શ્રીમદ્ ભગવદ્દ ગીતા ભાવાર્થ

કર્મયોગ

નમ્ર નિવેદન

મહાભારતમાં ૧૮ પર્વ છે. તેમાંના ભીષ્મપર્વના અધ્યાય ૨૫ થી ૪૨ (૧૮ અધ્યાય) શ્રીમદ્ ભગવદ્દગીતાના નામે પ્રસિદ્ધ છે. ભગવદ્દગીતાને 'અર્જુન ગીતા' અથવા 'પાર્થ ગીતા' પણ કહેવાય છે.

શ્રીમદ્ ભાગવતપુરાણના એકાદશ સ્કંધના અધ્યાય ૭ થી ૩૦ (૨૪ અધ્યાય) 'ઉદ્ધવ ગીતા'ને નામે પ્રસિદ્ધ છે.

ભગવદ્દ ગીતા (અર્જુન ગીતા) મહાભારતનો ભાગ છે, જયારે ઉદ્ધવગીતા શ્રીમદ્ ભાગવતપુરાણનો ભાગ છે. બંને ગીતાઓમાં વક્તા શ્રીકૃષ્ણ એક જ છે, પરંતુ શ્રોતાઓ અનુક્રમે અર્જુન અને ઉધ્ધવજી છે.

ભગવદ્દગીતા લડાઈના રણમેદાન ઉપર બોલાયેલી છે તેથી તે ટૂંકાણમાં બોલાયેલી હોવાથી તેમાં માત્ર ૧૮ અધ્યાય છે, જયારે ઉદ્ધવગીતા દ્વારકાના રાજમહેલમાં નિરાંતે લંબાણથી બોલાયેલી હોવાથી તેમાં ૨૪ અધ્યાય છે. તેમ છતાં બંને ગીતાઓમાં વાત એક સરખી જ છે અને તે બંનેમાં તમામ ઉપનિષદોનો સાર વ્યાસનારાયણે ગાગરમાં સાગરની માફક ભરી દીધો છે.

ભગવદગીતામાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો બતાવ્યા છે, જયારે ઉદ્ધવગીતામાં તો સાક્ષાત સ્થિતપ્રજ્ઞ (દત્તાત્રેય)ના જ દર્શન કરાવ્યા છે.

બંને ગીતાઓમાં અર્જુન તથા ઉધ્ધવ, અર્જુનનો વિષાદયોગ, સાંખ્યયોગ, કર્મયોગ, ભક્તિયોગ, વિભુતિયોગ, ગુણત્રયવિભાગયોગ, આત્મસંયમયોગ વગેરેનું લગભગ એક સરખું બહુજ તલસ્પર્શી વિવેચન વ્યાસનારાયણે કરેલું છે.

શ્રીમદ્ ભગવદગીતામાં ૧૮ અધ્યાય છે. તેમાં પહેલા છ અધ્યાયમાં (૧ થી ૬) મુખ્યત્વે કર્મયોગનું પ્રતિપાદન કરેલું છે. બીજા છ અધ્યાયમાં (૭ થી ૧૨) ભક્તિયોગનું અને આખરી છ અધ્યાયમાં (૧૩ થી ૧૮) જ્ઞાનયોગનું પ્રતિપાદન કરેલું છે. અને આ ત્રણેય યોગોનો સમન્વય કરેલો છે.

માણસ પોતાના પૂર્વજન્મોનાં સંચિત કરેલા સંસ્કારોને અનુરૂપ કર્મમાર્ગ, ભક્તિમાર્ગ અગર જ્ઞાનમાર્ગ ત્રણમાંથી ગમે તે એક માર્ગ ઉપર ચાલવા માંડે તો આખરે આ ત્રણેય માર્ગો તેના ગંતવ્ય સ્થાન ઉપર ભેગા થઇ જાય છે. માણસ હવાઈ (પ્લેન) માર્ગે જાય કે રેલ્વે માર્ગે જાય કે રોડ માર્ગે જાય પરંતુ દિલ્હી આગળ આ ત્રણેય માર્ગ ભેગા થઇ જાય છે.

