Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૮

અક્ષર બ્રહ્મ યોગ

અન્તકાલે ચ મામેવ સ્મરન્મુક્ત્વા કલેવરમ્ ।
યઃ પ્રયાતિ સ મદ્ભાવં યાતિ નાસ્ત્યત્ર સંશયઃ ॥ ૫॥

અન્તકાલે ચ મામ્ એવ સ્મરન્ મુક્ત્વા કલેવરમ્

યઃ પ્રયાતિ સ: મદ્ભાવમ્ યાતિ ન અસ્તિ અત્ર સંશયઃ

પ્રયાતિ - જાય છે;

સ - તે

મદ્ભાવમ્ - મારા સ્વરૂપને

યાતિ - પામે છે.

અત્ર - એમાં

સંશય - સંશય

ન અસ્તિ - નથી.

ચ - અને

યઃ - જે (પુરુષ)

અન્તકાલે - અંતકાળે

મામ્ એવ - મને જ

સ્મરન્ - સ્મરણ કરતો

કલેવરમ્ - શરીર

મુક્ત્વા - છોડીને

જે અંતકાળે મારુ જ સ્મરણ કરતો શરીર છોડી જાય છે, તે મારો (ઈશ્વર) ભાવ પામે છે, એમાં સંશય નથી. (૫)

ભાવાર્થ :

સાતમો સવાલ : પ્રયાણકાલે ચ કથમ્ જ્ઞેયોઽસિ નિયતાત્મભિઃ (ગીતા - ૮/ ૨)

વશચિત્તવાળાઓ મરણકાળે આપને કેવી રીતે જાણે છે?

તેના જવાબમાં ભગવાન કહે છે કે -

અંતકાળે શરીર છોડતી વખતે જે મારુ સ્મરણ કરતા કરતા દેહ છોડે છે, તે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે.

પરંતુ જેણે આખી જિંદગી દેહને જ (શરીરને જ) પોતાનું સ્વરૂપ માની લીધું છે તેને દેહ છોડતી વખતે અશરીર પરમાત્માનું સ્મરણ થાય જ કેવી રીતે?

ઘરમાં તિજોરી બંધ કરેલ હોય, તાળું મારેલું હોય, પહેરેદાર બેસાડેલો હોય, ચાવી ખિસ્સામાં હોય, સુરક્ષાનો પૂરેપૂરો બંદોબસ્ત કરેલો હોય તો પણ તિજોરીની યાદ સતત ભૂલાતી નથી અને તે પછી જયારે કોઈ ડાકુ તિજોરી તમારા દેખતા તોડી રહ્યો હોય - ઘસડી રહ્યો હોય અને બહાર લઈ જતો હોય - સુરક્ષાની બધી જ વ્યવસ્થા તૂટી જતી હોય તે વખતે તિજોરીની યાદ કેવી રીતે ભૂલી શકાય? એવી જ રીતે દેહ બળાત્કારે છોડવો પડતો હોય તે વખતે દેહ અને તેને આનુષંગિક ગેહ - સ્ત્રી - પુત્રાદિકની યાદ ભૂલાઈને પરમાત્મા યાદ કેમ આવે?

એટલા માટે સંત કવિઓએ પ્રાર્થના કરેલી છે કે -

ઇતના તું કરના સ્વામી જબ પ્રાણ તનસે નીકલે,

ગોવિંદ નામ લેકર ફિર પ્રાણ તનસે નીકલે.

જબ કંઠ પ્રાણ આવે કોઈ રોગ ના સતાવે

યમ દર્શ ના દીખાવે - જબ પ્રાણ તનસે નીકલે

તેરા નામ નીકલે મુખસે, મેંરા પ્રાણ નીકલે સુખસે

બચ જાઉં ઘોર દુઃખસે - જબ પ્રાણ તનસે નીકલે

ઉસ વક્ત જલ્દી આના, નહીં શ્યામ ભૂલ જાના

બંસીકી ધૂન સુનાના - જબ પ્રાણ તનસે નીકલે.

