ગીતા નવનીત

૨. ગીતાનો ભક્તિયોગ

Srimad Bhagavad Gita Bhavarth - Karma Yog, Bhakti Yog, Gyan Yog - Shri Hirabhai Thakkar

ભગવદ્ ગીતામાં ૧૮ અધ્યાય છે. તેમાં પ્રથમના છ અધ્યાયમાં (અ. ૧ થી ૬) મોટે ભાગે કર્મયોગની મીમાંસા છે. વચલા છ અધ્યાયમાં (અ. ૭ થી ૧૨) ઉપાસના(ભક્તિયોગ)ની મીમાંસા છે અને છેલ્લા ત્રણ અધ્યાયમાં (અ. ૧૩ થી ૧૮) જ્ઞાનયોગની મીમાંસા છે. આ પ્રમાણે આખી ભગવદ્ ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગના (એટલે કે ત્રણેય વેદોનો) સમન્વય છે.

માનવજીવનમાં પણ પ્રત્યેક ક્રિયામાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સમન્વય હોય તો જ આખું માનવજીવન સાર્થક બને.

તેમાં પણ ભક્તિયોગનું મહત્ત્વ વિશેષ છે. કારણ કે કર્મયોગ અને જ્ઞાનયોગ બંનેમાં ભક્તિયોગ અનુસ્યુત છે તે ભક્તિયોગની વિશેષતા છે. ભક્તિ વગરનું કર્મ પણ નકામું અને જ્ઞાન પણ નકામું. આખી જિંદગી માણસ કર્મ જ કર્યા કરે પરંતુ તેમાં તે કર્મ પ્રત્યેનો નિષ્કામ ભક્તિ ભાવ (devotion) ના હોય તો તે માત્ર ગદ્ધાવૈતરું જ ગણાય અને તેનાથી પાપના પોટલાં જ બાંધ્યા કરે. તે જ પ્રમાણે માણસ આખી જિંદગી માત્ર જ્ઞાનયોગની જ ચર્ચા કરે પરંતુ તેમાં પરમાત્મા પ્રત્યેનો ભક્તિભાવ (devotion) ના હોય તો તે માત્ર કોરોધાકોર શુષ્ક વેદાંતી જ બની જાય અને બૈરાંછોકરાંને રઝળાવી મારે તથા સંસારને બોજારૂપ બની જાય.

ભક્તિની ભીંજાશમાં ભીંજવ્યા વગર કોરાધાકોર અંતઃકરણના પટમાં (કપડામાં) માત્ર જ્ઞાનયોગનો સાબુ જ ઘસ્યા કરે તો તે કપડાના (અંતઃકરણના પટના) ચીંદરડા ઉડી જાય અને માણસ શુષ્ક વેદાંતી વેદિયો બની જાય તેવી જ રીતે ભક્તિની ભીનાશમાં ભીંજવ્યા વગર કોરાધાકોર અંતઃકરણના પટ ઉપર (કપડાં ઉપર) માત્ર કર્મયોગના ધોકા માર્યા કરે તો તે કપડું ફાટી જાય. અંતઃકરણના પટને પ્રથમ ભક્તિની ભીનાશમાં ભીંજવીને, તેમાં જ્ઞાનયોગ રૂપી સાબુ ઘસો અને પછી તેની ઉપર કર્મયોગના ધોકા પડે ત્યારે જ તે અંતઃકરણનું પટ શુદ્ધ થાય અને જયારે અંતઃકરણ અત્યંત શુદ્ધ (transparent) થાય ત્યારે જ તેમાં આત્મસ્વરૂપનું દર્શન થાય અને ત્યારે જ જીવાત્મા કૃત્કૃત્યતાનો અનુભવ કરી શકે.

નિષ્કામ કર્મ એટલે જ ભક્તિ. જયારે માણસનું એકેએક નિષ્કામ કર્મ પરમાત્માની પૂજાનું પુષ્પ બની જાય ત્યારે તે કર્મ અનાયાસે ભક્તિમાં પરિણીત (transform) થઇ જાય અને ત્યારે તેનું અંતઃકરણ વિશુદ્ધ (transparent) થઇ જાય. અંતઃકરણના પટ ઉપર પડેલા જન્મજન્માંતરના કામનાના - વાસનાના અને રાગદ્વેષના ડાઘા, ઓઘરાળા, લપેડા ભક્તિની ભીનાશથી સંપૂર્ણપણે નષ્ટ થતાની સાથે જ વિશુદ્ધ (transparent) થયેલ અંતઃકરણમાં જ્ઞાનનો પ્રકાશ ઝળહળ ઝગારા મારે અને તેના પ્રકાશમાં માણસને પોતાના આત્માનું દર્શન - આત્માનુભૂતિ થયા સિવાય રહે નહિ.

ભક્તના લક્ષણો ગીતાના બારમા અધ્યાયના છેલ્લા આઠ શ્લોકોમાં આપેલા છે તેને અમૃતાષ્ટક કહેવામાં આવે છે. આ લક્ષણો જે માણસમાં આવી જાય તેનામાં બીજા અધ્યાયમાં આપેલા સ્થિતપ્રજ્ઞના લક્ષણો, તેરમા અધ્યાયમાં આપેલા જ્ઞાનીનાં લક્ષણો, ચૌદમા અધ્યાયમાં આપેલા ગુણાતીતના લક્ષણો અને સોળમા અધ્યાયમાં આપેલા અભિજાતના લક્ષણો આપોઆપ આવી જાય.

તેરમા અધ્યાયમાં આપેલા જ્ઞાનીનાં ૧૯ લક્ષણો પૈકી જ્ઞાનીનું મુખ્ય લક્ષણ ભગવાન બતાવે છે કે:

મયિ ચ અનન્ય યોગેન ભક્તિ: અવ્યભિચારિણી.

(મારામાં) પરમાત્મામાં અનન્ય ભાવથી અવ્યભિચારિણી ભક્તિ હોવી તે જ્ઞાનીનું મુખ્ય લક્ષણ છે. આવો જ્ઞાની ભક્ત જ સ્થિતપ્રજ્ઞ થઇ શકે, ગુણાતીત પણ થઇ શકે અને તે જ અભિજાત ગણાય.

આ પ્રમાણે ભક્તિનો, ભક્તનો અને ભગવાનનો મહિમા ગીતામાં ખુબ ખુબ ગવાયો છે અને રામાયણ, ભાગવત વગેરે ભક્તિગ્રંથોમાં અનેક પરમ ભક્તો (ભાગવતો)નો દ્રષ્ટાંતો આપીને ભક્તિમાર્ગને શ્રેષ્ઠ ગણાવ્યો છે.

૩. ગીતાનો જ્ઞાનયોગ