Srimad Bhagavad Gita Bhavarth - Karma Yog, Bhakti Yog, Gyan Yog - Shri Hirabhai Thakkar

ગીતા નવનીત

૧. ગીતાનો કર્મયોગ

મહાભારતમાં ૧૮ પર્વ છે. તેમાંના ભીષ્મપર્વના અધ્યાય ૨૫ થી ૪૨ (૧૮ અધ્યાય) શ્રીમદ્ ભગવદગીતા નામે પ્રસિદ્ધ છે. ભગવદગીતાને 'અર્જુન ગીતા' અથવા 'પાર્થ ગીતા' પણ કહેવાય છે.

શ્રીમદ્ ભાગવત પુરાણના એકાદશ સ્કંધના અધ્યાય ૭ થી ૩૦ (૨૪ અધ્યાય) 'ઉદ્ધવ ગીતા'ને નામે પ્રસિદ્ધ છે.

ભગવદગીતા (અર્જુન ગીતા) મહાભારતનો ભાગ છે, જયારે ઉઘ્ધવગીતા શ્રીમદ્ ભાગવતપુરાણનો ભાગ છે. બંને ગીતાઓમાં વક્તા શ્રીકૃષ્ણ એક જ છે. પરંતુ શ્રોતાઓ અનુક્રમે અર્જુન અને ઉદ્ધવજી છે.

ભગવદ્દગીતા (અર્જુનગીતા) લડાઈના રણમેદાન ઉપર બોલાયેલી છે તેથી તે ટૂંકાણમાં બોલાયેલી હોવાથી તેમાં માત્ર ૧૮ અધ્યાય છે, જયારે ઉઘ્ધવગીતા દ્વારકાના રાજમહેલમાં નિરાંતે લંબાણથી બોલાયેલી હોવાથી તેમાં ૨૪ અધ્યાય છે. તેમ છતાં બંને ગીતાઓમાં વાત એક સરખી જ છે અને તે બંનેમાં તમામ ઉપનિષદોનો સાર વ્યાસનારાયણે ગાગરમાં સાગરની માફક ભરી દીધો છે.

ભગવદ્દગીતામાં (અર્જુન ગીતામાં) સ્થિતપ્રજ્ઞના લક્ષણો બતાવ્યા છે, જયારે ઉઘ્ધવગીતામાં તો સાક્ષાત સ્થિતપ્રજ્ઞ(દત્તાત્રેય)ના જ દર્શન કરાવ્યા છે.

બંને ગીતાઓમાં અર્જુન તથા ઉદ્ધવ, અર્જુનનો વિષાદયોગ, સાંખ્યયોગ, કર્મયોગ, ભક્તિયોગ, વિભૂતિયોગ, ગુનત્રયવિભાગયોગ, આત્મસંયમયોગ વગેરેનું લગભગ એક સરખું જ તલસ્પર્શી વિવેચન વ્યાસનારાયણે કરેલું છે.

શ્રીમદ્ ભગવદ્દગીતામાં (અર્જુનગીતામાં) ૧૮ અધ્યાય છે. તેમાં પહેલા છ અધ્યાયમાં (૧ થી ૬માં) મુખ્યત્વે કર્મયોગનું પ્રતિપાદન કરેલું છે, બીજા છ અધ્યાયમાં (૭ થી ૧૨માં) ભક્તિયોગનું અને આખરી છ અધ્યાયમાં (૧૩ થી ૧૮માં) જ્ઞાનયોગનું પ્રતિપાદન કરેલું છે. અને આ ત્રણેય યોગોનો સમન્વય કરેલો છે.

માણસ પોતાના પૂર્વજન્મોમાં સંચિત કરેલા સંસ્કારોને અનુરૂપ કર્મમાર્ગ, ભક્તિમાર્ગ અગર જ્ઞાનમાર્ગ ત્રણમાંથી ગમે તે એક માર્ગ પર ચાલવા માંડે તો આખરે આ ત્રણેય માર્ગો તેના ગંતવ્ય સ્થાન પર ભેગા થઇ જાય છે. માણસ હવાઈ (પ્લેન) માર્ગે જાય કે રેલવે માર્ગે જાય કે રોડ માર્ગે જાય પરંતુ દિલ્હી આગળ આ ત્રણેય માર્ગો ભેગા થઇ જાય છે.

માણસ ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી કે સેકન્ડ ક્લાસમાં અગર થર્ડ ક્લાસમાં મુસાફરી કરે તો પણ આ ત્રણેય ડબ્બા એક જ સમયે તેને દિલ્હી સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ઉતારી દે. તેમ છતાં કોઈ પણ વ્યક્તિ ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવાનો અધિકારી છે કે સેકન્ડ ક્લાસ અગર થર્ડ ક્લાસમાં મુસાફરી કરવાનો અધિકારી છે તેનો આધાર તેની પાસે કેટલી ધન-સંપત્તિ (પુણ્યઈ) છે તેની ઉપરથી નક્કી થઇ શકે.

