એ અવ્યક્ત 'અક્ષર' એમ કહેવાય છે અને તેને (શ્રુતિઓ) પરમ ગતિ કહે છે; જેને પામી જ્ઞાનીઓ (સંસારમાં) પાછા ફરતા નથી, તે મારુ પરમ ધામ છે. (૨૧)
ભાવાર્થ:
સંસરતિ ઇતિ સંસાર: ગતિ એ સંસારનું સ્વરૂપ છે. સતત ચાલ્યા જ કરવું એ સંસારનો સ્વભાવ છે. સંસારની ગતિ બહુ આયામિ (Multi-dimensional) છે. સ્થૂળ - જડ - સ્થિર દેખાતી દીવાલ પણ ચાલે છે. દીવાલનાં એકે એક અણુ પરમાણુ ઇલેક્ટ્રોન્સ અતિ તીવ્ર ગતિથી ચક્કર કાપતા હોય છે, ભલે દેખાય નહીં. કોઈ પણ વસ્તુમાં - અણુમાં Rest (વિશ્રામ) નથી. જગતમાં હોવા માટે ચાલવું એ નિયમ છે. સાયકલ ચાલે તો જ ઉભી રહી શકે. ઉભી રહી જાય - ચાલતી બંધ થઇ જાય તો પડી જાય. તમે બેસી રહેલા દેખાઓ છો ત્યારે પણ તમારા શરીરમાં - મનમાં - ચિત્તમાં અનંત ગતિ ચાલુ છે. તમે જે પૃથ્વી પર બેઠા છો તે પૃથ્વી તીવ્ર ગતિથી પોતાની ધરી ઉપર ફરે છે અને સાથે સાથે સૂર્યની આજુબાજુ ચક્કર મારે છે અને સૂર્ય પણ પોતાની ધરી ઉપર ફરતા ફરતા મહાસૂર્યની આસપાસ ફરે છે અને એવા તો અનેક કરોડો મહાસૂર્યો અનંત ગતિ કરે છે. આવા અત્યંત સતત પરિભ્રમણશીલ સંસારમાં શાંતિ અસંભવ છે. આવા અતિ તીવ્ર ગતિથી દોડતા સંસારમાં વિશ્રામ અસંભવ છે.
માટે આ શ્લોકમાં કૃષ્ણ કહે છે કે અવ્યક્તથી પર જે વિલક્ષણ સનાતન અવ્યક્ત (બ્રહ્મ) જે અક્ષર છે તેને પરમગતિ (ultimate movement - Point of no return) કહે છે કે જ્યાં ગયા પછી પાછા આવવાનું નથી. અને એ જ મારુ પરમધામ છે, જેનો સ્વભાવ વિશ્રામ છે, જ્યાં વિશ્રામ સ્વાભાવિક છે. સંસારનો સ્વભાવ શ્રમ છે જેનું પરિણામ અશાંતિ છે. અક્ષરનો અર્થ - જે ક્ષર ના થાય, જરા પણ ક્ષીણ ના થાય, પોતાના સ્વભાવથી (વિશ્રામથી) ચ્યુત ના થાય, જે અચ્યુત છે. બ્રહ્મની ધરી ઉપર સંસારનું ચક્ર ઘૂમે છે. ધરી (બ્રહ્મ) સ્થિર (અચલ) છે સંસાર (ચક્ર) ચલ છે, બ્રહ્મ (ધરી) અચલ છે. સંસાર (ચક્ર)ની પરિઘથી ખસતે ખસતે (ઉપરામ થતે થતે) બ્રહ્મ (ધરી - અચળ) તરફ સન્મુખ થાય તે જ પરમગતિ (ultimate movement). સંસાર (ચક્ર)માં કોઈ પણ યાત્રા પરમધામની યાત્રા (તીર્થયાત્રા) નથી. પરમધામની યાત્રા દેહથી, પગથી, કોઈ વાહનથી ના થાય - મનથી થાય. મનનો લય થાય ત્યાં સંસારનો ક્ષય થાય ત્યારે પરમધામ (પરમવિશ્રાન્તિ સ્થાન) પ્રાપ્ત થાય. બ્રહ્મની ધરી ઉપર સંસારનું ચક્ર ચાલે છે તેમ આત્માની ધરી ઉપર દેહનું ચક્ર ચાલે છે. આ આત્મા દરેકની અંદર છે. આત્માની ધરી ઉપર દેહનું - વાસનાઓનું ચક્ર ચાલે છે. આત્માની ધરી ઉપર કામ, ક્રોધ, તૃષ્ણા, મનના સંકલ્પ વિકલ્પો - વિચારોનું ચક્ર ચાલે છે. જે વિચારની અંદર પ્રવેશ કરે છે - એટલે કે નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે જ અક્ષર આત્માની અનુભૂતિ કરે છે - જે point of no return પરમગતિ છે. પંચકોષમાંથી અધ્યાસ છૂટે તો જ તે શક્ય છે. આત્મા તો સદા પ્રાપ્ત છે તેને માટે દોડાદોડી, સંકલ્પ-વિકલ્પ કરવાની જરૂર નથી. ચેતનાની દોડતી સ્થિતિનું નામ મન - ચેતનાની ઉપરામ સ્થિતિનું નામ આત્મા. હું માંદો ના પડું - ઘરડો ના થાઉં તેની ચિંતામાં ને ચિતામાં માણસ માંદો પડે છે - ઘરડો થઇ જાય છે.