Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૮

અક્ષર બ્રહ્મ યોગ

વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ્ ।
અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા યોગી પરં સ્થાનમુપૈતિ ચાદ્યમ્ ॥ ૨૮॥

વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચ એવ દાનેષુ યત્ પુણ્યફલમ્ પ્રદિષ્ટમ્

અત્યેતિ તત્ સર્વમ્ ઈદમ્ વિદિત્વા યોગી પરમ્ સ્થાનમ્ ઉપૈતિ ચ આદ્યમ્

પ્રદિષ્ટમ્ - કહ્યું છે.

તત્ - તે

સર્વમ્ - સર્વને

એવ - નિશ્ચયથી

અત્યેતિ - ઓળંગી જાય છે.

ચ - અને

આદ્યમ્ - સનાતન

પરમ્ - પરમ

સ્થાનમ્ - પદને

ઉપૈતિ - પામે છે.

યોગી - યોગી (પુરુષ)

ઈદમ્ - આ (રહસ્ય)ને

વિદિત્વા - જાણીને (ઉપાસીને)

વેદેષુ - વેદોના પઠનમાં

ચ - તથા

યજ્ઞેષુ - યજ્ઞ

તપઃસુ - તપ અને

દાનેષુ - દાનાદિ કરવામાં

યત્ - જે

પુણ્યફલમ્ - પુણ્યફળને

આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્યનું ફળ કહ્યું છે, તે સર્વ ઓળંગી જાય છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાન પામે છે. (૨૮)

ભાવાર્થ:

જે યોગી - પુરુષ આ તત્ત્વના રહસ્યને જાણી લે તેના માટે વેદનું જ્ઞાન, યજ્ઞનું ફળ, દાનનું પુણ્ય તમામ વ્યર્થ થઇ જાય - તે બધાંયનું તે "અત્યેતિ" ઉલ્લંઘન કરી જાય. વેદના જ્ઞાનની પછી તેને મન કોઈ કોડીની પણ કિંમત નથી - તેને માટે પછી તે એક માત્ર તોતા રટણ જ બની રહે. વેદપાઠી તેને માટે માત્ર શબ્દનો જાણકાર - માત્ર કોરો પંડિત જ બની રહે અને કોરા પંડિતની કિંમત અજ્ઞાની કરતા પણ ભૂંડી છે. અજ્ઞાનીમાં નમ્રતા હોવાથી કાંઈક તેને માટે ઉપાય છે. પરંતુ કોરા પંડિતમાં તો જ્ઞાનનો ઘમંડ હોય છે. પંડિતનું અજ્ઞાન "અહંકારી અજ્ઞાન" હોય છે. કબીર - નાનક કોઈ વેદો ભણ્યા નથી પરંતુ તેમના જેટલું જ્ઞાન કોઈ વેદપાઠીમાં પણ નહી જડે. શબ્દોની જાળમાં અને શબ્દોનાં થોથામાં દટાયેલા વેદપાઠીઓને મુક્તિ પાસે આવતી દેખાતી હોય છે. પરંતુ મુક્તિ તેમનાથી ઉલ્ટી વધારે દૂર થતી જાય છે.

એનો અર્થ એવો નથી કે વેદોની કોઈ ઉપયોગીતા નથી અગર તો તેના શબ્દોમાં કોઈ રહસ્ય નથી. પરંતુ તેના રહસ્યને પામવાની - તેની પાર જવાની જેનામાં ક્ષમતા નથી તેને માટે વેદો - ગુરુ વિગેરે બધા બોજારૂપ બની જાય છે.

