વેદાંત વિચાર

પ્રકરણ પહેલું : બ્રહ્મનું સ્વરૂપ

૫. બ્રહ્મ એટલે ચૈતન્યનો મહાસાગર

સાદી સરળ ભાષામાં બ્રહ્મનો ખ્યાલ આપવો હોય તો એમ કહી શકાય કે બ્રહ્મ એટલે ચૈતન્યનો મહાસાગર.

  • જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને સૂર્યનારાયણ આખા વિશ્વને પ્રકાશ આપે છે

  • જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને ચંદ્ર આખા વિશ્વના પ્રાણી, પદાર્થ, વનસ્પતિને અમૃતમય શીતળતા આપે છે

  • જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને તારાઓ, ગ્રહો, નક્ષત્રો, આકાશમાં અધ્ધર ટીંગાઈ રહ્યા છે

  • જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, પૃથ્વી વગેરે હજારો માઈલની ઝડપે આકાશમાં ઘૂમી રહ્યા છે

  • જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને પૃથ્વી તમામ પ્રાણી, પદાર્થો, નદીઓ, પર્વતોને ધારણ કરી શકે છે. અને વાયુ વાય છે

  • જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને અગ્નિ ગરમી આપી શકે છે

    તે અમોઘ ચૈતન્યનો મહાસાગર તેનું નામ બ્રહ્મ.

બ્રહ્મ એટલે ચૈતન્યનો ઓઘ.(Reservoir of all energies)

  • જે ચૈતન્યના પ્રભાવ વડે કરીને પ્રાણીના પ્રાણ ચાલુ રહે છે અને શ્વાસપ્રશ્વાસ લઇ શકે છે.

  • જે ચૈતન્યની શક્તિથી આંખો જોઈ શકે છે, વાણી બોલી શકે છે, જીભ સ્વાદ લઇ શકે છે, નાક ગંધ પારખી શકે છે, કાન સાંભળી શકે છે, સ્પર્શેન્દ્રિય સ્પર્શનો અનુભવ કરી શકે છે.

  • જે ચૈતન્યની શક્તિથી સમસ્ત વિશ્વનો અને અનેક કોટી બ્રહ્માંડોનો વ્યવહાર વ્યવસ્થિત રીતે ચાલે છે, સૂર્ય એક સેકંડના પણ વિલંબ વગર નિયમિત ઉગે છે અને આથમે છે.

સમગ્ર વિશ્વમાં અરે! કોટાનકોટી બ્રહ્માંડોમાં માત્ર એક બ્રહ્મનું જ ચૈતન્ય રચાયેલું છે. જેનાથી જગત છે એવી પ્રતીતિ થાય છે.

બ્રહ્મ એકલું માત્ર ચૈતન્ય જ નથી પરંતુ સત્ અને આનંદ એટલે કે સત્તારૂપ અને આનંદરૂપ પણ છે. જયારે ચૈતન્ય રૂપે તેનું રૂપ વધારે પ્રગટ થતું હોવાથી તેનો ચિત્ત એટલે કે ચૈતન્ય સ્વરૂપે ઉપરનો દાખલો આપ્યો છે. બ્રહ્મસૂત્રમાં તો બ્રહ્મનું સ્વરૂપ અગર લક્ષણ સમજાવતા શ્રુતિ ભગવતી કહે છે:

यतो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति।

यत् प्रायान्ति अभिसंविशन्ति तद् ब्रह्म।।

બ્રહ્મની સરખામણી કશાયની કે કોઈની સાથે થઇ શકે જ નહિ. જે સરખામણી કરવા જાઓ તે ટૂંકી જ પડે. તેમ છતાં બ્રહ્મનો કાંઈક ખ્યાલ આપવા માટે કોઈક સરખામણીનો આશરો લેવો પડે છે.

