હે અર્જુન ! બ્રહ્મલોક સુધીના જે સર્વ લોક છે તે સર્વ લોકને પામવાથી (પણ મનુષ્ય) ફરી સંસારમાં આવે છે. પણ હે કુંતીપુત્ર ! મને પામી ફરી જન્મ થતો નથી. (૧૬)
ભાવાર્થ:
પુનરાવર્તિન: એટલે Repetitive. આપણી બધી વાસનાઓ પણ Repetitive છે. એકની એક વાસનાઓ અનેક, અનેક વખત કરતા હોઈએ છીએ. અનેક વખત ક્રોધ કર્યો અને અનેક વખત પસ્તાયા. અને એક વખતનો પસ્તાવો બીજી વખતના ક્રોધને રુકાવટ નથી કરતો. આવો જ પ્રકાર કામવાસનાઓ - લોભનો - મોહનો વગેરેનો છે. માણસનું ચિત્ત વાસનાની પુનરુક્તિ ઝંખે છે અને તે જ પુનર્જન્મનું કારણ બને છે. ચિત્તની વૃત્તિઓની આત્માનંદ તરફની ગતિનું નામ ઉપાસના અને ચિત્તવૃતિઓની વિષયાનંદ તરફની ગતિનું નામ વાસના. અનંતકાળથી અનેક જન્મોમાં સ્ત્રીસંગ કર્યો અને ચાલુ જીવનમાં પણ અનેક વખત સ્ત્રીસંગ કર્યો, છતાં અંતકાળે વાસનાથી ઘેરાયેલું ચિત્ત - મન એની એ જ વાસનાઓની તૃપ્તિ માટે પુનર્જન્મ પકડે છે. એક પણ વાસના અંતકાળે ના રહી હોય તો મન અમન થઇ જાય. તો પછી પુનરાગમન કોનું થાય? ચેતનાની વાસનાઓથી ઘેરાઈને દોડતી સ્થિતિનું નામ મન અને વાસનાથી ઉપરામ સ્થિતિનું નામ આત્મા. "મામ્ ઉપેત્ય" એટલે આત્મસ્થિતિ, આત્મરતિ, આત્મતૃપ્તિ, આત્મસંતુષ્ટિ - એ સ્થિતિમાં આત્માનું પુનરાગમન છે જ નહી, માત્ર વાસનાઓ જ (વાસનાઓનું જાળું - મન જ) સતત અને વારંવાર પુનર્જન્મને પામે છે, આત્મા નહી. જીવન એક ચક્ર છે.
નિચૈર્ગચ્છતિ ઉપરિ ચ દશા ચક્રનેમી ક્રમણે.
તમામ જીવાત્માઓ - તમામ સૃષ્ટિઓના તમામ પ્રાણી - પદાર્થો - વસ્તુઓ - વ્યક્તિઓ અનાદિકાળથી અનેક વખત જન્મે છે, મરે છે, બને છે, બગડે છે - History repeats always.