નાશરહિત શ્રેષ્ઠ તત્ત્વ બ્રહ્મ છે. (તેનો) સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે; અને પ્રાણીમાત્રને ઉત્પન્ન કરનારી સૃષ્ટિક્રિયા તે કર્મ કહેવાય છે. (૩)
ભાવાર્થ :
આ શ્લોકમાં સાત સવાલો પૈકી ત્રણ સવાલોનો જવાબ છે:
પહેલો સવાલ - કિં તદ બ્રહ્મ? બ્રહ્મ શું છે?
જવાબ - અક્ષરં બ્રહ્મ પરમમ્. બ્રહ્મ પરમમ્ (સર્વોત્કૃષ્ટ છે) બ્રહ્મ અક્ષર (અવિનાશી છે)
બ્રહ્મના બે વિશેષણો બતાવ્યા:
૧. બ્રહ્મ સર્વોત્કૃષ્ટ, શ્રેષ્ઠ, નિરતિશય, સૂક્ષ્માતિસૂક્ષ્મ છે (પરમમ્ છે)
૨. આ પરમમ્ બ્રહ્મ અક્ષર એટલે કે અવિનાશી છે.સર્વ કારણોના કારણ - Cause of all causes - હોવાથી તે સર્વવ્યાપી અને અવિનાશી છે. અનેક શ્રુતિ - સ્મૃતિ દ્વારા યુક્તિથી સિદ્ધ થયેલું છે, તેથી અક્ષર પરબ્રહ્મ તે પ્રકૃતિ પર્યન્તના તમામ પ્રપંચનો આશ્રય છે તથા તેની ઉત્પત્તિ, સ્થિતિ તથા લયનું પણ કારણ છે.
જન્માદ્યસ્ય યત: (બ્રહ્મસૂત્ર - ૧ ભાગ - ૧/૧/૧)
જન્મ આદિના કારણરૂપ હોવાથી તે અવિનાશી નિરતિશય તત્ત્વ છે, ભગવાન કહે છે કે જેનો કદાપિ નાશ નથી તે બ્રહ્મ છે, પરંતુ આપણે આંખથી જે કાંઈ જોઈએ છીએ, કાનથી સાંભળીયે છીએ, નાકથી સૂંઘીએ છીએ , જીભથી ચાખીએ છીએ, સ્પર્શેન્દ્રિયથી સ્પર્શ કરીએ છીએ; તદુપરાંત આપણે જે કોઈનું મનથી મનન કરીએ છીએ, ચિત્તથી ચિંતન કરીએ છીએ, બુદ્ધિથી નિર્ણય કરીએ છીએ તે તમામ પ્રાણી અગર પદાર્થ, વસ્તુ અગર વ્યક્તિ બધું જ નાશવંત છે. કોઈ પણ ચીજવસ્તુ જે અવિનાશી હોય તે હજુ સુધી આપણી તમામ ઇન્દ્રિયો અગર મન, ચિત્ત, બુદ્ધિથી આપણા અનુભવમાં કદાપિ અત્યાર સુધી આવી જ નથી. આ જગતમાં બધું જ નાશવંત જ છે, તો પછી અવિનાશી બ્રહ્મ આ જગતમાં છે? કે પછી તે જગતની બહાર ક્યાંક છે? અને છે તો જગતમાં કે જગતની બહાર કઈ જગ્યાએ છે? આ પ્રશ્ન છે - આપણે તો જોઈએ છીએ કે આ જગતમાં જે કાંઈ મળે છે તે કોકને કોક દિવસ આપણે ગુમાવીએ છીએ. જેનો સંયોગ થાય છે તેનો કોકને કોક દિવસે વિયોગ થાય છે, એટલે કે બધું જ નાશવંત દેખાય છે તો અવિનાશી બ્રહ્મ ક્યા છે?
