પરંતુ કેટલાક ક્રિયમાણ કર્મ એવા હોય છે કે તે કર્મ કરતાંની સાથે તાત્કાલિક ફળ આપતા નથી. તેનું ફળ મળતા વાર લાગે છે. અને કર્મના ફળને પાકતા વાર લાગે, ત્યાં સુધી તે કાચા રહે છે અને કર્મ ફળ આપે નહિ ત્યાં સુધી સિલકમાં જમા રહે, સંચિત થાય છે, તેને સંચિત કર્મ કહેવાય. દાખલા તરીકે
- તમે આજે પરીક્ષાનું પેપર લખ્યું, મહિના પછી તેનું પરિણામ બહાર પડે.
- તમે સવારે રેચ લીધો, ચાર કલાક પછી બપોરે તમને રેચ લાગે.
- તમે આજે કોઈને ગાળ દીધી, દસ દિવસ પછી લાગ જોઈને તે તમને લાફો મારી જાય.
- તમે તમારી જુવાનીમાં તમારા માબાપને દુઃખી કર્યા, તમને તમારો દીકરો તમારી વૃદ્ધાવસ્થામાં દુઃખી કરે.
- તમે આ જન્મમાં સંગીતવિદ્યાની ઉપાસના માટે મહેનત કરી, આવતા જન્મમાં નાનપણથી જ તમે સારું સંગીત ગાઈ શકો.
એમ કેટલાક ક્રિયમાણ કર્મો તાત્કાલિક ફળ આપતા નથી, પરંતુ કાળે કરીને પાકે ત્યારે ફળ આપે, ત્યાં સુધી તે સંચિત કર્મમાં જમા પડયા રહે.
બાજરી નેવું દિવસે પાકે, ઘઉં ૧૨૦ દિવસે પાકે, આંબો પાંચ વર્ષે ફળ આપે, રાયણ દસ વર્ષે ફળ આપે - જે જાતના ક્રિયમાણ કર્મના બીજ, તે પ્રકારે તેને ફળતા ઓછીવત્તી વાર લાગે. આવા અનેક સંચિત કર્મો જીવની પાછળ પડયા છે.
દાખલા તરીકે, આજે આખા દિવસમાં ધારો કે તમે ૧૦૦૦ ક્રિયમાણ કર્મ કર્યા, તેમાંથી ૯૦૦ ક્રિયમાણ કર્મો એવા હોય કે જે તાત્કાલિક ફળ આપીને તરત જ શાંત થઇ જાય છે, પરંતુ ૧૦૦ કર્મો એવા હોય છે કે જેને ફળતા વાર લાગે, તે સંચિત કર્મમાં જમા થાય. એવી રીતે આજે ૧૦૦ કર્મો સંચિત થયા. આવતી કાલે બીજા ૧૨૫ કર્મ સંચિતમાં જમા થાય, પરમ દિવસે તેમાંથી ૭૫ કર્મ ફળે - વપરાય અને શાંત થાય. ચોથે દિવસે વળી બીજા ૮૦ કર્મ સંચિતમાં જમા થાય. એ પ્રમાણે ભરઢોળ કરતા કરતા અઠવાડિયાના અંતે ધારો કે ૩૦૦ સંચિત કર્મ થાય અને મહિનાની આખરે ૧૧૦૦ કર્મ સંચિત થાય અને વર્ષની આખરે ૧૪૦૦૦ કર્મ સંચિતમાં જમા થાય અને જીવનના અંતે ધારો કે ૮ લાખ કર્મ સંચિત થાય. બીજા જન્મમાં, પાછા બીજા સાત લાખ કર્મ સંચિત થાય.
તે પ્રમાણે અનાદિકાળથી અનેક જન્મના અસંખ્ય સંચિત કર્મના ઢગલા, અસંખ્ય કરોડો હિમાલય પર્વત ભરાય તેટલા સંચિત કર્મોના ઢગલા, જીવની પાછળ જમા થયેલા પડેલા છે. આ તમામ સંચિત કર્મો આ જન્મે, અગર તો હવે પછીના અનંતકાળ સુધીના અનેક જન્મોમાં, ગમે ત્યારે પાકે અને તમે તે કર્મોને ભોગવો, ત્યાર પછી જ તે શાંત થાય, ન ભોગવો ત્યાં સુધી શાંત થાય નહિ. જીવ જો સાવધાનીથી ગંભીરતાપૂર્વક આની કલ્પના કરે તો ધ્રુજી ઉઠે, પરંતુ અવિદ્યાથી ઘેરાયેલો જીવ આની કદાપિ કલ્પના કરતો જ નથી.
રાજા દશરથથી જયારે શ્રવણનો વધ થયો ત્યારે તેના વિરહથી મરતાં મરતાં તેના માબાપે રાજા દશરથને શાપ દીધો કે તારું મૃત્યુ પણ તારા પુત્રના વિરહથી થશે. તે વખતે રાજાને તો એક પણ પુત્ર નહોતો, એટલે આ ક્રિયમાણ કર્મ ફળ આપીને શાંત થઇ શક્યું નહિ. પરંતુ તે સંચિત કર્મમાં જમા થયું. કાળે કરીને રાજાને એકને બદલે ચાર પુત્ર થયા; તે મોટા થયા; પરણાવ્યા અને જયારે રામના રાજ્યાભિષેકનો દિવસ આવ્યો તે વખતે, પેલું સંચિત કર્મ ફળ આપવા તત્પર થયું અને આવા શુભ દિવસે પણ દશરથ રાજાને મૃત્યુનું ફળ પ્રાપ્ત કરાવીને જ શાંત થયું. તેમાં ઘડીભરનો પણ વિલંબ ચલાવી લેવાયો નહિ.
