કેમ કે આ જગતની આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ નિત્ય મનાયેલી છે; એકથી પાછો આવતો નથી અને બીજીથી ફરી (સંસારમાં) પાછો આવે છે. (૨૬)
ભાવાર્થ:
દેવયાન - પિતૃયાન
બૃહદારણ્યક ઉપનિષદ ૬/૨/૧૫-૧૬ અને છાંદોગ્ય ઉપનિષદ ૫/૧૦/૧ થી ૮ વિગેરે સ્થળોએ દેવયાન તથા પિતૃયાન પંથોનું વિવરણ છે - પરંતુ તે સમજવું ઘણું જ અઘરું છે. સ્વામી વિવેકાનંદે લંડનમાં તા: ૧૨-૯-૧૮૯૩ ના રોજ કરેલા પ્રવચનમાં છાંદોગ્ય ઉપનિષદની કથાનો બે વખત ઉલ્લેખ કર્યા બાદ દેવયાન અને પિતૃયાન પથ વિષે બોલતા તેમણે કહ્યું કે -
"હવે આપણે એવા વિલક્ષણ સિદ્ધાંત પ્રતિ આવી પહોંચ્યા છીએ કે, જેનો ઘણો ભાગ મારા પોતાથી પણ યથાર્થ સમજી શકાયો નથી. છતાં તમારામાંથી કોઈ કુશાગ્ર બુદ્ધિને તેમાંથી કઈ તારતમ્ય જડી આવે તે હેતુથી હું તે તમારી આગળ અહીં વાંચું છું."
મહાત્મા ગાંધીએ પણ "અનાસક્તિયોગ'માં જણાવ્યું કે, ગીતા અધ્યાય ૮/૨૪-૨૫ આ બંને શ્લોકો તેઓ પૂરા સમજતા નથી.
આ દેવયાન અને પિતૃયાન માર્ગો સંબંધી ઉપનિષદોએ નીચે પ્રમાણે જે સ્પષ્ટતા કરી છે તેનાથી આ માર્ગો સમજવામાં સરળતા રહેશે.
ઇજ્ય અધ્યયન દાનાનિ તપ: સત્યમ દમ: ક્ષમા |
અલોભ: ઇતિ માર્ગોયં ધર્મસ્ય અષ્ટવિધ: સ્મૃતઃ ||
તત્ર પૂર્વશ્વતુર્વર્ગ: પિતૃયાન પથે સ્થિત: |
કર્તવ્યમ ઇતિયતકાર્યમ નાભિમાનાત સમાચરેત ||
ઉત્તરો દેવયાનસ્તુ શ્રદ્ધયા આચરિતઃ સદા।
અષ્ટાંગૈર્નૈવ માર્ગેણ વિશુદ્ધતમમાચારેત્॥
(3/2/71 - 72 -73)
(૧) યજ્ઞ
(૨) અધ્યયન
(૩) દાન
(૪) તપ
(૫) સત્ય
(૬) ક્ષમા
(૭) દમ
(૮) અલોભ
આ ધર્મના અષ્ટવિધ માર્ગ કહ્યા છે.
તે પૈકીના પ્રથમ ચાર (યજ્ઞ, અધ્યયન, દાન, તપ) જો ફલાશાથી કરવામાં આવે તો પિતૃયાન પથમાં (જે માર્ગે જન્મ મરણનાં ચક્રમાં ફરવું પડે) લઇ જનાર છે. જયારે બાકીના ચાર (સત્ય, ક્ષમા, દમ, અલોભ) ફલાશા રાખીને આચરી શકાતા જ નથી તેથી તે દેવયાન માર્ગમાં (બ્રાહ્મ સ્થિતિમાં) લઈ જનારા છે. તેથી મનના ભાવો વડે પ્રથમના ચાર ધર્માગોના આચરણને વિશુદ્ધ કરવા અને બાકીના ચાર ધર્મો તો મનના ભાવોની વિશુદ્ધિ વગર આચરી શકાતા જ નથી. તેથી એવા વિશુદ્ધ ચિત્તવાળાઓએ નમ્રતાપૂર્વક આ ધર્મોનું આચરણ કરવું.