બ્રહ્મને જોવો હોય તો તે ઇન્દ્રિયોથી - મનથી - બુદ્ધિથી નહીં દેખાય, કારણકે -
ઈંદ્રિયાણિ પરાણિ (સૂક્ષ્મ) આહુ:
ઇંદ્રિયેભ્યઃ પરમ (સૂક્ષ્મતર) મન:
મનસસ્તુ પરા (સૂક્ષ્મતમ) બુદ્ધિ:
યો બુદ્ધે: પરત: (સૂક્ષ્માતિસૂક્ષ્મ) તુ સ: (બ્રહ્મ) (ગીતા - ૩/૪૨)
ચો:
રામુ (બ્રહ્મ) અતકર્ય બુદ્ધિ મન બાની |
મત હમાર અસ સુનહિં સયાની || (રામાયણ બાલકાંડ દોહા - ૧૨૦/ઘ/૩)
એવું શું છે કે જેનો કદાપિ નાશ નથી? જેનું નામ છે, રૂપ છે, આકાર છે, ગુણ છે તેના નામનો - રૂપનો - આકારનો - ગુણનો નાશ છે, પરંતુ તેની પાછળ તેના આધાર (અધિષ્ઠાન) રૂપ જે અનામી છે, નિરાકાર - નિર્ગુણ છે, તેનો નાશ નથી માટે તે અવિનાશી છે તે જ બ્રહ્મ છે. ગોળનું નામ, રૂપ, ગુણ બદલાય, પરંતુ ગળપણનું નહીં, મરચાનું નામ, રૂપ, ગુણ બદલાય, પરંતુ તીખાશનું નહીં. Container (મરચું - ગોળ ) નષ્ટ થાય, પરંતુ Contents (તીખાશ - ગળપણ) નષ્ટ ના થાય.
આપણી ઇન્દ્રિયોને તો માત્ર નામ, રૂપ (આકાર), ગુણ દેખાય છે, પરંતુ તે નામ, રૂપ (આકાર), ગુણ જેના આધારે હસ્તી ધરાવે છે તે અનામી, અરૂપ, નિરાકાર, નિર્ગુણ જે આપણને દેખાતું નથી તે અવિનાશી છે, તે બ્રહ્મ છે.
વિજ્ઞાનની આ ત્રણસો વર્ષની ખોજ છે કે આ જગતમાં કોઈ પણ ચીજ નાશવંત નથી. Nothing is destructible. જયારે આપણને Everything is destructible. દરેક વસ્તુ નાશવંત માલૂમ પડે છે, તો વિજ્ઞાન કેમ કહે છે કે Everything is indestructible. બધું જ અવિનાશી છે? આ indestructible everything અવિનાશી બધું શું છે? તો શું વિજ્ઞાનને ક્યાંકથી બ્રહ્મની (indestructible અવિનાશીની) ગંધ આવવાની શરુ થઇ? શું ક્યાંકથી કાંઈક ઝલક વિજ્ઞાનની પકડમાં આવવાની શરુ થઇ તેની (બ્રહ્મની) કે જે નાશવંત નથી? ખરેખર તો વિજ્ઞાનને ઝલક નથી મળી, પરંતુ અનુમાન મળ્યું છે. Not the glimpse but just an inference. એક અનુમાન વિજ્ઞાનના હાથમાં આવ્યું છે. વિજ્ઞાનને માત્ર એક જ વાત ખ્યાલમાં આવી ગઈ છે કે ફક્ત નામ, રૂપ, ગુણ જ બદલાય છે, પરંતુ જે નથી બદલાતું - નથી ખોવાતું - નથી નષ્ટ થતું તે શું છે તેનો તો હજુ પણ વિજ્ઞાનને ખ્યાલ નથી, એટલા માટે વિજ્ઞાનની ખોજ Negative - નકારાત્મક છે. "નેતિ - નેતિ" એમ વેદો પણ કહે છે. વિજ્ઞાનને એટલી તો ખાતરી થઇ જ છે કે જે બદલાય છે તે નામ, રૂપ (આકાર), ગુણ છે કે જે નાશવંત છે, પરંતુ તેની પાછળ નહીં બદલાનારું - નહીં નાશ પામનારું કોઈ તત્ત્વ મોજૂદ હોવું જ જોઈએ જેના આધારે જેના આધાર - અધિષ્ઠાન ઉપર આ નામ, રૂપ, ગુણ બદલાતા રહે છે, કારણ કે ફેરફારને માટે પણ કદાપિ નહીં બદલાનારો કોઈક આધાર જોઈએ. નહીં તો શેની ઉપર આ ફેરફાર થઇ શકે? પરિવર્તનને માટે પણ કોઈ શાશ્વત તત્ત્વ જોઈએ અને બે પરિવર્તનની વચમાં જોડવા માટે પણ કોઈ અપરિવર્તિત કડી તો જોઈએ જ - અને તે બ્રહ્મ છે, તદ્ બ્રહ્મ.
બીજો સવાલ - કિં અધ્યાત્મમ્
જવાબ - સ્વભાવો અધ્યાત્મમ્ ઉચ્યતે
અધ્યાત્મ એટલે સ્વભાવ. સ્વભાવ એટલે પ્રકૃતિ. આ પ્રકૃતિ જ સૃષ્ટિના આરંભમાં પરા અને અપરા રૂપે અભિવ્યક્ત થાય છે. એને વેદમાં સ્વધા કહેવામાં આવે છે. માયા, પ્રધાન વગેરે એના જ નામ છે. સ્વભાવ એટલે માયા નામની પરમાત્માની સ્વાભાવિક શક્તિ.