માણસ મરતી વખતે પણ સ્ત્રી પુત્રાદિકને સલાહ આપવા લાગે છે કે મારી મહેનતની કમાઈના પૈસા બગાડશો નહીં, દરરોજ દુકાન ટાઇમસર ઉઘાડજો,, ઘરાક ઠગી ના જાય અને મુનીમ ચોપડામાં ગોટાળા ના કરે તેનું બરાબર ધ્યાન રાખજો. બંગલો ધોળાવતી વખતે મજૂર ફર્નિચર તોડે નહીં તેની કાળજી રાખજો. કપડાં ધોવામાં જૂતા છાપ સાબુ વાપરજો. દેહ છોડતી વખતે પણ કોન્ટ્રાક્ટરની સાથે કમિશનના ટકા નક્કી કરવા બેસે જેથી પાછળથી કોન્ટ્રાક્ટર છોકરાઓને છેતરી ના જાય.

જિંદગીભરની આદત દેહ છોડતી વખતે પણ છોડે નહીં. અંતિમ ક્ષણ આખા જીવનનો નિચોડ છે.

તસ્માત્ ભારત સર્વાત્મા ભગવાન્ હરિરીશ્વરઃ।

શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતાભયમ્॥ (શ્રીમદ્ ભાગવત - ૨/૧/૫)

એતાવાન્ સાંખ્યયોગાભ્યાં સ્વધર્મપરિષ્ઠ્યા।

જન્મલાભઃ પરઃ પુંસામ્ અંતે નારાયણસ્મૃતિઃ॥ (શ્રીમદ્ ભાગવત - ૨/૧/૬)

આખી જિંદગી જીભનો લવો નથી વાળ્યો, તેને દેહ છોડતી વખતે કાનમાં રામ - રામ બોલશો તોય નહીં સંભળાય. પછી તેની આગળ ગીતાનો પાઠ કરો તો પણ તેનો અર્થ નહીં સમજાય. જીવતે જીવતે માળા ફેરવતી વખતે પણ ઘરમાં કોણ આવ્યું? કેમ આવ્યું? કોણ ગયું? કેમ ગયું? કોણ શું કાનફુસિયાં કરે છે તેનું સતત ધ્યાન રાખનાર માણસ મરતી વખતે રામમાં ચિત્ત નહીં પરોવી શકે.

સ્મરણ ભયભીત સ્થિતિમાં ના થાય. મૃત્યુ વખતે મહામિલનના આનંદની સ્ફુરણા થાય તો સાચું સ્મરણ થાય. મરતી વખતે, "હે ભગવાન ! ડોક્ટર બચાવો બચાવો" નો કકળાટ કરતો હોય એવી ભયભીત સ્થિતિમાં જ્યાં બચી જવાની તીવ્ર આકાંક્ષા હોય ત્યાં પ્રભુ સ્મરણનો સ્વાદ ના આવે.

અંતકાળે જેને અંતરજ્યોતિ દેખાય તે મૃત્યુ નથી પામતો, પરંતુ માત્ર શરીર છોડવાની ક્રિયા કરતો હોય છે - ભંગાર ઝૂંપડું છોડીને નવા મકાનમાં રહેવા જતો હોય છે. મોત એ જીવનની મોટામાં મોટી ઘટના છે. તે વખતે ભયભીત થઈને જે સ્મરણ કરે તે ભયનું સ્મરણ કરે છે, પરમાત્માનું નહીં.

ઈશ્વરસ્મરણ વગર માત્ર જીવનભર સદાચરણી જીવન જીવે તો તે સદાચરણ પણ તેના અહંકારની પૂર્તિ કરે. માટે સદાચરણ સાથે સાથે અનન્ય શરણાગતિપૂર્વક ઈશ્વરસ્મરણ જિંદગીભર કરવું જરૂરી છે. તો જ સદાચરણનો અહંકાર ના આવે અને મૃત્યુ સમયે ઈશ્વર સ્મરણ શક્ય બને. જેને શરીર સાથે તાદાત્મ્ય છે તેને મોતનો ભય લાગે છે. જિંદગીભર જેણે પ્રત્યેક શ્વાસે રામરટણ કર્યું છે, તેને અંતકાળે પણ રામનામ જ હોઠ ઉપર આવે.

જન્મલાભઃ પરઃ પુંસામ્ અંતે નારાયણસ્મૃતિઃ॥ (શ્રીમદ્ ભાગવત - ૨/૧/૬)