Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

કર્મનો સિદ્ધાંત

૩૬. (૫) યોગ એટલે શું?

અભણ માણસો યોગ એટલે શું તે ના સમજે તે તો જાણે ઠીક પરંતુ ઘણા કહેવાતા ભણેલાઓ પણ 'યોગ' શબ્દ સાંભળીને ભડકે છે. 'યોગ' શબ્દનો અર્થ ઘણા વિદ્વાનોએ અને પંડિતોએ પોતપોતાની બુદ્ધિ અનુસાર જુદી જુદી રીતે કરેલો છે. પરંતુ યોગ જો જીવનમાં પૂરેપૂરો વણાઈ ના જાય અને જીવનવ્યવહારમાં દરેક ક્ષેત્રે જો યોગનો ઉપયોગ ના થાય તો તેવા યોગના અર્થની સર્વસામાન્ય માણસને માટે કશી જ કિંમત ના રહે.

ભગવદ્દ ગીતા યોગશાસ્ત્ર કહેવાય છે. તેમાં જીવન જીવવાનો આખો નકશો આપેલો છે. એકે-એક માણસ તેના જીવનની એક-એક ક્ષણે યોગ સાધી શકે તો જ યોગની કિંમત ગણાય. બાકી માત્ર પંડિતો અને વિદ્વાનો જ યોગનો અર્થ તેમના ભાષણોમાં કરતા ફરે, અગર તો સાધુ-સંન્યાસીઓ જંગલમાં જઈને એકલા બેઠા યોગ સાધી શકે એવો જ જો યોગનો અર્થ થતો હોય તો એવો યોગ આપણા જેવા સર્વસામાન્ય માણસ માટે નકામો છે.

એક મિલમજૂર કે એક મિલમાલિક, એક લારી ફેરવનારો કે એક ગાડી ફેરવનારો, એક શેઠ કે એક ગુમાસ્તો, એક પટાવાળો કે એક કલેક્ટર અગર તો કોઈ ઘાંચી, મોચી, ગોળો, કુંભાર, દરજી, વેપારી કે નોકરિયાત એવા સમાજના એક એક સ્તરનો દરેક માણસ તેના જીવનમાં દરેકે - દરેક ક્ષણે - ખાતાં-પીતાં, ઉઠતા-બેસતા, નહાતાં-ધોતા, નોકરી-ધંધો, વેપાર કરતા કરતા, સતત ચોવીસે કલાક યોગ કરી શકે એવો જીવનઉપયોગી યોગનો વ્યવહારિક અર્થ બરાબર સમજાવો જોઈએ.

ઘણા કહેવાતા ભણેલાઓ અને મોટા માણસો યોગ શબ્દ સાંભળીને ભડકે છે. તેઓ કહે છે કે, "ના ભાઈ'સાબ, યોગ અમે ના કરી શકીએ, કારણકે યોગ કરવા માટે અમને જરાયે ફુરસદ નથી. આખો દિવસ નોકરી-ધંધો-વેપારમાંથી ઊંચા આવતા નથી, ત્યાં યોગ ક્યારે કરીએ?"

સવારમાં ઉઠયો ત્યાં તો બૈરાં-છોકરા માંદા-સાજા હોય, તેમને દવાખાને લઇ જવા, લાવવા, રેશનિંગની દુકાને લાઈનોમાં ઉભા રહેવાનું, નોકરી-ધંધામાંથી સાંજે ઘેર થાક્યા-પાક્યા આવીએ ત્યાં વેવાઈ-વેવાણો, સગાવ્હાલાઓની અનેક જાતની વ્યવહારિક ઉપાધિઓમા વગેરેમાંથી ઊંચા જ આવતા નથી ત્યાં યોગ કરવાની ફુરસદ ક્યાં કાઢવી?

યોગનો સાચો અને વ્યવહારુ અર્થ આ લોકો સમજ્યા જ લાગતા નથી. તેઓએ તો અવારનવાર કથા-વાર્તામાં કોઈ વખત, ક્યારેક ગયા હોય ત્યાં ધંધાદારી પંડિતો, કથાકારો પાસેથી એવું જોયું કે સાંભળ્યું હોય છે કે યોગ એટલે ચાર-ચાર કલાક નાક દબાવીને બેસી રહેવું - અગર તો ઝાડની ડાળી ઉપર ટાંટિયા બઝાડીને ઊંધે મસ્તકે લટકવું, અગર તો ભોંયમાં માથું ઘાલીને પેસી રહેવું, અગર તો ધૂણી ધખાવીને રાખ ચોળીને બેસી રહેવું. તે યોગ કહેવાતો હશે. આ જાતના યોગ કરવાની તેમને ફુરસદ નથી. યોગનો સરળ, સાદો અને દરેકને સુલભ એવો અર્થ ભગવાને ગીતામાં સમજાવ્યો છે.

યોગ: કર્મસુ કૌશલમ