સર્વ (ઇન્દ્રિયરૂપી) દરવાજા વશ કરી, મનને હૃદયમાં રોકી, પોતાના પ્રાણને મસ્તકે બ્રહ્મરંધ્રમાં સ્થાપી, યોગધારણાનો આશ્રય કરનારો જે પુરુષ "ૐ" એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને મારુ સ્મરણ કરતો દેહ ત્યજી મરણ પામે છે, તે પરમ ગતિ પામે છે. (૧૨-૧૩)
ભાવાર્થ :
જીવવાની એક એવી કળા છે કે જેથી મરવાની સર્વોત્તમ કળા માણસને જીવતા જીવત સિદ્ધ થાય. મોતની એક પળ સાચવવા માટે તો આખું જીવન છે. જો માણસ આખું જીવન સાચવે તો જ એની મોતની ઘડી સચવાય. મોત એ જીવનનું પૂર્ણવિરામ નથી, અલ્પવિરામ છે. મૃત્યુના પણ ફાયદા છે. મૃત્યુનું પણ માહાત્મ્ય છે. Grandeur of death. મૃત્યુ એ તો એક મહામિલનનો પ્રસંગ છે. તેમ સમજીને મૃત્યુને ભેટવાની તત્પરતામાં જ મૃત્યુનું મોત છે. કેવી રીતે દેહ ત્યાગ કરવો એમ ભગવાન સમજાવે છે ત્યારે કેવી રીતે જીવવું એ જ દર્શાવે છે. આત્મજ્ઞાન - આત્માની અમરતા અને દેહની ક્ષણભંગુરતાની અનુભવાત્મક બોધ થતા જ મૃત્યુ મરી ગયું રે લોલ. જીવતા જીવતા એટલે કે શરીર છૂટી જતા પહેલા (પ્રાક શરીર વિમોક્ષણાત્) આત્માનો સાક્ષાત્કાર એ જ મરણ જીતવાની ચાવી છે. મન સંકલ્પનાત્મક છે, જયારે હૃદય ભાવનાત્મક છે.
અંતકાળે જેવો ભાવ, જેવી મતિ તેવી ગતિ.
ભગવાનનું પરમધામ એટલે શું? તે ક્યાં આવ્યું? ત્યાં કેવી રીતે પહોંચાય?
ધામનાં કેટલાક અર્થ છે : ધામ એટલે તેજ પણ થાય. સહજાનંદ સ્વામીએ કહ્યું છે કે -
મારુ ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ
સર્વે સમૃદ્ધિ રે સર્વે ગુણે કરી અભિરામ
અતિ તેજોમય રે રવિ શશિ કોટિક વારણે જાય.
શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય.
ધામ એટલે રહેઠાણ. પરમધામ એટલે શ્રેષ્ઠ રહેઠાણ. પ્રાણીમાત્ર ભગવાનની બેઠક છે. વસ્તુમાત્રમાં પ્રભુ પરિપૂર્ણ છે. તે અવ્યક્ત છતાં વ્યક્ત છે. અક્ષર છતાં ક્ષર છે. ભગવાનનું રહેઠાણ તો સર્વત્ર છે.
