હે ભરતશ્રેષ્ઠ ! જે કાળે (માર્ગે) મરેલા યોગીઓ પાછા આવતા નથી તથા (જે કાળે મરેલા) પાછા આવે છે, તે કાળ હું કહું છું. (૨૩)
ભાવાર્થ:
કેટલાક લોકો મરતે મરતે જીવતા હોય છે જયારે કેટલાક જીવતે જીવતે મરી શકતા હોય છે. એટલે કે તેમનું "મૃત્યુ મરી ગયું રે લોલ' મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરી ચૂક્યા હોય છે. કેટલાક મરણની ક્ષણે પણ એટલા જીવંત હોય છે કે તેમના મૃત્યુને મૃત્યુ કહી શકાય નહીં. બુદ્ધના મૃત્યુને મૃત્યુ ના કહેવાય. આપણે જીવીએ છીએ પણ તે જીવતા ના કહેવાય. As if we live because we breath. બુદ્ધના મૃત્યુને મુક્તિ નિર્વાણ કહેવાય. જેને આપણે આપણું શરીર કહીએ છીએ તે શરીર નહીં પરંતુ હાલતી ફરતી કબર કહેવાય - રોગ અને વાસનાનું જાળું કહેવાય - સાડાત્રણ હાથનું જાજરૂ કહેવાય જેમાં તમે બેઠા છો. જેને જીવતા ના આવડે તેને મરતા પણ ના આવડે.
યત્ર કાલે - જે ક્ષણે - જે માર્ગે
મૃત્યુનો કાળ - મૃત્યુનો માર્ગ સુનિશ્ચિત છે. આ જગતમાં કશુંય આકસ્મિક નથી. મૃત્યુ પણ આકસ્મિક નથી. વર્તમાનને જે ઓળખે છે તે મૃત્યુની ક્ષણને જાણે છે. વર્તમાનની પ્રત્યેક ક્ષણ મૃત્યુની ક્ષણ છે. આપણે કાં તો ભૂતકાળને વાગોળીએ છીએ, કાં તો ભવિષ્યના મહેલ ચણીએ છીએ - તેમાં વર્તમાનની ક્ષણને ચૂકી જઈએ છીએ. આ મરી ગયેલા જીવતા માણસનું લક્ષણ છે. ઘૃત: શરીરેણ મૃત: સ જીવતિ |
પુનર્જન્મ મનનો થાય છે, દેહનો નહીં. આત્માનો પણ નહીં. મન કાં તો ભૂતકાળને વાગોળે છે - કાં તો ભવિષ્યના સ્વપ્ન સેવે છે. મન અતીત અને ભવિષ્યની જોડ છે.
મન = અતીત + ભવિષ્ય.
વર્તમાનની ક્ષણ મનનો હિસ્સો નથી. જે વર્તમાનમાં પ્રવેશ કરે છે તે મનની બહાર, સમયની બહાર થઇ જાય છે. Present is not a part of time. જે ક્ષણ સમયનો હિસ્સો નથી તે મનનો પણ હિસ્સો નથી. વર્તમાનમાં મન - અમન થઇ જાય છે. અને તે જ ક્ષણે જો શરીર છૂટે તો પુનર્જન્મ (મનનો) થાય જ નહિ. વર્તમાન સમયનો પણ હિસ્સો નથી અને મનનો પણ હિસ્સો નથી. તે ક્ષણે જો દેહ છૂટે તો in the state of no mind મૃત્યુ મિત્ર બની જાય - મુક્ત થવાય.
વાસનાનો ક્ષય - મનનો લય એ જ મોક્ષ.