ઉપર જોયું તેમ બ્રહ્મ ચૈતન્યનો સાગર, ઓઘ (Reservoir of all energies) છે. બ્રહ્મને ઇલેક્ટ્રિસિટી પાવરહાઉસ સાથે સરખાવીએ તો જેમ પાવરહાઉસમાં ઉત્પન્ન(generate) થતી ઇલેક્ટ્રિસિટી (વીજળી) આખા શહેરમાં ઇલેક્ટ્રિકના ગોળાઓ, ટ્યૂબલાઈટોમાં પ્રકાશ કરે છે, તેવી જ રીતે બ્રહ્મમાં રહેલું ચૈતન્ય સમસ્ત બ્રહ્માંડોમાં ચૈતન્ય ફેલાવે છે. પાવરહાઉસમાંથી નીકળતો વીજળીનો ધોધ આખા શહેરના તમામ મકાનો, રસ્તાઓના ગોળા - ટ્યૂબલાઈટોમાં વહે છે. તેમાં કેટલાક ગોળા ૧૦૦૦ વોલ્ટના હોય છે, કેટલાક ૫૦૦ વોલ્ટના, ૧૦૦ વોલ્ટના, ૬૦ વોલ્ટના હોય છે. મોટા ભાગના ગોળા ૪૦ વોલ્ટના, ૨૫ વોલ્ટના હોય છે. જયારે કેટલાક ઝીરો લૅમ્પ પણ હોય છે. આ તમામ ગોળાઓમાં એક જ પાવરહાઉસમાંથી વીજળી આવે છે. એવી જ રીતે વિશ્વનાં તમામ જીવ, પ્રાણી, પદાર્થ માત્રમાં જે ચૈતન્ય દેખાય છે તેનું એક જ પાવરહાઉસ છે અને તે બ્રહ્મ છે. તેમાં કેટલાક વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, શ્રી અરવિંદ, રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ જેવા ૧૦૦૦ વોલ્ટના ગોળા હોય છે. જયારે કેટલાક મીરા, નરસિંહ, તુકારામ જેવા ૫૦૦, ૧૦૦ વોલ્ટના ગોળા હોય છે, મોટા ભાગના સામાન્ય જીવો ૪૦ વોલ્ટના પણ હોય છે. જયારે મારા-તમારા જેવા અસંખ્ય એવા ઝીરો લૅમ્પ પણ હોય છે. આ તમામ જીવોમાં એક જ ચૈતન્ય બ્રહ્મમાંથી રેલાય છે.

પાવરહાઉસમાંથી આવતી આ ઇલેક્ટ્રિસિટી(વીજળી)ને કોઈ રંગ, રૂપ, કે આકાર હોતો નથી, અને તેને કોઈ દેખાડી શકતું પણ નથી (પૂછી જોજો કોઈ B.E. થયેલા ઇલેક્ટ્રિશિયનને). આ ઇલેક્ટ્રિસિટી નિરાકાર છે, તેનો કોઈ આકાર નથી, તેની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ, જાડાઈ, વજન વગેરે કોઈ સ્થૂળ માપ (Magnitude) નથી. તે પ્રત્યક્ષ દેખાતી નથી, પરંતુ જયારે તે કોઈ ગોળામાં પ્રવેશ કરે છે અને પ્રકાશ આવે છે ત્યારે તે છે તેવો માત્ર અનુભવ થાય છે. કોઈ પોઇન્ટ ખુલ્લું રહી ગયું હોય ત્યાં ભૂલથી આંગળી અડી જાય અને ઝાટકો લાગે ત્યારે ઇલેક્ટ્રિસિટી છે તેવો અનુભવ થાય છે.

બ્રહ્મ પણ કોઈ વસ્તુ કે વ્યક્તિ નથી પરંતુ માત્ર અનુભૂતિ છે.

ઇલેક્ટ્રિસિટીનો પોતાનો કોઈ રંગ, રૂપ, આકાર કે વિશિષ્ટ ગુણ છે તેમ કહી શકાતું નથી. પરંતુ તે જે વસ્તુ કે સાધનમાં પ્રવેશ કરે છે તેના યાંત્રિક ગુણધર્મને - રૂપ, રંગ, આકારને પકડે છે. લાલ રંગના ગોળામાં પ્રવેશ કરે તો લાલ દેખાય છે; અને વાદળી રંગના ગોળામાં પ્રવેશ કરે તો વાદળી દેખાય છે, વગેરે, એવી જ રીતે ટ્યૂબલાઈટમાં તે લાંબી દેખાય છે અને ગોળામાં તે ગોળ દેખાય છે.

