Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૮

અક્ષર બ્રહ્મ યોગ

પુરુષઃ સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા ।
યસ્યાન્તઃસ્થાનિ ભૂતાનિ યેન સર્વમિદં તતમ્ ॥ ૨૨॥

પુરુષઃ સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્ય: તુ અનન્યયા

યસ્ય અન્તઃસ્થાનિ ભૂતાનિ યેન સર્વમ્ ઈદમ્ તતમ્

સ: - તે (સનાતન)

પરઃ - પરમ

પુરુષઃ - પુરુષ

તુ - કેવળ

અનન્યયા - અનન્ય

ભક્ત્યા - ભક્તિ વડે

લભ્ય: - પ્રાપ્ત કરી શકાય છે.

પાર્થ - હે પાર્થ !

ભૂતાનિ - (સર્વ) પ્રાણીઓ

યસ્ય - જે પરમાત્માની

અન્તઃસ્થાનિ - અંદર રહેલા છે.

યેન - જે પરમાત્મા વડે

ઈદમ્ - આ

સર્વમ્ - સર્વ (જગત)

હે પાર્થ ! ભૂતો જેની અંદર રહ્યા છે અને જેના વડે આ સર્વ વ્યાપેલું છે તે 'પરમ પુરુષ' તો અનન્ય ભક્તિ વડે પ્રાપ્ત કરાય છે. (૨૨)

ભાવાર્થ:

જે પરમાત્માની અંતર્ગત સર્વ ભૂત છે અને જે પરમાત્માથી આ જગત પરિપૂર્ણ છે તે સનાતન અવ્યક્ત પરમપુરુષ અનન્ય ભક્તિથી પ્રાપ્ત થાય છે. અનન્ય ભક્તિ એટલે તદ્દન આવરણ રહિત - અનાવરણ સ્થિતિ. જ્યાં પંચકોષ પૈકી એક પણ કોષનું આવરણ નથી તેવી નિષ્કપટ (પ્રોજ્ઝિત કૈતવ:) સ્થિતિ. વસ્ત્રાહરણ લીલાનું આ જ રહસ્ય છે. આ સ્થિતિમાં ઉભેલા ભક્તને મળવા માટે પરમાત્મા સામે ચાલીને આવે છે. અનન્ય ભક્તને ભગવાન પાસે જવા માટે બીજી કોઈ મુસાફરી - યાત્રા - ગતિ કરવાની જરૂર નથી. પરમાત્મા મળ્યા એટલે અનંત કોટી બ્રહ્માંડનું રાજ્ય મળ્યું સમજો. કારણ કે અનંત કોટી બ્રહ્માંડ પરમાત્મામાં સમાયેલા છે. પ્રત્યેક પદાર્થનો માલિક પરમાત્મા છે તે આપે તો જ લેવાય - અને તો જ પચે - નહિ તો ચોરી કહેવાય - સજા થાય. પરમાત્માને તમારી પાસે કાંઈ જોઈતું નથી. તેની અસીમ કૃપા છે અને તે અહૈતુકી - નિસ્વાર્થ છે.

યેન સર્વમ્ ઈદમ્ તતમ્ - પરમાત્માથી આ આખું જગત વ્યાપ્ત છે છતાં પરમાત્મા (બ્રહ્મ) દેખાતા કેમ નથી? કારણ કે બ્રહ્મ અધિષ્ઠાન છે. જ્યાં સુધી (અંધકારમાં) પિક્ચર દેખાય છે. ત્યાં સુધી પડદો (અધિષ્ઠાન) નહી દેખાય. એવી જ રીતે જ્યાં સુધી (અજ્ઞાનમાં) સંસાર દેખાય છે ત્યાં સુધી બ્રહ્મ (અધિષ્ઠાન) નહી દેખાય. જગતમાં જ્યાં સુધી પદાર્થ દેખાય છે ત્યાં સુધી પરમાત્મા નહી દેખાય. કારણ કે જ્યાં પદાર્થ સમાપ્ત થાય છે તેની જે સમાપ્ત થવાની રેખા છે તે જ પરમાત્માની પ્રારંભ થવાની રેખા છે. તેથી જેને માત્ર પદાર્થ જ દેખાય છે. તે એમ કહે છે કે 'પરમાત્મા ક્યાં છે?' 'ક્યાંય નથી.' અને જેને પરમાત્મા દેખાય છે તે પૂછે છે કે ‘ક્યાં છે જગત? - ક્યાં છે પદાર્થ?' એટલા માટે શંકરાચાર્ય જેવા 'જ્ઞાની' કહે છે કે સંસાર નથી - મિથ્યા છે. જયારે માર્કસ જેવો 'જ્ઞાની' કહે છે કે સંસાર જ છે - પરમાત્મા નથી.

પદાર્થવાદી કહે છે કે પદાર્થ જ છે.

પરમાત્માવાદી કહે છે કે પરમાત્મા જ છે.

બંને પોતપોતાની રીતે સાચા છે - કારણ કે જગત એ પરમાત્માનો સમષ્ટિ દેહ છે.

ન તદ્ સત્ ન તદ્ અસત્ ઉચ્યતે। ( ગીતા - ૧૩/૧૨)

તથા

સત્ ચ અસત્ ચ અહમ્ (ગીતા - ૯/૧૯)

જેને ફળમાં - પુષ્પમાં માત્ર કેમિકલ્સ દેખાય તેને તેમાં સૌંદર્ય નહિ દેખાય - પદાર્થમાં પરમાત્માને જોવાની દ્રષ્ટિનું નામ યોગ - ધર્મ સાધના. સંસારનો અર્થ અનેક (બહુ વસ્તુઓ). પરમાત્માનો અર્થ એક - અદ્વિતીય (Non-second). માણસ મલ્ટી-સાઇકિક બહુ ચિત્તવાન છે. તેથી તેને પરમાત્માને બદલે સંસાર દેખાય છે.

વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકેહ કુરુનન્દન ।

બહુશાખા હ્યનન્તાશ્ચ બુદ્ધયોઽવ્યવસાયિનામ્ ॥

(ગીતા - ૨/૪૧)

અનન્ય ભક્તિથી પરમાત્મા દેખાય. અનન્ય એટલે integrated. આપણે તો કોઈ પણ બાબતમાં અનન્ય નથી. તો પછી ભક્તિમાં તો અનન્ય હોઈએ જ શાના?

પ્રાપ્ત કરવા યોગ્ય એક માત્ર પરમાત્મા જ છે અને તે માત્ર ભક્તિ - અનન્ય ભક્તિ સિવાય બીજા કશાય - સાધન - સાધનાથી પ્રાપ્ત થશે જ નહિ. પરમાત્માની પ્રાપ્તિ સિવાય બાકીના તમામ ભૌક્તિક સુખોની પ્રાપ્તિથી કૃતકૃત્યતા fulfillment નો ઓડકાર નહીં આવે. માત્ર Emptiness (ખાલીપણું) લાગશે. જેટલા પરમાત્માથી વિમુખ થશો તેટલી Emptiness વધશે.