વેદાંત વિચાર
પ્રકરણ ચોથું : જીવનું સ્વરૂપ
૨૯. ઈશ્વર અને જીવમાં ખરેખર કાંઈ ભેદ છે? ભેદ હોય તો શું ભેદ છે?
અત્યાર સુધી આપણે જોઈ ગયા કે શુદ્ધ ચૈતન્ય પરાત્પર બ્રહ્મ જે નિર્ગુણ અને નિરાકાર છે તેને આપણે પરમાત્મા (તમામ આત્માઓનો પણ આત્મા અને છતાં તમામ આત્માઓથી પર) કહીએ છીએ. આ પરમાત્મા જયારે પોતાની મરજીથી, સ્વેચ્છાથી માયાના ગુણોનો સ્વીકાર કરે છે એટલે કે જે બ્રહ્મ માયાવચ્છિન્ન ચૈતન્ય બને છે તેને આપણે ઈશ્વર કહીએ છીએ. આ ઈશ્વર જયારે માયાના ત્રણ ગુણો પૈકી મુખ્યત્વે રજોગુણનો સ્વીકાર કરીને જગતની ઉત્ત્પત્તિ કરે છે ત્યારે તે બ્રહ્મા કહેવાય છે. જયારે તે મુખ્યત્વે સત્ત્વગુણનો સ્વીકાર કરીને જગતની સ્થિતિનું સંચાલન કરે છે ત્યારે તે વિષ્ણુ કહેવાય છે અને જયારે તે મુખ્યત્વે તમોગુણનો સ્વીકાર કરીને જગતનો લય કરે છે ત્યારે તે મહેશ કહેવાય છે. આ શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જયારે કોઈ અદ્રશ્ય શક્તિને વશ થઈને પોતાના અસલ સ્વરૂપની વિસ્મૃતિ પામે છે અને અવિદ્યા (spiritual blindness)માં અટવાય છે ત્યારે તેને જીવાત્મા કહેવાય છે આ પ્રમાણે માયાવચ્છિન્ન ચૈતન્ય એટલે ઈશ્વર અને અવિદ્યાવચ્છિન્ન ચૈતન્ય એટલે જીવ.
ઈશ્વર અને જીવનો આ ભેદ દેખીતો છે, તેમ છતાં જુદાજુદા શાસ્ત્રકારોનો આ બાબતમાં જુદો જુદો મત છે. તે આપણે વિચારપૂર્વક સમજી લેવાની જરૂર છે.
જીવના સંબંધોમાં જેટલા મતમતાંતર છે એટલા કદાચ બીજા કોઈ વિષયમાં નહી હોય. જીવની વ્યાખ્યા પણ ષડદર્શનો પૈકી જુદા જુદા દર્શનોમાં જુદા જુદા પ્રકારની કરેલી છે. તથા જીવ અને ઈશ્વરમાં ભેદ(દ્વૈત) છે કે અભેદ(અદ્વૈત) છે તે વિષયમાં પણ બહુ મતભેદો છે.
કેટલાક શાસ્ત્રકારો માને છે કે જીવ ઈશ્વરનો અંશ હોવાને લીધે ઈશ્વરરૂપ જ છે. ગોસ્વામીજી રામાયણમાં લખે છે:
ઈશ્વર અંશ જીવ અવિનાશી.
ચેતન(ચિત્ત) અમલ(સત્) સહજ સુખરાશી(આનંદ).
તે જ પ્રમાણે શંકરાચાર્ય જેવા કૈવલાદ્વૈત સિદ્ધાંતમાં માનનારા સ્પષ્ટ રીતે "अहम् ब्रह्मास्मि" એટલે કે હું જ બ્રહ્મ છું તેવી ઘોષણા કરતા કહે છે:
जीवो ब्रह्मैव नापरः |
જીવ બ્રહ્મ જ છે, બીજું કાંઈ નહીં
જયારે બીજા કેટલાક શાસ્ત્રકારો કહે છે કે જીવ અને ઈશ્વર બંને એક હોઈ શકે જ નહીં.
જીવ ઈશ્વરની તોલે ન આવી શકે કારણ કે -
જીવ અલ્પજ્ઞ છે અને ઈશ્વર સર્વજ્ઞ છે.
જીવ અલ્પશક્તિમાન છે અને ઈશ્વર સર્વશક્તિમાન છે.
જીવ અણુરૂપ છે અને ઈશ્વર સર્વવ્યાપક છે. ટૂંકાણમાં
જીવ એક બિંદુ રૂપ છે અને ઈશ્વર સિંધુરૂપ છે.