પંખામાં ઇલેક્ટ્રિસિટી દાખલ થાય તો પવન આપે છે, રેડીઓમાં દાખલ થાય તો અવાજ આપે છે, હીટરમાં દાખલ થાય તો ગરમી આપે છે, ફ્રીઝમાં દાખલ થાય તો ઠંડક આપે છે, ટ્યૂબલાઈટમાં દાખલ થાય તો પ્રકાશ આપે છે જે વસ્તુ કે સાધન (instrument)માં દાખલ થાય તેના તમામ યાંત્રિક ગુણધર્મ તે પકડે છે. જયારે વીજળીનો સ્વયં પોતનો કોઈ ગુણ નથી - તે નિર્ગુણ છે.

એ જ પ્રમાણે બ્રહ્મમાંથી આવેલું ચૈતન્ય ચકલીના દેહમાં ચી ચી બોલે, કાગડાના દેહમાં કા કા બોલે, કૂતરાના દેહમાં ભસે, ગધેડાના દેહમાં ભૂકે, કોયલના દેહમાં મીઠા મીઠા ટહુકા કરે, પોપટના દેહમાં રામ રામ પણ બોલે, પુરુષના દેહમાં પુરુષના જેવો અવાજ કાઢે અને સ્ત્રીના દેહમાં ઝીણો મધુર અવાજ કાઢે.

In all the loudspeakers, the speaker is only one.

બધા લાઉડસ્પીકરોમાં બોલનાર તો માત્ર એક જ છે. તેમાંનાં જેટલા લાઉડસ્પીકરો બગડેલા - ખરાબ હોય તેમાં ઘોઘરો અવાજ આવે અને સારા લાઉડસ્પીકરોમાં સ્પષ્ટ મધુર અવાજ આવે.

કીડીનો દેહ નાનો હોય છે અને હાથીનો દેહ મોટો હોય છે પરંતુ તે બધામાં વહેતુ ચૈતન્ય નાનું-મોટું હોતું નથી. જેમ ૨૫ વોલ્ટના ગોળામાંથી અગર ૪૦-૬૦-૧૦૦ વોલ્ટેજના ગોળામાંથી વોલ્ટેજના હિસાબે ઓછો-વત્તો પ્રકાશ આવે છે. પરંતુ પાવરહાઉસમાંથી તો વીજળીનો પ્રવાહ એકધારો જ વહે છે. કોઈ ગોળા ફૂટી જાય તો પાવરહાઉસને તેની કશી અસર થતી નથી, અને વધારે મકાનોમાં વધારે ગોળા લગાડવાથી પાવર-હાઉસની વીજળીમાં ખાડો પડતો નથી, તેવી જ રીતે અસંખ્ય જીવોનો પ્રત્યેક ક્ષણે અવિરતપણે ઉત્પત્તિ, સ્થિતિ અને લય થતો હોવા છતાં બ્રહ્મના ચૈતન્યમાં કોઈ પણ પ્રકારની ન્યૂનાધિકતા થતી નથી.

એક ગામડાનો તદ્દન અભણ અને આદિવાસી માણસ જેણે જિંદગીમાં કેરોસીનનું ફાનસ પણ જોયું નથી અને નાછૂટકે કોઈક કોઈક દિવસ દિવેલના કોડિયાથી દીવો કરતો હોય તેવો માણસ મોટા શહેરમાં ઓચિંતો આવે અને તેને કહેવામાં આવે કે આ શહેરના બધા વીજળીના દીવાઓમા એક જ પાવરહાઉસમાંથી વીજળીનો પ્રવાહ આવે છે તો તે વાત તેને ઝટ દઈને ગળે ઉતરે નહિ.

વળી રેડીઓમાં જે અવાજ નીકળે છે અને પંખો જે પવન આપી શકે છે અને ફ્રીઝમાં જે ઠંડક પ્રસરે છે અને હીટરમાં જે ગરમી વર્તાય છે તે તમામ સાધનોમાં એક જ પાવરહાઉસમાંથી એક જ પ્રકારનો વીજળીનો પ્રવાહ વહે છે તે વાત આ અભણ માણસને બિલકુલ સમજાવવી મુશ્કેલ પડે. તેને ખુબ આશ્વર્ય થાય કે શું એકના એક પાવરહાઉસમાંથી નીકળતો એક જ પ્રકારનો વીજળીનો પ્રવાહ ટ્યૂબલાઈટમાં પ્રકાશ આપે અને રેડીઓમાં અવાજ આપે અને ફ્રીઝમાં ઠંડક આપે અને હીટરમાં ગરમી આપે અને પંખામાં પવન આપે? તે વાત બિલકુલ અશક્ય જ છે.

