વેદાંત વિચાર

પ્રકરણ ચોથું : જીવનું સ્વરૂપ

૨૬. જીવ અને ઈશ્વરનો ભેદ

जीवो ब्रह्मैव नापरः

શુદ્ધ સત્ત્વગુણ, શુદ્ધ રજોગુણ, શુદ્ધ તમોગુણવાળી માયા કહેવાય અને તે માયા ઇશ્ચરને આધીન છે. માયાવચ્છિન ચૈતન્ય એટલે ઈશ્વર.

અવિદ્યાવચ્છિન્ન ચૈતન્ય તેનું નામ જીવ. જીવ અવિદ્યાથી ઘેરાયેલો છે. એ અવિદ્યાના વશમાં છે.

આ ઉપરથી જીવ અને ઈશ્વરનો ભેદ સ્પષ્ટ છે જે ટૂંકમાં નીચે પ્રમાણે છે:

૧. માયાવચ્છિન્ન ચૈતન્ય (બ્રહ્મ) એટલે ઈશ્વર. અવિદ્યાવચ્છિન્ન ચૈતન્ય(બ્રહ્મ) એટલે જીવ.

૨. માયાવશિષ્ઠ ચૈતન્ય (બ્રહ્મ) તે ઈશ્વર, અવિદ્યાવશિષ્ઠ ચૈતન્ય(બ્રહ્મ) તે જીવ

૩. ઈશ્વર માયાથી છવાયેલ ચૈતન્ય(બ્રહ્મ) છે. જીવ અવિદ્યાથી ઘેરાયેલ ચૈતન્ય(બ્રહ્મ) છે.

૪. ઈશ્વરને આધીન માયા છે. જીવ અવિદ્યાને આધીન છે.

૫. ઈશ્વરમાં સમભાવ છે. જીવમાં વિષમભાવ (અહંકાર) મારા-તારાનો ભાવ છે

એટલે ગોસ્વામી તુલસીદાસજી માયાની (અવિદ્યાની) વ્યાખ્યા-સ્વરૂપ સમજાવતા કહે છે :

મૈં અરુ મોર તોર તે માયા

હું અને મારુ, તું અને તારું એનું જ નામ માયા (અવિદ્યા) અને આગળ જીવ અને ઈશ્વરનો ભેદ સમજાવતા કહે છે:

ઈશ્વર અંશ જીવ અવિનાશી, સત ચેતન ઘન આનંદરાશી

સો માયાવશ ભયઉ ગોસાઈ, બધ્યો કીર મર્કટકી નાઈ

જીવાત્મા એ ઈશ્વરનો જ (પરમાત્માનો જ) અંશ છે અને તે અસલમાં તો સત્ ચિત્ આનંદસ્વરૂપ જ છે, છતાં અવિદ્યાને વશ થઈને તેને પોતાના અસલ સ્વરૂપની (સત્-ચિત્-આનંદમય બ્રહ્ન સ્વરૂપની) વિસ્મૃતિ થઇ ગઈ છે. પોતાના અસલ સ્વરૂપને ભૂલી ગયો છે અને તેથી તે પોપટ અને માંકડાની માફક સંસારમાં બંધાઈ ગયો છે.

પોપટ વિશાલ ગગનમાં સ્વૈરવિહાર કરી શકે - સ્વતંત્ર રીતે ઉડી શકે તેવી પાંખોવાળું પક્ષી હોવા છતાં મરચા અને જામફળ ખાવાની લાલચમાં દોરીથી બાંધેલી લાકડી ઉપર આવીને બેસે છે. પરંતુ બેસતાની સાથે લાકડી અવળી ફરી જાય છે અને પોપટના પગ અધ્ધર લાકડીને વળગી રહે છે અને માથું અને શરીર નીચે લટકે છે. પોપટને લાગે છે કે આ લાકડીએ તેને ઝાલ્યો છે અને તે લાકડીને છોડી દેશે તો નીચે પટકાશે અને મરી જશે. પોપટને ખબર નથી પડતી કે તે લાકડીને છોડી દે તો તે આસાનીથી ઉડી જઈ શકે છે. એટલે લાકડીને ચપસીને પકડી રાખે છે. ખુદ શંકરાચાર્ય આવીને સમજાવે કે, "અલ્યા! આ લાકડીને છોડી દે, છોડી દે. તું સ્વતંત્ર છે, તું ઉડી જઈ શકે તેમ છે, તું નીચે નહી પટકાય. લાકડીને ઝાલી રાખીશ તો તું પકડાઈ જઈશ." આવા અનેક જ્ઞાનવચનો ખુદ શંકરાચાર્ય કે શુકદેવજી આવીને સમજાવે તો પણ આ મતિભ્રમ જીવડો - પોપટ માનવા તૈયાર થાય નહી. છેવટે પારધી આવીને પોપટને પકડી લે, તેની પાંખો કાપી નાખે અને પોપટભાઈ આખી જિંદગી પાંજરામાં પુરાઈ રહે. આવી જ દશા પોપટલાલ જીવાત્માની છે. આ બૈરાં-છોકરાઓ, બંગલા-મોટરોએ મને પકડ્યો છે, મને છોડતા નથી એમ તેને મતિભ્રમ થયો છે. અવિદ્યાથી ઘેરાયો છે. શાસ્ત્રો અને સંતો પોકારી પોકારીને તેને કહે છે કે "અલ્યા છોડી દે! તને કોઈએ પકડ્યો નથી. તું સ્વતંત્ર છે, અનાદિમુક્ત છે. સત્-ચિત્-આનંદ સ્વરૂપ છે પણ જીવાત્મા પોપટલાલ કોઈનું માનવા તૈયાર નથી અને અનાદિ કાળથી ફસાયેલા પોપટલાલ અનંતકાળ સુધી જન્મમરણના ચક્કરમાં ભમ્યા જ કરે છે.

