Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૮

અક્ષર બ્રહ્મયોગ

કવિં પુરાણમનુશાસિતારમણોરણીયંસમનુસ્મરેદ્યઃ ।
સર્વસ્ય ધાતારમચિન્ત્યરૂપમાદિત્યવર્ણં તમસઃ પરસ્તાત્ ॥ ૯॥
પ્રયાણકાલે મનસાઽચલેન ભક્ત્યા યુક્તો યોગબલેન ચૈવ ।
ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક્ સ તં પરં પુરુષમુપૈતિ દિવ્યમ્ ॥ ૧૦॥

પ્રયાણકાલે ભક્ત્યા યોગબલેન ચ યુક્ત: ય: ભ્રુવો મધ્યે પ્રાણં

સમ્યક્ આવેશ્ય અચલેન મનસા કવિં પુરાણં અનુશાસિતારં

સર્વસ્ય ધાતારં અચિન્ત્યરૂપં આદિત્યવર્ણં તમસઃ પરસ્તાત્

અણો: અણીયાંસં (માં એવ) અનુસ્મરેત્ સ: (બ્રહ્મરંધ્રૈણ પ્રાણાન ઉત્ક્રમ્ય)

તં પરં દિવ્યમ્ પુરુષમ યાતિ

પ્રાણમ્ - પ્રાણોને

સમ્યક્ - સારી રીતે, સાવધાનીથી

આવેશ્ય - સ્થાપન કરીને

અચલેન મનસા: - સ્થિર મન વડે

કવિંમ્ - સર્વજ્ઞ

પુરાણમ્ - અનાદિ

અનુશાસિતમ્ - સર્વના નિયંતા

એવ - જ

અનુસ્મરેત્ - સ્મરણ કરે

સ: - તે (પુરુષ) (બ્રહ્મરંધ્ર દ્વારા પ્રાણોનો પરિત્યાગ કરીને)

તમ્ - તે

પરમ્ - શ્રેષ્ઠ

દિવ્યમ્ - દિવ્ય

પુરુષમ્ - પુરુષને

ઉપૈતિ - પામે છે.

પ્રયાણકાલે - મરતી વખતે

ભક્ત્યા - ભક્તિ

ચ - અને

યોગબલેન - યોગબળ વડે

યુક્ત: - યુક્ત

ય: - જે (પુરુષ)

ભ્રુવો - બે ભવાંની

મધ્યે - વચ્ચે

સર્વસ્ય ધાતારમ્ - બધાને કર્મ પ્રમાણે ફળ આપનારા

અચિન્ત્યરૂપમ્ - ચિંતવી ન શકાય એવા રૂપવાળા

આદિત્યવર્ણમ્ - સૂર્ય જેવી કાંતિવાળા

તમસઃ પરસ્તાત્ - અજ્ઞાનરૂપ અંધારા`થી અત્યંત દૂર

અણો: - સૂક્ષ્મતિ પણ અતિ

અણીયાંસમ્ - સૂક્ષ્મ (એવા)

માં - મને

સર્વજ્ઞ, પુરાણ (અનાદિ), સર્વના નિયંતા, અતિ સૂક્ષ્મ, સર્વના ધારક - પોષક, અચિંત્ય રૂપવાળા, સૂર્ય સમાન વર્ણવાળા અને (અજ્ઞાનરૂપ) અંધકારથી દૂર એવા પરમ પુરુષ - પરમેશ્વરનું, જે ચિંતન કરે છે તે મરણકાળે ભક્તિ તથા યોગબળથી યુક્ત રહી અચળ મન વડે બે ભમ્મરની વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપી પરમ દિવ્ય પુરુષ, પરબ્રહ્મને પામે છે. (૯,૧૦)

ભાવાર્થ :

નવમો શ્લોક પરમાત્માના છ વિશેષણો બતાવે છે:

(૧) કવિમ્ એટલે સર્વજ્ઞ. એકમાત્ર પરમાત્મા જ સર્વજ્ઞ છે. તે સિવાયના તમામ અલ્પજ્ઞ છે.

(૨) પુરાણમ્ એટલે જૂનું નહીં. પુરાણમ્ એટલે અનાદિ. જેનો કોઈ આરંભ નથી, તેથી તેનો કોઈ અંત પણ નથી. અને તેથી જ તેનું મધ્ય પણ પકડાતું નથી. "અનાદિ મધ્યાન્તમ્" (ગીતા - ૧૧/૧૯) એવો માત્ર પરમાત્મા એક જ છે.

