે આત્મજ્ઞાન માટે પ્રયત્નશીલ અને સંસાર પ્રત્યે વિતરાગી હોય તે.

બ્રહ્મચર્ય ચરન્તિ - બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ જેવી ચર્ચા અગર તો પરમાત્મા સાથેની - પરમાત્મા પ્રત્યેની - માત્ર પરમાત્માને જ લક્ષ્ય બનાવીને કરેલી ચર્યા - આચરણ તે બ્રહ્મચર્ય કહેવાય.