એવી જ રીતે માણસ કર્મમાર્ગનો અધિકારી છે કે ભક્તિમાર્ગ અગર તો જ્ઞાનમાર્ગનો અધિકારી છે તે નક્કી કરવામાં તેના અનેક જન્મોનું વિજ્ઞાન પડેલું છે અને તે તેણે અનેક જન્મજન્માંતરમાં એકઠા કરેલા સંસ્કારો, વાસનાઓ, કામનાઓ ઉપર આધાર રાખે છે.

અર્જુનને સંન્યાસ લેવો હતો પરંતુ તે કર્મમાર્ગનો અધિકારી હોવાથી ભગવાને તેણે યુધ્ધમાં જોતરી દીધો. વિદુરજી ભક્તિમાર્ગના અધિકારી હોવાથી મહાભારતના યુદ્ધ વખતે યાત્રા કરવા ચાલ્યા ગયા, જયારે ઉદ્ધવજી જ્ઞાનમાર્ગના અધિકારી હોવાથી તેમને ભગવાને પોતાના અમોઘ દિવ્ય જ્ઞાનના વારસદાર ઠરાવ્યા.

વૈદ્ય દર્દીની નાડી તપાસીને તેની પ્રકૃતિ અનુસાર તેને પથ્ય પાળવાની સલાહ આપે છે. એક દર્દીને વૈદ્ય કહે છે કે તું માત્ર દહીં જ ખાજે. દહીં સિવાય બીજું કાંઈ પણ ખાતો નહીં. જયારે બીજા દર્દીને કહે છે કે તું બીજું બધું ખાtજે પરંતુ દહીં કદાપિ ખાતો નહી. એ જ પ્રમાણે પરમાત્મા, જેના હાથમાં તમામ જીવાત્માઓની નાડી છે, તે દરેક વ્યક્તિને તેની પ્રકૃતિ અનુસાર કર્મયોગ, ભક્તિયોગ અગર જ્ઞાનયોગમાં પ્રવૃત કરે છે.

મોટા ભાગે સામાન્ય માણસો કર્મમાર્ગના અધિકારી હોય છે, તેમને માટે કર્મયોગ જ શ્રેષ્ઠ એમ ભગવાને કહ્યું છે.

સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભૌ ।

તયોસ્તુ કર્મસંન્યાસાત્કર્મયોગો વિશિષ્યતે ॥

(ગીતા - ૫/૨)

કર્મમાર્ગ બહુ જ સરળ, સીધો, અને સુલભ માર્ગ છે. આ માર્ગ ઘણો જ પહોળો અને બિલકુલ ખાડા-ટેકરા અગર આડા-અવળા વળાંક વગરનો છે. કોઈ પણ ભણેલો અગર અભણ, જુવાન અગર વૃદ્ધ, લૂલો, લંગડો, આંધળો, બહેરો, મૂંગો તથા શ્રીમંત અગર ગરીબ, કલેક્ટર અગર પટાવાળો, શેઠ અગર ગુમાસ્તો, મિલમાલિક અગર મિલમજુર, લારીવાળો અગર ગાડીવાળો, અગર તો કોઈ પણ બ્રાહ્મણ, વાણિયો, ઘાંચી, મોચી, સુથાર, ગોલો, કુંભાર, સુથાર, દરજી, ભંગી વગેરે અગર તો કોઈ પણ સ્ત્રી અગર પુરુષ આ કર્મમાર્ગ ઉપર જીવનયાત્રા કરીને નિષ્કામ કર્મયોગ દ્વારા ભગવદ્દપ્રાપ્તિનો અધિકારી બની શકે છે.

ભક્તિમાર્ગ બહુજ સાંકડો માર્ગ છે. તેમાં સંસાર અને સર્વેશ્વર બંને એકી સાથે સમાઈ શકે તેમ નથી. જયારે જ્ઞાનમાર્ગ તો તલવારની ધાર ઉપર ચાલવા જેવો છે.

જ્ઞાનપંથ કૃપાણ કે ધારા (રામ ચરિત માનસ)

કર્મયોગમાં એક જ મુખ્ય નિયમ, 'હાથમેં કામ, મુખમેં રામ'

કામ કરતે રહો નામ જપતે રહો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો

પાપકી વાસનાઓ સે ડરતે રહો, મનકો વિષયો કે વિષસે હટાતે ચલો

નામ ધન કા ખજાના બઢાતે ચલો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો.