(૩) અનુશાસિતારમ્ એટલે તમામના નિયંતા. અંતર્યામી રૂપથી તમામ પ્રાણીઓના શુભ અશુભ કર્મ અનુસાર શાસન કરનાર - Supreme Controller.

ચો:

નટ મર્કટ ઇવ સબહિ નચાવત | રામુ ખગેશ બેદ અસ ગાવત ||

ઉમા દારૂ જોષિતકી નાઈ | સબહિ નચાવત રામુ ગોસાઈ ||

(૪) અણો: અણીયાંમ્ સૂક્ષ્માતિ સૂક્ષ્મ - સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ - એનાથી પણ સૂક્ષ્મ - એનાથી પણ સૂક્ષ્મ - એનાથી પણ સૂક્ષ્મ - and so on. એનો કોઈ પણ શબ્દ માપ ના કાઢી શકે. "સૂક્ષ્મ" શબ્દ પણ એક રીતે (સાપેક્ષ રીતે) સ્થૂળ છે.

Point has position but no magnitude.

Line has length but no breadth.

માથાના એક વાળની ઉભી એક હજાર ચીરીઓ કરો અને તેમાંથી એક ચીરીની ફરીથી એક હજાર ચીરીઓ કરો અને તેમાંની એક ચીરીની ફરીથી ઉભી એક હજાર ચીરીઓ કરો અને આ પ્રમાણે એક હજાર વખત કરો અને તેમાંની એક ચીરી કરતા કરતા પણ અતિ સૂક્ષ્મ કરો તો તે શબ્દ પણ સ્થૂળ પડે. તેને માટે કોઈ સૂક્ષ્મ શબ્દ નથી. કલ્પનાથી પણ પર, કારણ કે કલ્પના પણ સ્થૂળ પડે.

(૫) આદિત્ય વર્ણમ્ - સૂર્યની માફક નિત્ય ચેતન પ્રકાશરૂપ - આમ પણ ભાષાની કમજોરી છે. પરમાત્મા આગળ તો સૂર્ય એક માત્ર આગિયા જેવો છે.

દિવિ સૂર્યસહસ્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા ।

યદિ ભાઃ સદૃશી સા સ્યાદ્ભાસસ્તસ્ય મહાત્મનઃ ॥ ગીતા : ૧૧/૧૨॥

સહજાનંદ સ્વામી એક જગ્યાએ બોલ્યા કે -

મારુ ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ,

અતિ તેજોમય રે રવિશશિ કોટિક વારણે જાય,

શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય !

સૂર્ય તો just a mediocre star - નાનામાં નાનો તારો છે. આપણા સૂર્ય કરતા કરોડ ગણા મોટા એવા બીજા કરોડો મહાસૂર્ય છે. આપણા સૂર્યમાં તો પેટ્રોલ હવે ખૂટવા આવ્યું છે અને ચાર હજાર વર્ષ પછી કદાચ તે બુઝાઈ થશે એમ હાલના વૈજ્ઞાનિકો કહે છે.

યદાદિત્યગતં તેજો જગદ્ભાસયતેઽખિલમ્ ।

યચ્ચન્દ્રમસિ યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ્ ॥ ગીતા : ૧૫/૧૨॥

ટૂંકાણમાં પરમાત્મા પ્રકાશવાન - સ્વયંપ્રકાશી છે.

(૬) તમસ: પરસ્તાત્ - અવિદ્યાથી અતિ પર (દૂર) શુદ્ધ સચ્ચિદાનંદઘન

અવિદ્યાથી પર એટલે ન તો જ્ઞાન - ન તો અજ્ઞાન - આવા સ્વભાવની પરમ અભિવ્યક્તિ તે પરમાત્મા. બાકી આપણામાં તો અજ્ઞાની અંધકારમાં અટવાય છે અને જ્ઞાની મહા અંધકારમાં અટવાય છે.

અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ।

દંદ્રમ્યમાનાઃ પરિયંતિ મૂઢાઃ અંધેનૈવ નીયમાના યથાંધાઃ॥

(કઠોપનિષદ - ૧/૨/૫)

ઉપરોકત (શ્લોક ૯ માં જણાવેલ) વિશેષણોવાળા પરમાત્માનું અંતકાળે સ્મરણ કરતા કરતા દેહ છોડે તે પરમગતિને પ્રાપ્ત થાય છે. ચાલુ જીવનની અંતિમ ક્ષણ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે એ જ ક્ષણ નવા જન્મની પ્રારંભની ક્ષણ છે. છેલ્લી ક્ષણે ભક્તિભાવથી ભરપૂર (ભક્ત્યાયુક્ત:) હોવાને બદલે માણસ સાંસારિક વિચારોથી ભરપૂર હોય છે. સાંસારિક સુખોની પ્રાપ્તિમાં વિચારોનું મહત્વ હોય છે, જયારે ભગવદ્પ્રાપ્તિમાં ભાવનું - ભક્તિભાવનું મહત્વ હોય છે. વિચારોથી સંસાર પ્રાપ્ત થાય - ભક્તિ પ્રાપ્ત ના થાય. ભાવ બિનુ ભગતિ ન હોઈ. પ્રાર્થના પણ ભાવથી થાય, વિચારથી નહીં. ભાવના પ્રશિક્ષણનું નામ જ ભક્તિ. ભાવમાં જે પ્રશિક્ષિત થાય તે જ ભક્ત. (જુઓ શ્લોક - ૬) હૃદયમાં જે ભાવ હોય તે પરમાત્મા તરફ પ્રવાહિત થાય તેનું નામ ભક્તિ.

વિચાર - તર્ક ભગવદ્પ્રાપ્તિમાં ના ચાલે. માત્ર ભક્તિભાવયુક્ત થવું પડે. વિચારમાં અહંકાર છુપાયેલો હોય છે. ભક્તિભાવમાં શરણાગતિ હોય છે. વિચાર ચંદ્રલોક સુધી પહોંચાડે. જયારે ભાવ અંતર્મુખી બનાવે. વિચારમાં મારુ - તારું હોય છે. ભાવમાં મારુ - તારું ના હોય. માત્ર પ્રેમ હોય, સમર્પણ હોય.

યોગબલેન - ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક્

બે આંખ - બે દ્રષ્ટિ - બે ભ્રમર (eyebrows) ની વચમાં જે જગ્યા છે તે સર્વાધિક મહત્વપૂર્ણ છે, તે ત્રીજું નેત્ર - આજ્ઞાચક્ર (third eye) ની જગ્યા છે - શિવનેત્રની જગ્યા છે. જે વ્યક્તિનો સમષ્ટિ પ્રત્યે પ્રેમભાવ - પૂજ્યભાવ છે, જે આ જગતમાં પરમાત્મા સિવાય બીજા કોઈને દેખતો નથી એવી વ્યક્તિ અંતસમયે ભ્રુકુટીની મધ્યમાં ધ્યાનને સ્થિર કરી શકે છે અને ત્યારે તેની આગળની શરીરયાત્રા બંધ થઇ જાય છે. જે સિદ્ધ પુરુષ યોગસાધના કરે છે, પ્રાણ જેને વશ થયા છે તે આ રીતે યોગબળ પ્રાપ્ત કરી શકે છે. સામાન્ય મનુષ્ય તે ના કરી શકે. સામાન્ય માણસો તો સતત પરમાત્માના ગુણોનું (સ્તુતિ દ્વારા) અને સ્વરૂપનું (સ્મૃતિ દ્વારા) ધ્યાન કરે તો તે અભ્યાસ યોગ વડે તેને અંતકાળે પરમાત્માનું સ્મરણ રહે. તદ્દન નિર્વિચાર સ્થિતિમાં જ ભ્રુકુટીમાં ધ્યાન - ધારણા સ્થિર રહી શકે, નહીં તો નહીં. પ્રત્યેક મનુષ્ય અલ્પઅંશમાં આમ કરી શકે, પરંતુ સિદ્ધિ પ્રાપ્ત કરતા સુધી અભ્યાસ (પ્રેક્ટીસ) કરવો એ પ્રત્યેકના અધિકારમાં નથી. જેઓ આ સાધના કરી શકે તેઓ અવશ્ય કરે, પરંતુ જેઓંથી આ પ્રાણ અને મનના નિગ્રહ નિરોધરૂપી યોગ સિદ્ધ થઇ શકતો નથી, તેવા સાધકો બીજા અભ્યાસ - વૈરાગ્ય યોગની સાધના જ ચાલુ રાખે.

અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ્ ।

અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે ॥ ગીતા - ૬/૩૫॥