વેદાંત વિચાર
પ્રકરણ બીજું : માયાનું સ્વરૂપ
૨૨. અવિદ્યાનું સ્વરૂપ
મલિન સત્વગુણ, મલિન રજોગુણ, મલિન તમોગુણવાળી માયાનું નામ અવિદ્યા છે અને તે જીવને સંસારમાં ભરમાવે છે, રઝળાવે છે, આત્મજ્ઞાન થવા દેતી નથી. પાતંજલ યોગદર્શનમાં મહર્ષિ પતંજલિ અવિદ્યાની વ્યાખ્યા કરતા કહે છે:
अनित्य अशुचि दुःख अनात्मसु
नित्य शुचि सुख आत्मख्यातिः अविद्या ||
અનિત્યમાં નિત્યપણું દેખાય, અપવિત્રમાં પવિત્રતા દેખાય, દુઃખરૂપમાં સુખ દેખાય અને જડમાં ચૈતન્યપણું દેખાય તે જ્ઞાનનું નામ અવિદ્યા.
દેહ અને તેની પાછળ રહેલા સ્ત્રી, પુત્ર, ધન, ધામ વગેરે અનિત્ય નાશવંત હોવા છતાં તેમાં નિત્યત્વ ભાસે, કાયમી લાગે તે અવિદ્યાનો પહેલો દોષ.
દેહ મળ, મૂત્ર, હાડકા, ચામડા, માંસથી ભરેલો છે, તેને પવિત્ર માનીને પફ, પાઉડર, અત્તરથી સુગંધીદાર બનાવીને કામી પુરુષો તેના વખાણ કરે તે અવિદ્યાનો બીજો દોષ.
વિષયસુખ દુ:ખરૂપ છે, તેમાં સુખબુદ્ધિ થાય, સુખમય દેખાય તે અવિદ્યાનો ત્રીજો દોષ.
દેહ અનાત્મ છે, તેને આત્મસ્વરૂપ માનવો, દેહના સુખે સુખી થવું તે અવિદ્યાનો ચોથો દોષ.
જ્યાં પાણીની છાંટ નથી તેવા સૂકા સહારાના રણમાં ઝાંઝવાના નીર જળ બમ્બાકાર દેખાય તે અવિદ્યા.
જે ખરેખર છે, તે દેખાય નહી અગર નથી એવું દેખાય, અને જે ખરેખર નથી તે ખરેખર સાચું દેખાય તેનું નામ અવિદ્યા.
ब्रह्म सत्यं - બ્રહ્મ ખરેખર છે, તે દેખાય જ નહી અને જગત મિથ્યા છે તે ખરેખર સત્ય દેખાય તેનું નામ અવિદ્યા.