અથવા હે કૌંતેય ! મનુષ્ય અંતકાળે જે જે પદાર્થને યાદ કરતો શરીર છોડે છે, તે તેને જ પામે છે; (કેમ કે) હંમેશા તે પદાર્થની ભાવનાવાળો તે હોય છે. (૬)
ભાવાર્થ :
અંત સમય ક્યારે આવે તે નક્કી નથી, માટે પ્રત્યેક ક્ષણ અંતિમ ક્ષણ ગણવી.
પ્રતિશ્વાસમ્ સવિશ્વાસમ્ રામમ્ ભજ દિને દિને |
ન વિશ્વાસમ્ પુન:શ્વાસમ્ આગમિષ્યતિ વા ન વા ||
અંતિમ ક્ષણની રાહ જોઈને બેસી રહેશો તો ચૂકી જશો અને પસ્તાશો. મંત્ર જપની ગણતરી કરીને કેટલા જપ કર્યા તેનો હિસાબ રાખવો એ તો દુકાનદારી છે. એક જ વખત "સકૃત એવ" નામ સ્મરણ બસ છે. કરોડો જપનો હિસાબ ગણી રાખવો બેકાર છે. ધર્મનું જગત કોઈ હિસાબખાતાનું જગત નથી કે જેમાં જપની સંખ્યાના સરવાળાનું ગણિત ગણાય. તેમાં તો ભાવ ભક્તિભાવનું ગણિત છે. ક્યા ભાવથી ભજો છો તે જોવાય છે. અખંડ નામ જપ કરવો, કારણ કે અંતિમ ક્ષણ નક્કી નથી. અંતિમ ક્ષણે જે ભાવ હશે તે ભાવથી પ્રભાવિત થયેલ તેવા જ ભાવને ફરીથી પ્રાપ્ત થાય છે.
તમ્ તમ્ એવ એતિ સદા તદ્ ભાવ (પ્ર)ભાવિતઃ |
રાતનો છેલ્લો વિચાર તે બીજા દિવસની સવારનો પહેલો વિચાર બને, જરથોસ્ત્ર જન્મતા જ હસ્યાં, તુલસીદાસજી જન્મતાં જ રામ બોલ્યા તે આગલા જન્મની અંતિમ ક્ષણના ભાવનું પરિણામ છે. નાટકનો પહેલો અંક જ્યાં પૂરો થાય છે ત્યાંથી બીજો અંક શરુ થાય છે. એક જન્મનો અંતિમ ભાવ બીજા જન્મનો નિર્ણાયક બને છે. અંતિમ ક્ષણે માણસ ભયભીત - ચિંતાગ્રસ્ત તણાવથી ઘેરાયેલો - દુઃખી, ગભરાયેલો, લૂંટાઈ જતો હોય તેવી બેચેનીમાં નારકીય ચિત્તથી મરે છે તે પોતાની જાતે પોતાને માટે નરકની વ્યવસ્થા કરે છે. આખરી ભાવ બહુ કિંમતી છે, પરંતુ આખરી ભાવને સુધારવા - સંભાળવા આખું જીવન સુધારવું સંભાળવું પડે. મરતી વખતે ચાર પ્રકારના દુઃખ થવાના
(૧) શરીર વેદનાત્મક
(૨) સુહૃદ મોહાત્મક
(૩) પાપ સ્મરણાત્મક
(૪) ભાવિ ચિંતાત્મક
તેમાંથી બચવા માટે અનુક્રમે
(૧) સંયમી જીવન
(૨) અનાસક્ત જીવન
(૩) નીતિમય જીવન
(૪) પ્રભુસમર્પિત જીવન જીવવું પડે.
પરમાત્મા પ્રત્યે અનન્ય પ્રેમ હશે તો જ સતત ચિંતન રહેશે. જેવી રીતે કોઈ સંસારી વ્યક્તિના પ્રેમમાં પડે છે, ત્યારે તેનું સતત ચિંતન રહે છે તેમ. પરંતુ સંસારી વ્યક્તિના પ્રેમમાં તો આપણે પડીએ છીએ - We fall. જયારે પરમાત્માના પ્રેમમાં આપણે ચઢીએ છીએ - We rise in love. મીરા, ચૈતન્યની માફક. તેઓને ફૂલ ખીલતું દેખે, ત્યાં પરમાત્મા ખીલતા દેખાય. જે માણસ પરમાત્માને એક ક્ષણ માટે પણ ભૂલી શકતો નથી, તેને પછી માળા ફેરવવાની કે મંદિરમાં જવાની આવશ્યકતા નથી. જે જેને ખરા હૃદયથી યાદ કરે છે, તેને માટે તે ભૂલવું મુશ્કેલ બને છે.
વને મયુરા: ગગને પયૉદા: લક્ષાન્તરેર્કશયજલેષુ પદ્મમ |
ચંદ્રોદ્વિલક્ષે કુમુદાની ચાધો યો યસ્ય ચિત્તે સ કદા ન દૂરે ||
યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ ।
તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ ॥ ગીતા - ૬/૩૦॥