એકાંતમાં બેસીને સ્વસ્થ ચિત્તથી અંતરમાં ઊંડા ઉતરીને અનુભવની આંખોથી જોઈએ તો ખબર પડે કે અત્યાર સુધી આપણે ભોગોને ભોગવ્યા કે ભોગોએ આપણને ભોગવ્યા? આપણે સ્ત્રી ભોગવી કે સ્ત્રીએ આપણને ભોગવ્યા? આપણે સંપત્તિ અને સત્તા ભોગવી કે સંપતિ અને સત્તાએ આપણને ભમાવ્યા અને આપણો ભોગ લીધો?
भोगा न भुक्ता वयमेव भुक्ता: तपो न तप्तं वयमेव तप्ता:।
कालो न यातो वयमेव याता: तृष्णा न जीर्णा वयमेव जीर्णा:॥
અમે ભોગો તો ના ભોગવી શક્યા પરંતુ અમે જ ભોગવાઈ ગયા. કૂતરું સૂકા હાડકાને ચૂસતી વખતે એમ માને છે કે સૂકા હાડકાંમાંથી લોહી નીતરે છે પરંતુ તેને ખબર નથી કે પોતાનું જ જડબું છોલાય છે, અને તેમાંથી લોહી નીકળે છે.
તપ તો અમે ન તપી શક્યા પરંતુ અમે જ તપી ગયા. તપ તો તપના ઢેકાણે રહ્યું. કાળ તો ન ગયો. કાળનો પ્રવાહ તો ચાલુ જ રહ્યો, સોમવાર પછી મંગળવાર પછી બુધવાર. પંદરમી પછી સોળમી અને સોળમી પછી સત્તરમી તારીખ, વૈશાખ પછી જેઠ અને જેઠ પછી અષાઢ. ૧૯૭૩ પછી ૧૯૭૪ અને ૧૯૭૪ પછી ૧૯૭૫. સત્યયુગ પછી ત્રેતા, દ્વાપર અને કલિયુગ એમ યુગ, વાર, તિથિ, મહિનો, વર્ષ વગેરે તો સમયના પ્રવાહમાં દડબડ દડબડ દોડ્યા જ જાય છે. સમય કોઈનો રોકાયો રોકાતો નથી. પરંતુ કાળના વહેણમાં ભલભલા ચમરબંધીઓ, રાવણ, કંસ, સિકંદર, હિટલર અને ચંગીઝખાન જેવા તણાઈ ગયા.
મરતા સુધી તૃષ્ણા જીર્ણ ના થઇ પણ અમે મરતા પહેલા જ જીર્ણ હંછેર-વંછેર થઇ ગયા.
ભતૃર્હરિ જેવા મોટા રાજવીઓ પણ આવું કહેતા ગયા છે. અનેક વર્ષો સુધી અનેક અપ્સરાઓ જેવી સ્ત્રીઓનો ઉપભોગ કર્યા છતાં યયાતિ રાજા ના ધરાયો. છેવટે પોતાના દીકરા પાસેથી યૌવન પ્રાપ્ત કરીને પણ અનેક વર્ષો સુધી સંસાર ભોગવ્યો, શરીર જીર્ણ-વિશીર્ણ થયું પણ તૃષ્ણા જીર્ણ ના થઇ તે ના જ થઇ. છેવટે શ્રીમદ્ ભાગવતમાં દુનિયાના લોકોને પોતાનો અનુભવ જણાવતા લખતો ગયો:
न जातु कामः कामानुपभोगेन शाम्यति। हविषा कृष्णवर्त्मैव भुय एवाभिवर्धते॥
અગ્નિમાં જેમ જેમ ઘી હોમતા જાઓ તેમ તેમ અગ્નિ શાંત થવાને બદલે અગ્નિમાં વધારે ને વધારે ભડકા ઉઠે, તેમ જેમ જેમ ભોગો ભોગવતા જશો તેમ તેમ કામનાઓ અને વાસનાઓને ઉકાંટા - અભરખા વધતા જશે, શાંત નહીં જ થાય. અંતઃકરણમાં કામનાઓના ભડકા ઉઠશે. આ વાતો પૂરા અનુભવ પછી લખેલ છે.