શ્રીરામે વાલ્મીકિ ઋષિને પૂછ્યું કે, હું ક્યાં રહુ તો ઋષિએ જવાબ આપ્યો :
પુછેહું મોહિ કિ રહૌ કહા, મૈ પૂછત સકુચાઉં |
જહાં ન હોહુ તહાં દેહુ કહિ તુમ્હહિ દેખાવો ઠાઉ ||
(અયોધ્યા કાંડ દોહા - ૧૨૭)
પરમાત્માનાં સ્વરૂપની પ્રાપ્તિ જ તેનું પરમધામ છે. પ્રભુ અને તેનું રહેઠાણ કોઈ જુદી જુદી ચીજ નથી. જેમ આત્મા અને તેનું ચૈતન્ય "કહીયત ભિન્ન ન ભિન્ન" કહેવામાં કહેવાની ભાષામાં ભિન્ન - બાકી ભિન્ન નહીં. પ્રભુનું પરમ ધામ એમ જયારે બોલવામાં આવે છે ત્યારે છઠ્ઠી વિભક્તિ કેવળ ઉપચાર પૂરતી જ છે, વિકલ્પમાત્ર છે. ખરેખર તો પ્રભુ પોતે જ પોતાનું પરમધામ છે. જેમ તેજોધાતુ સર્વત્ર છે, છતાં સૂર્યમંડળમાં તે વધારે સ્પષ્ટપણે વર્તતી દેખાય છે, તેવી રીતે શરીરમાં કે બહાર પરમાત્મા સર્વવ્યાપી છે, છતાં પ્રાણીમાત્રના હૃદયમાં તેની ખાસ બેઠક છે. પ્રભુનું પરમધામ સૌના હૃદયમાં છે. હૃદયસદનમાં રહેતા પરમાત્મા અનન્ય ભક્તિથી પ્રાપ્ત થાય છે અર્થાત પરમધામમાં પરમભક્તિ દ્વારા પહોંચાય છે.
કોઈ પણ માણસનો ફોટો પાડતી વખતે માણસ તે વખતે જેવી મુખમુદ્રા અને સ્થિતિમાં ઉભો હોય તેવો જ ફોટો પડે. જીવનની અંતિમ ક્ષણ એ ફોટો પાડવાની ક્ષણ છે. તે ક્ષણે જેવો ભાવ હોય તેવો ભાવ નવા જન્મ માટે અંકિત થાય. "Ready સાવધાન" એમ ફોટો પાડતી વખતે કહેવું પડે છે.
સર્વદ્વારાણિ સંયમ્ય - ઇન્દ્રિયોના દ્વાર બહારની બાજુ ખુલે છે તેવો આપણને જન્મજન્માંતરનો મહાવરો છે. કઠોપનિષદ કહે છે :
પરાંચિ ખાની વ્યતૃણત્ સ્વયંભૂ: તસ્માત્ પરાંપશ્યતિ ન અંતરાત્મન્।
(પરંતુ) કશ્ચિદ્ધીરઃ પ્રત્યગાત્માનમૈક્ષત્ આવૃત્ત ચક્ષુ: અમૃતત્વમિચ્છન્॥
(કઠોપનિષદ - ૨/૧/૧ )
ઇન્દ્રિયોના કમાડ અંદરની બાજુ પણ ખુલે છે. મનુષ્યની ચેતનાને બહિર્ગમન અને અંતર્ગમનની યાત્રા માટે ઇન્દ્રિયોના દ્વાર ઉપયોગી છે. જે દ્વારથી બહાર નીકળાય એ જ દ્વારથી અંદર પણ પેસી શકાય. અંદર પેસવા અલગ દ્વાર ન હોય. જે સીડીથી નીચે ઉતરાય એ જ સીડીથી ઉપર પણ ચઢી શકાય.
જિસ ધામસે નીચે ગિરે ઉસકે લિયે ફિરસે ચઢો.
જે ઈંદ્રિયોએ પછાડયા છે તે જ ઇન્દ્રિયો તમને પરમધામ સુધી પહોંચાડી પણ શકશે. શંકરાચાર્યજી કહે છે -
કે શત્રવ: સન્તિ નિજેન્દ્રિયાણી |
તાન્યેવ મિત્રાણી જીતાનિ યાનિ ||
જે ઘોડા બળવાન છે તે કાબૂમાં રહે તો પહોંચાડે અને કાબૂ બહાર જાય તો પછાડે. નિર્બળ ઘોડા પછાડે નહીં પણ હટે પહોંચાડે પણ નહીં. જે ઇન્દ્રિયો તમારી શત્રુ છે તે જ ઇન્દ્રિયો કાબૂમાં રાખો તો તે તમારી પરમમિત્ર બની જાય. તમારી જ ઇન્દ્રિયો તમારે કામની છે. બીજાની ઇન્દ્રિયો તમારા કામમાં નહીં આવે. એટલા માટે ભગવાને ગીતામાં કહ્યું છે કે,
ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્ ।
આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ ॥
(ગીતા - ૬/૫)
વિષયો - પદાર્થો જે આકર્ષણ કરે છે તેને હટાવવાનો વ્યર્થ પ્રયાસ કરવા કરતા જે આકર્ષિત થાય છે તે ઇન્દ્રિયોને વિષયોથી વસ્તુઓથી હટાવવી. કારણ કે તે જ રાગદ્વેષ પેદા કરે છે.