યથા ખર: ચંદન ભારવાહી ભારસ્ય વેત્તા ન તુ ચંદનસ્ય |

યજ્ઞનો અર્થ છે તમામ ક્રિયાકાંડ - Rituals. જેને પરમાત્મામાં રતિ - તૃપ્તિ - સંતુષ્ટિ થઇ ગઈ તેને કોઈ Rituals ની ક્રિયાકાંડની - યજ્ઞકુંડના ધુમાડા બુકાટવાની જરૂર ના રહે. એટલા નિતાન્ત ધાર્મિક વ્યક્તિ કેટલીક વખત ઉપલકિયા વ્યર્થ ક્રિયાકાંડની વિરુદ્ધ બોલતા હોય છે. જેના હૃદયમાં વાસનાના ધુમાડાના ગોટેગોટા હોય તેને બહારનો યજ્ઞ કુંડીનો અગ્નિ કાંઈ મદદ ના કરે, ઉલટું નુકશાન કરે. શંકર પ્રત્યે ક્રોધાગ્નિ - માત્સર્ય હૃદયમાં ભરેલો હોય તો ભૃગૃઋષિ જેવા પ્રખર કર્મકાંડી પાસે યજ્ઞ કરાવે છતાં દક્ષ પ્રજાપતિ જેવાનો યજ્ઞ પણ અવળો પડે.

પરસ્ય ઉત્સાદનાર્થં વા તત તામસમ ઉદાહૃતમ |

જેના અંતઃકરણમાં મલિનતા ભરી પડી છે તે તપ કરીને માત્ર પોતાની જાતને સતાવે છે. આવા માણસો કાં તો સેડિસ્ટ અથવા મેસોડિસ્ટ છે. જેમને પોતાને ખુદને સતાવવામાં રસ પડે છે. આ એક જાતની વિકૃતિ છે - ચાલીસ દિવસ અપવાસ કરીને વરઘોડા કાઢવા તેનો કોઈ અર્થ નથી. ખરું તપ તો ગીતાના ૧૭ માં અધ્યાયમાં શ્લોક નંબર ૧૪-૧૫-૧૬ માં જે શારીરિક, તપ, વાણીનું તપ, અને માનસિક તપ બતાવ્યું છે. તે છે. સ્વધર્મના પાલનમાં - સત્યની ખોજમાં જે કાંઈ શારીરિક, વાચિક, માનસિક કષ્ટ પડે છે. તે સાચું તપ કહેવાય. દાનનો ખરો અર્થ તો અપરિગ્રહ છે. અધર્મથી પ્રાપ્ત કરેલા અર્થથી કરેલું દાન અનર્થ જ કરાવે. કોઈનું પડાવી ના લો એ જ મોટામાં મોટું દાન છે. ધંધામાં અનેકને નાગા - ઉઘાડા કરીને પછી શિયાળામાં ગરીબોને ધાબળા ઓઢાડવા નીકળે, સગાભાઈનું મકાન અન્યાયથી પડાવી લઈને પછી ગરીબોના ઝુંપડા બંધાવવા દાન કરે, દવામાં ભેળસેળ કરીને પછી હોસ્પિટલમાં દાન કરવા નીકળે તે દાનની કોઈ કિંમત નથી. આવું દાન વ્યર્થ છે અને તે મિથ્યાચાર છે.

ગોપીઓ ગોપી ગીતમાં કહે છે કે,

ભુવિ ગૃણન્તી તે ભૂરિદો જના: ||

જે ભગવાનના ગુણ ગાય અને ગવરાવે તે મોટામાં મોટો દાનેશ્વરી છે.

જેને પરમતત્ત્વની ઉપલબ્ધી થઇ છે તે કોની સાથે ચોરી કરે - કોને દાન કરે - શું મેળવવા તપ કરે - કયો વેદ ભણે - કયા દેવને રાજી કરવા યજ્ઞ કરે? આમાંનું તે કશુંય ના કરે તો પણ તે immoral ના કહેવાય. અનૈતિક ના કહેવાય પરંતુ અતિનૈતિક કહેવાય. તે Super moral થઇ જાય. તેને માટે ચોરી પણ ચોરી નથી અને દાન પણ દાન નથી - જેની પાસે કહેવાતા તમામ ધર્મ કચરાની માફક ખરી પડે છે - તેને માટે નીતિ - અનીતિની તમામ સીમાઓ અતિક્રમિત થઇ જાય છે.

ૐ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે અક્ષરબ્રહ્મયોગો નામ અષ્ટમો અધ્યાયઃ