માણસ ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરે કે સેકન્ડ ક્લાસ અગર થર્ડ ક્લાસમાં મુસાફરી કરે તો પણ આ ત્રણેય એક જ સમયે તેને દિલ્હી સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ઉતારી દે. તેમ છતાં કોઈ પણ વ્યક્તિ ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવાનો અધિકારી છે કે સેકન્ડ ક્લાસ અગર થર્ડ ક્લાસમાં મુસાફરી કરવાનો અધિકારી છે તેનો આધાર તેની પાસે કેટલી ધન-સંપત્તિ (પુણ્યઈ) છે તેની ઉપરથી નક્કી થઇ શકે.

એવી જ રીતે માણસ કર્મમાર્ગનો અધિકારી છે કે ભક્તિમાર્ગ અગર તો જ્ઞાનમાર્ગનો અધિકારી છે તે નક્કી કરવામાં તેના અનેક જન્મોનું વિજ્ઞાન પડેલું છે અને તે તેને અનેક જન્મજન્માંતરના એકઠા કરેલા સંસ્કારો, વાસનાઓ, કામનાઓ ઉપર આધાર રાખે છે.

અર્જુનને સંન્યાસ લેવો હતો પરંતુ તે કર્મમાર્ગનો અધિકારી હોવાથી ભગવાને તેને યુદ્ધમાં જોતરી દીધો. વિદુરજી ભક્તિમાર્ગના અધિકારી હોવાથી મહાભારતના યુદ્ધ વખતે તે યાત્રા કરવા ચાલ્યા ગયા, જયારે ઉદ્ધવજી જ્ઞાનમાર્ગના અધિકારી હોવાથી તેમને ભગવાને પોતાના અમોઘ દિવ્ય જ્ઞાનના વારસદાર બનાવ્યા.

વૈદ્ય દર્દીની નાડી તપાસીને તેની પ્રકૃતિ અનુસાર તેને પથ્ય પાળવાની સલાહ આપે છે. એક દર્દીને વૈદ્ય કહે છે કે તું માત્ર દહીં જ ખાજે. દહીં સિવાય બીજું કાંઈ પણ ખાતો નહીં. જયારે બીજા દર્દીને કહે છે કે તું બીજું બધું ખાtજે પરંતુ દહીં કદાપિ ખાતો નહો. એ જ પ્રમાણે પરમાત્મા, જેના હાથમાં તમામ જીવાત્માઓની નાડી છે, તે દરેક વ્યક્તિને તેની પ્રકૃતિ અનુસાર કર્મયોગ, ભક્તિયોગ અગર જ્ઞાનયોગમાં પ્રવૃત કરે છે.

મોટા ભાગે સામાન્ય માણસો કર્મમાર્ગના અધિકારી હોય છે, તેમને માટે કર્મયોગ જ શ્રેષ્ઠ એમ ભગવાને કહ્યું છે.

સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભૌ ।

તયોસ્તુ કર્મસંન્યાસાત્કર્મયોગો વિશિષ્યતે ॥ગીતા ૫/૨॥

કર્મમાર્ગ બહુ જ સરળ, સીધો, અને સુલભ માર્ગ છે. આ માર્ગ ઘણો જ પહોળો અને બિલકુલ ખાડા-ટેકરા અગર આડા-અવળા વળાંક વગરનો છે. કોઈ પણ ભણેલો અગર અભણ, જુવાન અગર વૃદ્ધ, લૂલો, લંગડો, આંધળો, બહેરો, મૂંગો તથા શ્રીમંત અગર ગરીબ, કલેક્ટર અગર પટાવાળો, શેઠ અગર ગુમાસ્તો, મિલમાલિક અગર મિલમજુર, લારીવાળો અગર ગાડીવાળો, અગર તો કોઈ પણ બ્રાહ્મણ, વાણિયો, ઘાંચી, મોચી, સુથાર, ગોલો, કુંભાર, સુથાર, દરજી, ભંગી વગેરે અગર તો કોઈ પણ સ્ત્રી અગર પુરુષ આ કર્મમાર્ગ ઉપર જીવનયાત્રા કરીને નિષ્કામ કર્મયોગ દ્વારા ભગવદ્દપ્રાપ્તિનો અધિકારી બની શકે છે.

