માટે સર્વ કાળે તું મારુ સ્મરણ કર અને યુદ્ધ કર. મારામાં અર્પણ કરેલા મન-બુદ્ધિવાળો તું ચોક્કસ મને જ પામીશ. (૭)
ભાવાર્થ :
શ્વાસની માફક સતત સ્મરણ થવું જોઈએ. જરા પણ gap નહીં. સ્મરણનો ધાગો જરા પણ તૂટી જાય તો પરમાત્મા સાથેનો સંબંધ છૂટી જાય. સ્મરણ એ વ્યક્તિના જીવનનો પરમાત્મા પ્રત્યેનો શ્વાસ છે. શ્વાસ માત્ર સવારમાં એક કલાક લો અને સાંજે એક કલાક લો અને બાકીના બાવીસ કલાક શ્વાસ બંધ કરીને ખાઓ - પીઓ - નહાઓ - ધોઓ - નોકરી ધંધો કરીએ - તે શક્ય જ નથી. શ્વાસ બંધ થતાની સાથે જ દેહ સાથેનો સંબંધ છૂટી જાય, તેમ સ્મરણ બંધ થતાની સાથે પરમાત્મા સાથેનો સંબંધ વિસ્મૃત થઇ જાય. ખરી લગન હોય તો નિરંતર સ્મરણ અને જીવનસંગ્રામ (નિત્ય નિયત કર્મ) બંને સાથોસાથ (simultaneously) શક્ય છે.
જીમી નાગરી કો ચિત્ત ગાગરીમેં
જીમી તિરીયા પ્રિહર બસે સુરતિ રહે પ્રિય માંહિ
તીમી જન યહ જગમેં બસે સુરતિ રહે પ્રભુ માંહિ
દરેક કામ - કર્મ પ્રભુ પ્રીત્યર્થે કરું છું એવો ખ્યાલ સતત રાખીને તમામ કર્મ કરો તો પરમાત્માનું સ્મરણ પણ સતત રહે અને તે તે કર્મ પણ વધારે સારું થાય. હાથમાં કામ - મુખમાં રામ. Awareness of god all around in all actions of the world and in all animate and inanimate objects and things. તમામ કર્મોની વચમાં પરમાત્મા સક્રિય છે એવો સતત ખ્યાલ રહે. ઘરાકની સાથે વાત કરતી વખતે પરમાત્મા સાથે વાત કરું છું., એવો સતત ખ્યાલ રહે. નોકર - શેઠ - પત્ની - બાળકો બધા પ્રત્યે આવો પરમાત્મભાવ કેળવાય તો સ્મરણ અને જીવન સંગ્રામ (કર્મ) બંને સાથોસાથ સતત બને. ભોજન કરતી વખતે પ્રભુને જમાડું છું, સ્નાન કરતી વખતે પ્રભુને નવરાવું છું, એવો જાગ્રત સતત ખ્યાલ રહેવો જોઈએ.
વ્યક્તિ પોતાના જીવનની સમસ્ત કર્મની ધારાના કણેકણમાં પ્રભુનું સાન્નિધ્ય અનુભવે તો સ્મરણ અને કર્મ બંને અલગ અલગ ના રહે. પછી તો પ્રત્યેક કર્મ સ્મરણ બની જાય અને દરેક સ્મરણના મણકામાં કર્મનો ધાગો પરોવાઈ જાય.
પ્રભુના નામનાં પુષ્પો પરોવી કર્મ માળા તું પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે.
યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતમ્ ।
સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિં વિન્દતિ માનવઃ ॥ ગીતા - ૧૮/૪૬॥
પ્રત્યેક સ્મરણ તમારા પ્રત્યેક કર્મને ધ્યાન બનાવી દેશે. નિજલી બ્રાહ્મણ ત્રાજવાની દાંડીમાં સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં પ્રભુના દર્શન કરતો - સેનો નાયી, ગોરો કુંભાર, સાવંતો માળી, મોમીન જાતિનો વણકર કબીર, દાદુ પીંજારો, પોતપોતાના કર્મમાં ભગવદ્સ્મરણનો ભાવ પેદા કરતા - દાદુ પીંજારાની પિંજણ તુંઈ તુંઈ બોલે ત્યારે તેને તેમાં "તું હિ - તું હિ" નો રણકાર સંભળાય. તેને માળા ઝાલીને બેસવું ના પડે - કર્મ અને સ્મરણને અલગ ના પાડો. હાથમાં કામ - મુખમાં રામ. કર્મ જ સ્મરણ બની જાય અને સ્મરણમાં જ કર્મ સમાઈ જાય, સ્મરણની સાથે કરેલું કર્મ બંધન નહિ કરે. માત્ર કલાક કે બે કલાક માળા ફેરવીને તેનો હિસાબકિતાબ રાખે અને બાકીનો સમય કર્મમાં કાથાકબલા કરવાથી કાંઈ ના વળે. પરીક્ષામાં પાસ થવા અગર લોટરી લાગે માટે નામ જપ (માળા) કરે તે તો લપ કહેવાય. 'સર્વેષુ કાલેષુ મયિ અર્પિત બુદ્ધિ"થી કર્મ થાય તો "મામ્ એવ એષ્યસિ અસંશયમ્" ચોક્કસ ભગવદ્ભાવ પ્રાપ્ત થાય. મન અને બુદ્ધિનો હૃદય સાથે તાલમેલ હોવો જોઈએ. મન અને બુદ્ધિ સંસાર બાજુ ખેંચતાણ કરે તો તે હૃદયને પરમાત્મામાં અર્પિત ના થવા દે. માત્ર ઘૂંટણે પડવું, દંડવત કરવા, નમાજ પઢવી, માથું નમાવવું - એ તો માત્ર અંગકસરત - વ્યાયામ કર્યો કહેવાય. હૃદયની સાથે મન અને બુદ્ધિ અર્પિત થવા જોઈએ.
કોના આગળ સમર્પિત થવું તે સવાલ છે. કારણ કે
(૧) પરમાત્મા તો નિર્ગુણ નિરાકાર છે તે તો દેખાતા નથી.
(૨) કોઈ સગુણ સાકાર વ્યક્તિને (દાખલા તરીકે ગુરુને) સમર્પિત થવામાં આપણને આપણો અહંકાર આડો આવે છે, નડે છે, અગર તો તે વ્યક્તિમાં કાંઇકના કાંઈક દોષ આપણને દેખાય છે.
(૩) પરમાત્માની મૂર્તિની આગળ સમર્પિત થવામાં તકલીફ નડે છે કે જે મૂર્તિ ઉપર ઉંદર ફરતો હોય છતાં જે પોતાનું રક્ષણ નથી કરી શકતી તે મૂર્તિ મારુ શું રક્ષણ કરશે આવો વિચાર નડે છે. એ ખ્યાલથી તો દયાનંદ સરસ્વતી મૂર્તિના વિરોધી થયા અને તેમાંથી તો આર્યસમાજ ઉભો થયો.
એટલા માટે સમર્પણ પૃથ્વી પાસેથી, વૃક્ષો પાસેથી, સૂર્ય, ચંદ્ર, નદી, સમુદ્ર વગેરે જેઓ માત્ર સમષ્ટિના કલ્યાણ માટે જ, કોઈ પણ રાગદ્વેષ વગર અને કર્તાપણાના અહંકાર સિવાય સતત નિષ્કામ કર્મ કર્યા કરે છે તેમની પાસેથી શીખો અને તેમની માફક દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમ કરતા શીખો. કારણકે આખું જગત પરમાત્માનો સમષ્ટિ દેહ છે અને પછી પથ્થરમાં, અને દરેક વ્યક્તિમાં પણ પરમાત્મામાં સમર્પણની અનુભૂતિ થશે.