પરાસ્ય શક્તિ: વિવિધૈવ શ્રૂયતે
સ્વાભાવિકિ જ્ઞાન બલ ક્રિયા ચ
સર્વ ભૂતના અંતરાત્મા એવા પરમાત્માને અવલંબીને વર્તતી હોવાને લીધે તેને (અધિ + આત્મ) અધ્યાત્મ કહેવામાં આવે છે.
સ્વભાવનો અર્થ છે - સ્વકીય ભાવ. પોતાની સત્તા, પોતાનું અસ્તિત્વ, વ્યક્તિત્વ જ પોતાનો ભાવ છે તે જ સ્વભાવ છે. પરંતુ આ કોનો સ્વભાવ (નિજભાવ) છે? જવાબ - બ્રહ્મનો જ સ્વભાવ. કેમ કે,
અક્ષરંપરમમ્ (તત્ત્વં) બ્રહ્મ ઇતિ ઉચ્યતે તસ્ય (બ્રહ્મણ:)
સ્વભાવ: અધ્યાત્મમ્ (ઇતિ ઉચ્યતે).
અવિનાશી પરમતત્ત્વને બ્રહ્મ કહે છે અને એ અવિનાશી પરબ્રહ્મ તત્ત્વનો જે સ્વભાવ અર્થાત નિજભાવ છે તેને જ અધ્યાત્મ કહે છે. આ નિજભાવ ક્યા દેખાય છે?
જવાબ: આ નિજભાવ પ્રત્યેક ભૂતમાં - પ્રત્યેક વસ્તુમાં - પ્રત્યેક દેહમાં દેખાય છે. અધ્યાત્મનો અર્થ પ્રત્યેક આત્માના આશ્રયે રહેનાર સત્ત્વ. દરેક જીવાત્માના દેહમાં જે નિજસ્વભાવ છે, જે પ્રત્યેક જીવમાં પ્રગટ થાય છે તે બ્રહ્મનો જ સ્વભાવ છે. જે જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો દ્વારા પ્રગટ થઇ રહ્યો છે તે એનો જ સ્વભાવ, નિજભાવ, નિજધર્મ છે - કેમ કે એ સ્વભાવ સર્વત્ર સમાન રીતે પ્રગટ થઇ રહ્યો છે.
વસ્તુ છે (અસ્તિ), વસ્તુ દેખાય છે (ભાતિ) અને એમાં નિજત્વ (પ્રિયત્વં) છે તે સર્વત્ર અનુભવમાં આવે છે. અખંડ એકરસ રહેનાર અક્ષર બ્રહ્મનો જ આ (સત - ચિત્ત - આનંદ અર્થાત અસ્તિ - ભાતિ - પ્રિયત્વં) સ્વભાવ છે, કેમ કે આ જ એક વસ્તુ સમાન રીતે સર્વત્ર છે. આ સ્વભાવનું નામ અધ્યાત્મ છે, કેમ કે આ સ્વભાવ પ્રત્યેક આત્મામાં વ્યક્ત હોવાને કારણે તેને અધ્યાત્મ (અધિ + આત્મા) કહે છે.
ત્રીજો સવાલ - કિં કર્મ? કર્મ શું છે?
જવાબ - ભૂતભાવ ઉદ્દભવકર: વિસર્ગ: કર્મ સંજ્ઞિત: |
ભૂતોના ભાવને ઉત્પન્ન કરનાર વિસર્ગ. (એટલે કે શાસ્ત્રવિહિત યજ્ઞ - દાન - હોમ વગેરેને નિમિત્તે જે દ્રવ્યાદિકનો ત્યાગ) તેને કર્મ કહેવાય.
કર્મ શબ્દ આ પ્રકરણમાં એના સાર્વજનિક common અર્થમાં નથી. આ શ્લોકમાં કર્મ શબ્દનો ખાસ અર્થ છે.