ભક્તિમાર્ગ બહુજ સાંકડો માર્ગ છે. તેમાં સંસાર અને સર્વેશ્વર બંને એકી સાથે સમાઈ શકે તેમ નથી. જયારે જ્ઞાનમાર્ગ તો તલવારની ધાર ઉપર ચાલવા જેવો છે.

જ્ઞાનપંથ કૃપાણ કે ધારા (રામ ચરિત માનસ)

કર્મયોગમાં એક જ મુખ્ય નિયમ, 'હાથમેં કામ, મુખમેં રામ'

કામ કરતે રહો નામ જપતે રહો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો

પાપકી વાસનાઓ સે ડરતે રહો, મનકો વિષયો કે વિષસે હટાતે ચલો

નામ ધન કા ખજાના બઢાતે ચલો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો.

દેખના ઈંદ્રિયોકે ન ઘોડે ભગે, રાતદિન ઈનકો સંયમ કે કોડે લાગે

અપને રથ કો સુમાર્ગે ચલાતે ચલો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો.

સુખમે સોના નહીં દુઃખમેં રોના નહીં, મોત આવે તો ઉનસે ગભરાના નહીં

કર્મમાર્ગમે નિષ્કામ બઢતે ચલો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો

લોગ કહેતે હૈ ભગવાન આતે નહીં, દ્રૌપદીકી તરહ તુમ બુલાતે નહીં

ભક્ત પ્રહલાદ જૈસે પુકારા કરો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો

લોગ કહેતે હૈ ભગવાન ખાતે નહીં, શાક વિદુર જૈસા ખીલાતે નહીં

ભક્ત શબરી જૈસે તુમ ખિલાયા કરો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો

ચાહે કાશી ચલો ચાહે મથુરા ચલો, ચાહે ગોકુલ ચલો ચાહે અયોધ્યા ચલો

કર્મભક્તિ કે મારગમે બઢતે ચલો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો

ખ્યાલ આવેગા ઉનકો કભી ના કભી, ભક્ત પાવેગા ઉનકો કભી ના કભી

ઐસા વિશ્વાસ મનમેં જમાતે ચલો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો

કર્મયોગનો સિદ્ધાંત સનાતન છે, અનાદિ છે. ભગવાન કહે છે કે આ યોગ મેં પૂર્વે પ્રથમ સૂર્યને, વિવસ્વાનને કહેલો. વિવસ્વાને તે યોગ તેના પુત્ર મનુને કહ્યો અને મનુએ તેના પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો હતો. એ પ્રમાણે આ કર્મયોગ પરંપરાથી કહેવાતો આવ્યો છે તે યોગ ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ગીતામાં કહ્યો છે.

કર્મણૈવ હિ સંસિદ્ધિમાસ્થિતા જનકાદયઃ ।

લોકસઙ્ગ્રહમેવાપિ સમ્પશ્યન્કર્તુમર્હસિ ॥ ગીતા ૩/૨૦॥

આ કર્મયોગનો આશ્રય કરીને જનકરાજા, મનુ, ઇક્ષ્વાકુ (જેઓ બધા ગૃહસ્થી હતા) વગેરે ઘણાએ પરમસિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. તેથી લોક કલ્યાણ માટે, લોક શિક્ષણ માટે પણ કર્મયોગમાં સતત પ્રવૃત રહેવું એવો પરમાત્માએ ગીતામાં આદેશ આપેલો છે.

ભગવાને સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપેલો છે કે:

નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જ્યાયો હ્યકર્મણઃ ।

શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદકર્મણઃ ॥ ગીતા ૩/૮॥

પૂર્વકર્મજનિત પ્રારબ્ધવશાત જે કાંઈ કર્મ નિયત થયેલું હોય તે કર્મ પ્રત્યેક મનુષ્યે રાગદ્વેષથી પ્રેરાયા સિવાય, કર્તાપણાના અહંકારરહિત, સમષ્ટિના કલ્યાણ માટે, ઈશ્વરપ્રીત્યર્થે, નિષ્કામભાવથી જીવનકાળ દરમિયાન સતત કરતા જ રહેવું જોઈએ. કર્મને છોડી દે તે અક્કરમી કહેવાય.