ભગવાન ગીતામાં કહે છે:
ઇન્દ્રિયસ્ય ઈન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ ।
તયોર્ન વશમાગચ્છેત્ તૌ હ્યસ્ય પરિપન્થિનૌ ॥
(ગીતા - ૩/૩૪)
જયારે વિષયો ના હોય ત્યારે વૃત્તિઓને ગતિમાન થવાનો મોકો મળતો નથી, તેથી એમ નહીં સમજવું કે વૃત્તિઓ શાંત થઇ ગઈ છે. વિષયો ઉપલબ્ધ થતાની સાથે જ વૃત્તિઓ ઠેકડા મારવાની! માટે વિષયોને હટાવવાને બદલે વૃત્તિઓને શાંત કરવાની કળા શીખી લો. જ્યાં સુધી અને જેટલે સુધી સંસાર છે ત્યાં સુધી વિષયો તો રહેવાના જ. પરંતુ વૃત્તિઓનો હૃદયમાં પરમાત્મામાં નિરોધ કરવાથી "મનોહ્રદિ નિરુધ્ય ચ" વૃત્તિઓ વિસર્જિત થઇ જશે અને ઇન્દ્રિયોનો સંયમ - ઇન્દ્રિયો આપોઆપ અવરુદ્ધ થઇ જશે. ઇન્દ્રિયોના દ્વાર ઓટોમેટિક છે. જો વૃત્તિઓ બહાર (સંસાર બાજુ) દોડવા માગે તો દરવાજા ઓટોમેટિક બહારની બાજુ ઉઘડી જાય છે, પરંતુ જો વૃત્તિઓ અંતર્મુખી થાય તો ઇન્દ્રિયોના દરવાજા ઓટોમેટિક બહારની બાજુએ બંધ થઇ જશે.
દાખલા તરીકે ચેતનાને નિદ્રાધીન થવું હોય ત્યારે આંખનો દરવાજો ઓટોમેટિક બંધ થઇ જાય. બધી ઈન્દ્રિયોનું આ પ્રમાણે છે. ચેતના જે વિષય બાજુ ઉન્મુખ થાય તે બાજુનું ઈન્દ્રિયોનું દ્વાર ખુલી જાય પરંતુ જો ચેતના - મન અંતર્મુખ થાય તો ઇન્દ્રિયોના દ્વાર ઓટોમેટિક બંધ થઇ જાય - જબરજસ્તી નહીં કરવી પડે. જો મન - ચેતના અંતર્મુખ ના થાય તો માત્ર ઇન્દ્રિયોના દ્વાર જબરજસ્તીથી બંધ કરવાનો કોઈ અર્થ નથી. માણસ પરાણે ભાતની બાધા લે, પરંતુ જો ભાત ભાણામાં આવે તો "બાધા મારી મા, ભાત ઉપરથી ઉઠીને શાક ઉપર જા." એવો દંભ કરે. આ મિથ્યાચાર કહેવાય. ભગવાન કહે છે કે,
કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન્ ।
ઇન્દ્રિયાર્થાન્વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે ॥
(ગીતા - ૩/૬)
તીવ્ર વૈરાગ્ય (ઉલટી - vomit ઉપર છે તેવો) સિવાય ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ શક્ય નથી.
ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાય જી.