દેખના ઈંદ્રિયોકે ન ઘોડે ભગે, રાતદિન ઈનકો સંયમ કે કોડે લાગે

અપને રથ કો સુમાર્ગે ચલાતે ચલો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો.

સુખમે સોના નહીં દુઃખમેં રોના નહીં, મોત આવે તો ઉનસે ગભરાના નહીં

કર્મમાર્ગમે નિષ્કામ બઢતે ચલો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો

લોગ કહેતે હૈ ભગવાન આતે નહીં, દ્રૌપદીકી તરહ તુમ બુલાતે નહીં

ભક્ત પ્રહલાદ જૈસે પુકારા કરો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો

લોગ કહેતે હૈ ભગવાન ખાતે નહીં, શાક વિદુર જૈસા ખીલાતે નહીં

ભક્ત શબરી જૈસે તુમ ખિલાયા કરો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો

ચાહે કાશી ચલો ચાહે મથુરા ચલો, ચાહે ગોકુલ ચલો ચાહે અયોધ્યા ચલો

કર્મભક્તિ કે મારગમે બઢતે ચલો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો

ખ્યાલ આવેગા ઉનકો કભી ના કભી, ભક્ત પાવેગા ઉનકો કભી ના કભી

ઐસા વિશ્વાસ મનમેં જમાતે ચલો, કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો

કર્મયોગનો સિદ્ધાંત સનાતન છે, અનાદિ છે. ભગવાન કહે છે કે આ યોગ મેં પૂર્વે પ્રથમ સૂર્યને, વિવસ્વાનને કહેલો. વિવસ્વાને તે યોગ તેના પુત્ર મનુને કહ્યો અને મનુએ તેના પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો હતો. એ પ્રમાણે આ કર્મયોગ પરંપરાથી કહેવાતો આવ્યો છે તે યોગ ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ગીતામાં કહ્યો છે.

કર્મણૈવ હિ સંસિદ્ધિમાસ્થિતા જનકાદયઃ ।

લોકસઙ્ગ્રહમેવાપિ સમ્પશ્યન્કર્તુમર્હસિ ॥

(ગીતા - ૩/૨૦)

આ કર્મયોગનો આશ્રય કરીને જનકરાજા, મનુ, ઇક્ષ્વાકુ (જેઓ બધા ગૃહસ્થી હતા) વગેરે ઘણાએ પરમસિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. તેથી લોક કલ્યાણ માટે, લોક શિક્ષણ માટે પણ કર્મયોગમાં સતત પ્રવૃત રહેવું એવો પરમાત્માએ ગીતામાં આદેશ આપેલો છે.

ભગવાને સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપેલો છે કે:

નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જ્યાયો હ્યકર્મણઃ ।

શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદકર્મણઃ ॥

(ગીતા - ૩/૮)

પૂર્વકર્મજનિત પ્રારબ્ધવશાત જે કાંઈ કર્મ નિયત થયેલું હોય તે કર્મ પ્રત્યેક મનુષ્યે રાગદ્વેષથી પ્રેરાયા સિવાય, કર્તાપણાના અહંકારરહિત, સમષ્ટિના કલ્યાણ માટે, ઈશ્વરપ્રીત્યર્થે, નિષ્કામભાવથી જીવનકાળ દરમિયાન સતત કરતા જ રહેવું જોઈએ. કર્મને છોડી દે તે અક્કરમી કહેવાય.

નિષ્કામભાવથી કરેલું પ્રત્યેક કર્મ પરમાત્માની પૂજાનું પુષ્પ બની જાય, જેનાથી હૃદયમાં ભક્તિભાવ પ્રગટ થાય. ભક્તિ દ્વારા અંત:કરણની શુદ્ધિ થતા તેમાં જ્ઞાનનો પ્રકાશ અનાયાસે પડે જેનાથી માણસ પોતાના અસલ આત્મસ્વરૂપને (his original, eternal, immortal self) જાણી શકે અને આત્મજ્ઞાનની અનુભૂતિ કરી શકે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ જ, એક જ માનવજીવનનું પરમ ચરમ લક્ષ્ય છે.

આ કર્મયોગનો સિદ્ધાંત ગીતાના અધ્યાય ૧ થી ૬ માં બહુ જ વિસ્તૃત રીતે, અલૌકિક અને તલસ્પર્શી શૈલીમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવ્યો છે.

ગીતા સુગીતા કર્તવ્ય કિં અન્યૈ: શાસ્ત્રવિસ્તરે: |

ય સ્વયં પદમનાભસ્ય મુખપદમાત વીનિ:સૃતા ||

2. ગીતાનો ભક્તિયોગ