નિષ્કામભાવથી કરેલું પ્રત્યેક કર્મ પરમાત્માની પૂજાનું પુષ્પ બની જાય, જેનાથી હૃદયમાં ભક્તિભાવ પ્રગટ થાય. ભક્તિ દ્વારા અંત:કરણની શુદ્ધિ થતા તેમાં જ્ઞાનનો પ્રકાશ અનાયાસે પડે જેનાથી માણસ પોતાના અસલ આત્મસ્વરૂપને (his original, eternal, immortal self) જાણી શકે અને આત્મજ્ઞાનની અનુભૂતિ કરી શકે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ જ, એક જ માનવજીવનનું પરમ ચરમ લક્ષ્ય છે.

આ કર્મયોગનો સિદ્ધાંત ગીતાના અધ્યાય ૧ થી ૬ માં બહુ જ વિસ્તૃત રીતે, અલોકિક અને તલસ્પર્શી શૈલીમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવ્યો છે.

ગીતા સુગીતા કર્તવ્ય કિં અન્યૈ: શાસ્ત્રવિસ્તરે: |

ય સ્વયં પદમનાભસ્ય મુખપદમાત વીનિ:સૃતા ||

શ્રીમદ્ ભગવદ્દગીતા ભાવાર્થ 'ભક્તિયોગ' અધ્યાય ૭ થી ૧૨ અને 'જ્ઞાનયોગ' અધ્યાય ૧૩ થી ૧૮ આ બે પુસ્તકો અગાઉ પ્રગટ થઇ ચુક્યા છે અને શ્રીમદ્ ભગવદ્દગીતા ભાવાર્થ - કર્મયોગ અધ્યાય ૧ થી ૬ નામનું આ પુસ્તક ભગવદ્દકૃપાથી આજે મુમુક્ષુ - જિજ્ઞાસુ સાધકોના હાથમાં મુકતા હું ખુબ આનંદ અનુભવું છું.

આ પ્રમાણે ગીતાના અઢારે અધ્યાયનો ભાવાર્થ લખવાનું મારુ ગજું નહીં હોવા છતાં ભગવદ્દકૃપાથી આ કામ આજે પૂરું થઇ શક્યું તેને હું પરમાત્માનો અનુગ્રહ માનું છું.

આ ત્રણ ગીતા ભાવાર્થ પુસ્તકોમાં વાચકોને કાંઈ ભૂલચૂક દેખાય તો તે ભૂલો મારી છે, જે વાચક વર્ગ મને ઉદાર દિલથી માફ કરે અને આ પુસ્તકોમાં જે કાંઈ સારું લાગે તે વ્યાસ નારાયણની પ્રસાદી માનીને તેનો સ્વીકાર કરે તેવી અપેક્ષા સાથે -

હરિ ૐ તત્ સત્ |

ભગવદ્દકૃપાકાંક્ષી

હીરાભાઈ ઠક્કરના પ્રણામ

શિવરાત્રી, માર્ચ ૧, ૧૯૯૨

અમદાવાદ

અર્પણ

આ પુસ્તક હું મારા સદગત પૂજ્ય માતૃશ્રી તથા પૂજ્ય પિતાશ્રીના ચરણોમાં અર્પણ કરું છું.

- હીરાભાઈ ઠક્કર

ગીતા - ધ્યાન મંત્ર
  • અધ્યાય ૧

    અર્જુનવિષાદ યોગ

  • અધ્યાય ૨

    સાંખ્ય યોગ

  • અધ્યાય ૩

    કર્મ યોગ

  • અધ્યાય ૪

    જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

  • અધ્યાય ૫

    કર્મસંન્યાસ યોગ

  • અધ્યાય ૬

    આત્મસંયમ યોગ