બિલાડીને જો પાકી સમજણ (જ્ઞાન) હોય કે આ ઉંદર અસલી નથી પરંતુ નકલી રબરનો (મિથ્યા) છે, આવી પાકી સમજણ (જ્ઞાન) હોય તો પછી બિલાડી કદાપિ એ (મિથ્યા) ઉંદર ઉપર ઝાપટ નહિ મારે. વિષયો મિથ્યા છે તેવી પાકી સમજણ તેનું નામ જ્ઞાન. આવું જ્ઞાન થાય તો જ વિષયો પ્રત્યે વૈરાગ્ય પેદા થાય અને તો જ ત્યાગ ટકી શકે.
પાણી હંમેશા કુદરતી રીતે નીચાણ બાજુ જ વહે. તેવી રીતે વૃત્તિઓ હંમેશા સંસાર બાજુ જ વહે તે સ્વાભાવિક છે. વૃત્તિઓને પરમાત્મા બાજુ વાળો તો જ ઇન્દ્રિયો આપોઆપ વિષયોથી વિમુખ થાય, વૃત્તિઓ જેટલી અંતર્મુખ થાય તેટલી ઇન્દ્રિયો અને મન વિષયોથી હટે. સંયમનો અર્થ છે સ્વયંની ઉર્જાવૃત્તિઓને અંતર્મુખ કરવી. સ્વયંમાં રમણ કરવું. - સ્વસ્વરૂપમાં અંતર્મુખ થઈને રમણ કરવું - રાચવું તેનું નામ સંયમ. ઇન્દ્રિયો ઉપર બળાત્કાર નહિ, પરંતુ પ્રત્યાહાર કરવાથી સંયમ સિદ્ધ થાય.
હૃદિ નિરુધ્ય - નાભિ અને કંઠની વચ્ચેનું સ્થાન હૃદયકમળ - હ્રદદેશ કહેવાય છે, ત્યાં સંકલ્પ વિકલ્પથી ભટકતું મન શાંત થઇ શકે છે - તે તેનું નિવાસસ્થાન મનાય છે. ધ્યાનની કોઈ પણ પ્રક્રિયા - ભજન, પ્રાર્થના, નમાજ, મૌન, નામ સ્મરણ - જપ વગેરે જયારે ફલિત થાય ત્યારે પ્રાણ ભ્રૂ - મધ્ય તરફ દોડવા લાગે છે. આ ધ્યાનની સફળતાનું સૂચક છે.
શ્લોક ૧૩
ૐ ઉચ્ચાર માત્ર ચેષ્ટાથી - મોઢેથી બોલાય તે તો માત્ર આહત (ટકરાતો) નાદ કહેવાય - અનાહત નાદ નહી - ૐ અનાહત નાદ છે, તે નાભિમાંથી ઉત્પન્ન થાય છે. સમસ્ત પ્રાણીની ઉર્જા ૐનું ઉચ્ચારણ કરતી ગતિમાન બને છે. તમામ ઇન્દ્રિયો નિર્વિષયી અને મૌન થઇ જાય તો આ ૐકાર સંભળાય - ગુંજારવ અનુભવાય.
પરમામ્ ગતિમ્ - ગતિ એટલે Movement. પરમગતિ એટલે ultimate movement - point of no return.
યદ્ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ્ મમ ॥
(ગીતા - ૧૫/૬ )
જ્યાં ગયા પછી પાછા આવવાનું નથી તે પરમધામ - મોક્ષ - નિર્વાણ - નિર્ગુણ - નિરાકાર બ્રહ્મને અભેદભાવથી પ્રાપ્ત થવું તે સ્થિતિ. આપણે તો અનેક જન્મથી માત્ર ગતિ જ કરી છે તેથી પરમગતિ પ્રાપ્ત થતી જ નથી. ગતિ કરવા શરીર અને મન જોઈએ. પરમગતિમાં શરીરની અને મનની જરૂર જ નથી. શરીર અને મનનો અધ્યાસ છૂટે તે પરમગતિ