સંચિત કર્મ પાકીને ફળ આપવાને તૈયાર થાય તેને 'પ્રારબ્ધ કર્મ' કહેવાય.
અનાદિકાળથી જન્મજન્માંતરના સંચિત કર્મોના અસંખ્ય કરોડો હિમાલયો ભરાય તેટલા ઢગલા જીવની પાછળ જમા થયેલા પડયા છે. તેમાંથી જે સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થાય તેવા પ્રારબ્ધ-કર્મોને ભોગવવાને અનુરૂપ શરીર જીવને પ્રાપ્ત થાય અને તે શરીરકાળ દરમિયાન તે પ્રમાણે પ્રારબ્ધકર્મ ભોગવ્યા પછી જ દેહ પડે. પ્રારબ્ધકર્મને ભોગવવાને અનુરૂપ દેહ-આરોગ્ય, સ્ત્રી-પુત્રાદિક, સુખ-દુઃખ વગેરે તે જીવનકાળ દરમિયાન જીવને આવી મળે અને તે પ્રારબ્ધકર્મ પૂરેપૂરા ભોગવ્યા સિવાય દેહનો છૂટકારો થાય નહિ.
ઘડપણમાં લકવો થાય અને દસ વરસ સુધી ખાટલામાં પડયા પડયા ગંધાય અને “હે ભગવાન! હવે મારો ક્યારે છૂટકારો થશે? મારુ પાનિયું ક્યારે નીકળશે?” એમ અનેકવાર બકવાટ કર્યા કરે તો પણ જ્યાં સુધી પૂરેપૂરા પ્રારબ્ધ કર્મ ભોગવી રહે નહિ, ત્યાં સુધી તે દેહ છૂટે નહિ અને પ્રારબ્ધકર્મ ભોગવીને સમાપ્ત થયા પછી છોકરો મોઢામાં પાણી રેડે તો નાકે થઈને નીકળી જાય, પરંતુ એક ટીપું પાણી પીવા કે એક પણ વધારાનો શ્વાસ લેવા જીવ ઉભો ના રહે. દેહ તુરત જ છૂટી જાય અને પછી જે બીજા સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થયા હોય તે પ્રારબ્ધ કર્મના ફળ ભોગવવાને અનુકૂળ એવો બીજો દેહ જીવ ધારણ કરે અને તેને અનુરૂપ માતા-પિતા, સ્ત્રી, પુત્રાદિક તેને મળે અને તે જીવનકાળ દરમિયાન તે જીવનમાં ભોગવવાના તમામ પ્રારબ્ધકર્મો ભોગવીને છૂટે. એમ જીવ વારંવાર જન્મમરણના ચક્કરમાં ભમ્યા જ કરે છે.
આમ અનાદિકાળથી અનેક જન્મજન્માંતરના જમા થયેલા સંચિતકર્મો પાકીને ફળ આપવા પ્રારબ્ધરૂપ તૈયાર થતા જાય, તેમ તે અનંતકાળ સુધી જુદા જુદા દેહ ધારણ કરતો જ રહે અને જ્યાં સુધી દેહ ધારણ કરવા પડે, ત્યાં સુધી તેને મોક્ષ થયેલો ના ગણાય. એ હિસાબે શ્રી શંકરાચાર્યજી કહે છે તેમ
પુનરપિ જનનં પુનરપિ મરણં, પુનરપિ જનની જઠરે શયનં |
ઈહ સંસારે ખલું દુસ્તારે, કૃપયા પારે પાહિ મુરારે ||
(ચર્પટ પંજરિકા સ્તોત્ર - ૧૮)
અનેક યોનીઓમા જીવ ભટક્યા જ કરે - ભટક્યા જ કરે. નવા ક્રિયમાણ કર્મો કર્યા જ કરે. તેમાંથી અનેક સંચિતકર્મો જમા થયા જ કરે, તે કાળે કરીને પાકીને ફળ આપવા તૈયાર થઈને પ્રારબ્ધરૂપે જીવની સામે આવીને ઉભા જ રહે અને અનંતકાળ સુધી જીવનો મોક્ષ થવા દે જ નહિ એટલે સંસાર-સાગર દુસ્તર ગણાયો છે.