Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

કર્મનો સિદ્ધાંત

૩૬ (૪). મારે કર્મ પણ કરવું નથી અને ફળ પણ (જોઈતું) ભોગવવું નથી.

આ તો નરાતાર ઊંધાઈ અને અવળચંડાઈ જ કહેવાય - એટલે ભગવાને ચોથી આજ્ઞા કરી તે સાંભળો.  

મા તે સઙ્ગોઽસ્તુ અકર્મણિ

તારો અકર્મમાં સંગ ના થશો. કર્મનો સદંતર ત્યાગ થઇ શકે જ નહિ. નાનો છોકરો કહે કે હું નિશાળે નહિ જાઉં, મારે ભણવું પણ નથી અને ખાવું પણ નથી, તો માં-બાપ અકળાઈ ઉઠે. મારે નોકરી પણ નથી કરવી અને પગાર પણ નથી જોઈતો. મારે વેપાર પણ કરવો નથી અને નફો પણ જોઈતો નથી. આવી વાહિયાત વાતો ના ચાલે. સુથાર કહે કે મારે સુથારીકામ નથી કરવું અને મજૂરી પણ નથી જોઈતી. કડિયો, મજુર, મોચી, દરજી બધા જ એમ કહે કે અમારે કામ પણ કરવું નથી અને મજૂરીના પૈસા પણ જોઈતા નથી તો આખો સમાજ મુશ્કેલીમાં મૂકાઈ જય અને અરાજકતા, અંધાધુંધી જ ફેલાય તથા પ્રમાદ-આળસ-તમોગુણનું જોર વધી જાય.

ભગવાને એટલા માટે કહ્યું કે -

નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જ્યાયો હ્યકર્મણઃ ।

શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદકર્મણઃ ॥

(શ્રીમદ્ ભગવદ્દગીતા - ૩/૮)

તારે તારું નિયત કર્મ કરવું જ પડશે અને તેમ નહિ કરે તો તારી શરીરયાત્રા પણ અટકી પડશે. કર્મનો સદંતર ત્યાગ કરવો તે વ્યક્તિને માટે તેમ જ આખા સમાજને માટે ખતરનાક નીવડે છે.

ભગવાન કહે છે કે આ સંસારમાં અને ત્રણે લોકમાં મારે કાંઈ પણ કર્તવ્ય બાકી નથી. મારે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની કે છોડવાની નથી. રાગ અગર ત્યાગ - બંનેથી હું સદા મુક્ત છું. હું સદા તૃપ્ત અને આપ્તકામ છું- કૃતકૃત્ય છું. તેમ છતાં હું સદા કર્મ કરતો રહુ છું. હું જે અર્જુનના સારથિનું કામ કરું છું, તેથી મને કાંઈ મળવાનું નથી. હું જે કામ કરું છું તે કરું અગર ના કરું તો પણ મારા આનંદમાં કાંઈ ન્યૂનાધિકતા થવાની નથી, તેમ છતાં લોકસંગ્રહને દ્રષ્ટિમાં રાખીને જ હું કામ કરું છું, કારણ કે હું ભગવાન શંકરની પૂજા ના કરું તો મારી પૂજા પણ કોઈ ના કરે. જો ભગવાન શ્રીકૃષ્ણ સ્નાન, દેવપૂજા, આદિ ના કરે તો જગતના લોકો પણ તેવા કર્મોથી વિમુખ થઇ જાય.

ભગવાન આ ગીતામાં સ્પષ્ટ રીતે કહે છે કે,

ન મે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિઞ્ચન ।

નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ ॥

યદિ હ્યહં ન વર્તેયં જાતુ કર્મણ્યતન્દ્રિતઃ ।

મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ॥

(શ્રીમદ્ ભગવદ્દગીતા - ૩/૨૨-૨૩)

મહાભારતનું યુદ્ધ કૌરવો-પાંડવો વચ્ચે કુરુક્ષેત્રમાં લડાયું. તે વખતે ભગવાન દ્વારકામાં બેઠા બેઠા આરામ કરતા હોત અને મોજ-મજા ઉડાવતા હોત તો શું વાંધો હતો? પાંડવો જીતે તો શ્રીકૃષ્ણને કોઈ ગામડાનો ગરાશ કે બીજું કાંઈ ઇનામ નહોતું મળવાનું, અને કૌરવો જીતે તો ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકાની ગાદીને કોઈ વાંધો આવવાનો હતો. તો પછી ભગવાન શ્રીકૃષ્ણ શા માટે નાહકની ઉપાધિમાં પડે અને દ્વારકાથી છેક કુરુક્ષેત્ર સુધી લાંબા થાય? દ્વારકામાં બેઠા બેઠા આરામ ના કરે? પણ ના, જયારે ધર્મયુદ્ધ ખેલાતું હોય ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ જેવો યોગેશ્વર અને કર્મયોગી જોઈ ના રહે. કોટી બ્રહ્માંડનો માલિક દેવ અર્જુનના રથના ઘોડાની લગામો એક હાથમાં લઈ અને બીજા હાથમાં ચાબુક લઈ રથ હાંકવા બેઠો. અર્જુનની ખાસદારી કીધી.

ખાસદારી કીધી ખાસદારી,

દેવાધિદેવે ઉમંગ ધારી - કીધી ખાસદારી

તીર અશ્વોના અંગેથી કાઢી, પાણી લાવીને ખુબ નવાડી

ખરેરાથી ઘા દીધા મટાડી, ડોલો ભરી પાયું મિષ્ટ વારિ - કીધી ખાસદારી.

આ યુદ્ધના મેદાનમાં આખો દિવસ લડાઈ લડીને થાકેલો અર્જુન જયારે આરામ કરતો હોતો ત્યારે જગતનો માલિક દેવ શ્રીકૃષ્ણ આખી રાત મજૂરી કરે, ઘોડાઓનાં શરીરમાં ભોંકાઇ ગયેલા બાણોને સાચવીને બહાર કાઢે, ગરમ પાણીથી ઘોડાઓનાં ઘા ધોઈને તેમને ખરેરો કરીને નવડાવે અને પછી ઘોડાઓને ઠંડુ મીઠું પાણી પાઈને તેમનો થાક ઉતારે. પછી આ જગતનો માલિક દેવ પોતાના પીતામ્બરનો તોબરો કરીને તેમાં ઘોડાઓને ચંદી ખવડાવે.

આ યોગેશ્વર અને મહાન કર્મયોગી શ્રીકૃષ્ણ જગતને- સમાજને આજ્ઞા કરે છે કે –

યોગસ્થઃ કુરુ કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા ધનઞ્જય ।

સિદ્ધ્યસિદ્ધ્યોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ॥

(શ્રીમદ્ ભગવદ્દગીતા - ૨/૪૮)

યોગસ્થ થઈને તું કર્મ કર. ફળની આસક્તિ છોડીને તું કર્મ કર અને કર્મનું ફળ તારી ધારણા મુજબનું સિદ્ધ થાય કે ના થાય તેની ચિંતા છોડીને મનની સ્થિરતા ટકાવી રાખવા તું તારી મેળે નિષ્કામ ભાવથી કર્મ કર્યા જ કર. કારણ કે મનની સ્થિરતા - સમત્વ ટકે રહે તેનું જ નામ યોગ કહેવાય છે.

સમત્વમ યોગ ઉચ્યતે |

યોગ એટલે સમત્વ એવી અલૌકિક વ્યાખ્યા પરમાત્માએ જગતને અને સમાજને આપી છે. તેને બરાબર સમજી લેવી જોઈએ.

યોગ એટલે શું?