ખુદ ભગવાન રામ પણ તેમના પોતાના પિતાને ઓછામાં ઓછા ચૌદ વર્ષ પૂરતું પણ જીવતદાન આપી શક્યા નહિ. (Extension આપ્યું નહિ) તેમની પણ લાગવગ કે શેહશરમ કાળની આગળ નભી શકી નહિ. જે શુદ્ધ ચૈતન્ય પરાત્પર બ્રહ્મ પોતે સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર પધાર્યા તે રામ, જેમના ચરણની રજના સ્પર્શ માત્રથી જે શલ્યાને અહલ્યા બનાવી શકે - જેની ચરણરજના સ્પર્શ માત્રથી પથ્થરને જીવતદાન મળી શકે, તે પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રીરામ જો પોતાના પિતાનું આયુષ્ય માત્ર ચૌદ વરસ માટે જ લંબાવી આપે – Extension આપે તો તેમાં કોણ વાંધો લેવાનું હતું? અને શું વાંધો પડી જવાનો હતો? પણ ના, કર્મના કાયદાનું ચુસ્ત પાલન કરવામાં કોઈ લાગવગશાહી ચાલે જ નહિ, એટલે ખુદા કે ઘર અંધેર નહિ હૈ, એટલું જ નહિ પણ દેર ભી નહિ હૈ. તેવો કર્મનો જડબેસલાક કાયદો છે.
રાજા ધૃતરાષ્ટ્રના સો પુત્રો એકસામટા મરી ગયા ત્યારે રાજાએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું: “મારા જીવનમાં મેં કોઈ એવું પાપ કર્યું નથી કે જેના ફળસ્વરૂપે મારા એકસામટા સો પુત્રો મરી જાય.” ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેમને પાછલા જન્મો જોઈ જવા માટે દ્રષ્ટિ આપી ત્યારે તેણે જોયું કે આશરે ૫૦ જન્મ પહેલા તે એક પારધી હતો અને વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓને પકડવા તેણે સળગતી જાળ એક વૃક્ષ ઉપર નાખી. તેમાંથી બચવા કેટલાક પક્ષીઓ ઉડી ગયા, પરંતુ તે સળગતી જાળની ગરમીથી તેઓ આંધળા થઇ ગયા અને બાકીના સો નાના પક્ષીઓ બળીને ખાખ થઇ ગયા. આ ક્રિયમાણ કર્મ પચાસ જન્મ સુધી સંચિત કર્મમાં પાક્યા વગર પડી રહ્યું અને જયારે રાજાના બીજા સઘળા પુણ્યના પરિણામે તેમને આ જન્મમાં સો પુત્ર પ્રાપ્ત થયા ત્યારે તે સંચિત કર્મ ફળ આપવા તત્પર થયું. તેથી તેને આ જીવનમાં અંધાપો આવ્યો અને તેના સો પુત્ર પણ મર્યા. પચાસ જન્મ પછી પણ તેના ક્રિયમાણ કર્મે તેનો છાલ છોડયો નહિ. સો પુત્રો પ્રાપ્ત થાય તેટલું પુણ્ય પેદા થાય ત્યાં સુધી તે કર્મ રાહ જોઈને બેસી રહ્યું. સંચિતમાં જમા પડી રહ્યું અને બરાબર લાગ આવ્યો તે વખતે તત્કાલ જરા પણ વિલંબ વગર ફળ આપીને શાંત થયું. ખુદા કે ઘર અંધેર ભી નહિ હૈ ઔર દેર ભી નહિ હૈ.
કોઈ એક માણસની પાસેથી તમે પાંચસો રૂપિયા માંગતા હો, તે તમને ના આપે તો તમે દીવાની કોર્ટમાં દાવો કરો. કોર્ટ તેની સામે રૂપિયા પાંચસો વસુલ કરવાનું હુકમનામું કરી આપે અને બેલીફ વોરંટ બજાવવા જાય, તેમ છતાં કરજદાર પાસે બિલકુલ પૈસા હોય જ નહિ, તો બેલીફ હુકમનામાનું વોરંટ બજાવીને વસૂલાત શામાંથી કરી શકે? થોડા વર્ષ પછી પેલો કરજદાર કંઈક બીજા ધંધા કરીને હજારેક રૂપિયા કમાઈ લે કે તુરત બેલીફ હુકમનામાનું વોરંટ બજાવીને તેની પાસેથી પાંચસો રૂપિયા વસૂલ કરી જ લે, છોડે નહિ. બસ, એ જ રીતે ક્રિયમાણ કર્મનું ફળ કદાચ તાત્કાલિક ના અપાવી શકાય તો તેવા કર્મ સંચિત કર્મમાં જમા પડી રહે અને ભવિષ્યમાં જયારે બરાબર લાગ આવે તે વખતે તે પાકે અને ફળ અપાવીને જ શાંત થાય.
આ પ્રમાણે ક્રિયમાણ કર્મ જે ફળ આપીને શાંત થયા નથી તે ‘સંચિત કર્મ’ કહેવાય.