આવા અભણ અજ્ઞાની જીવોને સમસ્ત જગત આશ્વર્યમય જ દેખાય તેનું વર્ણન કરતા ભગવાન ગીતામાં કહે છે

आश्चर्यवत्पश्यति कश्चिदेन माश्चर्यवद्वदति तथैव चान्यः।
आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૨/૨૯)

આ ગામડિયા અભણ માણસને પછી સમજાવવા માટે આખું ફિટિંગ ખોલીને બતાવવું પડે કે, “જો! આ રેડીયોનો વાયર, પંખાનો વાયર, ફ્રીઝનો વાયર, હીટરનો વાયર અને બંગલાના બધા ગોળા અને ટ્યુબલાઈટના વાયર બધા જોઈન્ટ કરીને બંગલાની લોબીમાં ઇલેક્ટ્રિકના કબાટમાં મૂકેલા મીટર અને મેઈન સ્વીચ સાથે જોડેલા છે અને આવા દરેક બંગલામાં મીટરોના દોરડા રોડ ઉપરના થાંભલા સાથે જોડેલા છે અને આવા થાંભલાઓના તમામ દોરડા પાવરહાઉસ સાથે જોઈન્ટ કરેલા છે. જેમાંથી ઇલેક્ટ્રિસિટી આવા દોરડા મારફત વહે છે અને દરેક બંગલાઓમાં છેક સુધી પહોંચે છે. અને તે જે જે વસ્તુ અગર સાધનોમાં પ્રવેશે છે તે તે સાધનના યાંત્રિક ગુણધર્મ પ્રમાણે પંખામા પવન, રેડીઓમાં અવાજ, ફ્રીઝમાં ઠંડક, હીટરમાં ગરમી, ગોળામાં પ્રકાશ વગેરે આપે છે.

આ રીતે કોઈ નિષ્ણાત અને ધીરજવાન ઇલેક્ટ્રિશિયન આ અભણ માણસને બંગલાથી માંડીને પાવરહાઉસ સુધીનું બધું ફિટિંગ ખોલીને તેને કરુણા અને ધીરજથી સમજાવવા ઘણી જ મહેનત કરે ત્યારે આ અભણ માણસ કદાચ ભાગ્યશાળી હોય અને ખૂબ જિજ્ઞાસુ હોય તો તેને થોડીક ગેડ બેસે અને કાંઈક સમજાય.

શાસ્ત્રોએ અને સંતોએ, વ્યાસ - વાલ્મિકી વગેરે મહર્ષિઓએ પણ ખૂબ ખૂબ કરુણાથી પ્રેરાઈને અત્યંત ધીરજથી બ્રહ્મ (પરમાત્મા)નું સ્વરૂપ સમજાવવા પ્રબળ પુરુષાર્થ કર્યો છે. જેનો લાભ કરોડોમાં કોક પરીક્ષિત જેવા ભાગ્યશાળી જીવોએ લીધો છે, બાકી તો આ બધા સંસારચક્રમાં ભટક્યા જ કરે છે.

બ્રહ્મનું સ્વરૂપ સમજાવવા ઉપરોક્ત પાવરહાઉસનો દાખલો આપ્યો તે પણ અગાઉ કહ્યું છે તે પ્રમાણે ટૂંકો જ પાડવાનો. કારણકે પાવરહાઉસમાં પણ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન(generate) કરવી પડે છે. અને તેને માટે જનરેટર મશીન રાખવા પડે છે. જયારે શુદ્ધ ચૈતન્ય પરાત્પર બ્રહ્મ અનાદિ હોવાથી સ્વયં તમામ બ્રહ્માંડોમાં વ્યાપ્ત સમસ્ત ચૈતન્યનું પોતે જ જનરેટર છે અને પોતાને માટે તેને કોઈ જનરેટરની અપેક્ષા નથી.

૬. બ્રહ્મ નિરપેક્ષ છે.