વેદાંત વિચાર

પ્રકરણ બીજું : માયાનું સ્વરૂપ

૨૧. અવિદ્યા - અજ્ઞાન - જ્ઞાન

અવિદ્યા, અજ્ઞાન અને જ્ઞાન આ ત્રણે શબ્દો અને તેમનો તફાવત સમજી લેવાની જરૂર છે.

વેદાંતની દ્રષ્ટિએ અવિદ્યાનો અર્થ માત્ર અજ્ઞાન નથી અને વિદ્યાનો અર્થ માત્ર જ્ઞાન નથી.

  • અવિદ્યા એટલે ભૌતિક જ્ઞાન - અવિદ્યા એટલે એવી વિદ્યા જેનાથી સ્વયં પોતે કોણ છે - પોતાનું અસલ સ્વરૂપ શું છે, તે ના જણાય પરંતુ તે સિવાયનું બીજું બધું જાણી શકાય.

  • અવિદ્યા એટલે પદાર્થજ્ઞાન.

  • અવિદ્યા એટલે એવું જ્ઞાન જે જ્ઞાનના જેવું જણાય તો પણ સ્વયં વ્યક્તિ પોતે અજ્ઞાની રહી જાય.

  • અવિદ્યા એટલે એવું જ્ઞાન કે જેનાથી આપણે બીજું બધું જાણી લઈએ પરંતુ પોતાનાથી અપરિચિત રહી જઈએ. વધારે ચોખવટથી જાણવું હોય તો

  • અવિદ્યાનો અર્થ સાયન્સ(પદાર્થજ્ઞાન) થાય.

  • અવિદ્યા એટલે એવી વિદ્યા જે જ્ઞાન હોવાનો ભ્રમ પેદા કરે.

  • અવિદ્યા એટલે પદાર્થજ્ઞાન અને વિદ્યા એટલે આત્મજ્ઞાન.

  • હું કોઈ પણ પ્રાણી, પદાર્થ, વસ્તુ અગર સ્થિતિ વગેરે સંબંધી જાણું અને જાણ્યા છતાં મારામાં, મારા સ્વભાવમાં, મારા અંત:કરણમાં, મારી ચિત્તવૃત્તિમાં કાંઈ પણ શુભ ફેરફાર ના થાય તો તે વિદ્યા ના કહેવાય. જે જાણીને મારામાં કાંઈ પણ શુભ પરિવર્તન, શુભ રૂપાંતર ના થાય તે અવિદ્યા.

  • જે જીવનમાં નવીન જ્યોતિ ના પ્રગટાવે તે અવિદ્યા.

ડો. રાધાકૃષ્ણને બ્રહ્મસૂત્ર ઉપર અંગ્રેજીમાં એક ભાષ્ય લખેલું છે તેમાં અવિદ્યાની વ્યાખ્યા કરતા તેઓ લખે છે :

“Avidya does not mean intellectual ignorance but it is spiritual blindness.”

  • અવિદ્યા એટલે બુદ્ધિની અજ્ઞાનતા નહિ પરંતુ અવિદ્યા એટલે આધ્યાત્મિક અંધાપો.

૨૨. અવિદ્યાનું સ્વરૂપ