ભૂત એટલે સ્થાવર, જંગમ પ્રાણીઓ. તેમનો ભાવ એટલે સત્તા. સ્થાવર જંગમ પ્રાણીઓની સત્તાને અસ્તિત્વમાં આણનાર એટલે "ભૂતભાવ ઉદ્દભવકર:" આવો જે વિસર્ગ એટલે કે વિવિધ જાતની સૃષ્ટિનો હેતુ અર્થાત સ્થાવર અને જંગમ સૃષ્ટિના અસ્તિત્વને વિવિધ રીતે વ્યક્ત કરતો પરમાત્માનો પ્રથમ સંકલ્પ 'એકો અહં બહુસ્યામ પ્રજાયેય' 'હું એક છું તે અનેક થાઉં' આ પ્રકારનો પરમાત્માનો જે પ્રથમ સંકલ્પ જેને વેદાંતમાં ઇક્ષ્ણ કહેવામાં આવે છે. તેનું નામ અહીં કર્મ છે.
જે અનાદિ કર્મપ્રવાહ ચાલી રહ્યો છે - જે કર્મપ્રવાહમાં બધા જીવ પડયા છે તે કર્મનું સ્વરૂપ શું છે? પ્રાણીઓનું એટલે કે તમામ ભૂતોનું થવું - becoming, તેમનું રહેવું - existence, અને તેમનું અસ્તિત્વ આ ભૂતભાવથી પ્રગટ થઇ રહ્યું છે. "ભૂતભાવ"નો અર્થ તમામ ભૂત પ્રાણીમાત્રનું જીવન થઇ શકે. Existence of all creatures એ ભૂતભાવ અને તેનો ઉદ્ભવ થવો તેનું નામ કર્મ. ઉદ્ભવનો અર્થ ઉચ્ચ થવું. ઉચ્ચતર, ઉચ્ચતમ બનવું એવી અવસ્થા પ્રાપ્ત કરવી. પ્રાણીમાત્રના જીવનને ઉચ્ચતર બનાવવાનો યત્ન તે કર્મ - જીવન અધિક ઉચ્ચ, વિકસિત, ઉન્નત, ઉત્ક્રાંત થાય તે કર્મ. ઉત્ક્રાંતિનો યત્ન વિસર્ગરુપ થવો જોઈએ. વિસર્ગનો અર્થ :
(૧) આગળ મોકલવું.
(૨) યત્ન કરવો
(૩) ત્યાગ કરવો
(૪) દાન આપવું
(૫) અર્પણ કરવું
(૬) બનાવવું - તૈયાર કરવું
(૭) મુક્ત થવું
(૮) પ્રકાશ કરવો.
આ વિસર્ગોના અર્થોને જોવાથી કર્મનું સ્વરૂપ સ્પષ્ટ સમજાશે.
આ પ્રમાણે ત્રણેય પ્રશ્નોના જવાબો -
૧. એક અવિનાશી પરમ - બ્રહ્મ છે.
૨. એનો સ્વભાવ પ્રત્યેક આત્મામાં પ્રગટ થાય છે.
૩. એ આત્માના પ્રકાશ માટે થનાર યત્નનું નામ કર્મ છે.
અવિનાશી, અખંડ, અનંત બ્રહ્મ અનાદિ છે. તેનો સ્વયંભૂ સ્વભાવ (અધ્યાત્મ) છે. તે જીવાત્માના ભાવમાં પ્રગટ થાય છે. આ પ્રગટ થવું તે પણ અનાદિ જ છે. તે જ પ્રમાણે આ સ્વભાવ પણ અનાદિ છે. કારણ કે એ જ એનો નિજસ્વભાવ છે. એ આત્મભાવમાં પ્રગટ થયો એટલે આત્મભાવમાં અલ્પત્વ આવી ગયું. આ અલ્પત્વનો વિકાસ કરવા સતત યત્ન કરવો તે કર્મ અને તે કર્મ પણ અનાદિ છે. જેવી રીતે નદીઓને સતત વહ્યા કરવું, સમુદ્રમાં ઠલવાવું, પાછું ઉપર આકાશમાં વાદળમાં ભરાવું, પાછું નીચે વરસવું અને નદીમાં વહેવું - આ કર્મસ્વભાવ અનાદિ છે અને તે સમષ્ટિના કલ્યાણ માટે છે. આ પ્રમાણે પરમાત્માએ અનાદિકાળથી ચાલુ કરેલા સંસારચક્રને જે અનુસરતી નથી તે વ્યક્તિ પાપી જીવનવાળી અને ઇન્દ્રિયલંપટ હોઈ વ્યર્થ જીવે છે.
એવં પ્રવર્તિતં ચક્રં નાનુવર્તયતીહ યઃ ।
અઘાયુરિન્દ્રિયારામો મોઘં પાર્થ સ જીવતિ ॥ ગીતા - ૩/૧૬॥
સૂર્યનું ઊગવું - આથમવું - પ્રકાશવું તે તેનો અનાદિ સ્વભાવ અને કર્મ છે. તેવું તમામ જીવાત્માનું સમજવું.