આવો જ બીજો દાખલો મર્કટનો તુલસીદાસજી આપે છે. ઉત્તર હિન્દુસ્તાનના માંકડા બહુ જોરદાર હોય છે તેને કોઈ પકડી શકે નહી. તેને પકડવા સાંકડા મોઢાના કાચના માટલામાં સીતાફળ, સફરજન વગેરે મૂકેલા હોય છે તે લેવા આ મૂર્ખ મર્કટલાલ એકને બદલે બે હાથ સામટા માટલામાં ઘાલે છે અને બંને હાથે સફરજન, સીતાફળ પકડે. પછી હાથ ફસાય-બહાર નીકળે નહી એટલે મર્કટલાલ સમજે છે કે મને માટલાંએ ઝાલ્યો છે. સફરજન, સીતાફળ છોડી દે (ભૌતિકસુખો વિષયજન્યસુખોનો ત્યાગ કરે) તો તે મુક્ત જ છે પણ માને નહી. છેવટે પકડાઈ જાય અને આખી જિંદગી મદારીનો રતનીયો થઈને લોકોને સલામી ભરતો ફરે. ભૂખ્યું પેટ બધાને દેખાડતો ફરે.

જીવની પણ આ જ દશા છે. બાકી જીવ અને ઈશ્વરમાં કોઈ ભેદ નથી. બંને એક જ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. મલિન સત્ત્વગુણ, મલિન રજોગુણ, મલિન તમોગુણ રૂપી અવિદ્યામાં ફસાઈને જીવ પોતાના અસલ સત્-ચિત્-આનંદ સ્વરૂપને ભૂલી ગયો છે અને આ હું અને આ મારુ અને તે તારું એવા કાથાકબલામાં પડી ગયો છે.

મારુ-તારું એવો ભેદ એ જ જીવભાવ અને એ જ સંસાર. મારા-તારાની લાગણી ઉપર જ સંસારનો નિભાવ થયે જાય છે. ભેદનું મૂળ એ અહંમવાદ અને મમવાદ છે અને તેમાં જ જીવ પોતાનું અસલ સ્વરૂપ ભૂલી ગયો છે.

જીવાત્માને સ્વ-સ્વરૂપનું વિસ્મરણ થવાથી, પૂર્ણ બ્રહ્મથી પોતાને અલગ માનવાથી, જીવભાવ પ્રગટ્યો છે. વસ્તુતઃ જીવ બ્રહ્મ જ છે અને નામરૂપાત્મક દ્રષ્ટિએ જોઈએ તો જીવ શૂન્યવત્ છે, કલ્પિત છે, મનનું ઉટાંગ માત્ર છે - વંદ્યપુત્રવત્ છે કારણ કે મન બાંધે છે - મન છોડાવે છે. તેથી જીવાત્માએ કંઠમણિ ન્યાયવત્ વિસ્મરણનું માત્ર સ્મરણ કરવાનું છે. બ્રહ્મથી અલગ મટીને સંલગ્ન થવાનું છે. Godhood is revealed through discovery, not through attainment. The jīva is not required to become Brahman, for it is Brahman de facto.

વસ્તુતઃ જીવ બ્રહ્મ જ છે. પરંતુ મિથ્યા ‘હું’પણું (અહંકાર) ધારણ કરવાથી જાણે કે તે પૂર્ણ બ્રહ્મથી અલગ પડી જાય છે અને અલગ પડતા મન અને મનનું ઉટાંગ ઉભું થાય છે. આમ જીવ જીવભ્રમણમાં ભટકે છે. સ્વરૂપના અજ્ઞાનથી "આવરણ" ઉભું થાય છે. અને "આવરણ"થી માયાદૃષ્ટિ ભેદભાવ ઉત્પન્ન થાય છે. અને ભેદભાવથી જન્મ-મરણના ચક્કરમાં પડી જાય છે.

જીવને આત્માનો અનુભવ નહી થવા દેનાર મૂળ કારણ અવિદ્યા છે અને તેથી થતો દેહાધ્યાસ છે. વસ્તુતઃ આત્મા (બ્રહ્મ-પરમાત્મા) એ જ જીવાત્માનું અસલ સ્વરૂપ છે.

એક સિંહનું બચ્ચું જન્મતાની સાથે તેની માથી વિખૂટું પડી ગયુ. તે ઘેટાના ટોળામાં ઉછરીને મોટું થયું અને પોતાની જાતને સિંહને બદલે ઘેટું માનવા લાગ્યું. એક વખત તે ઘેટાના ટોળા ભેગું ફરતું હતું ત્યારે એક સિંહ ત્યાં આવ્યો એટલે બધા ઘેટાં સિંહને જોઈને ભાગ્યા; ભેગું પેલું સિંહનું બચ્ચું જે પોતાની જાતને ઘેટું સમજતું હતું તે પણ ભાગ્યું. પેલા સિંહે જોયું કે આ ઘેટાના ટોળા ભેગું મારી જાતનું સિંહનું બચ્ચું પણ મારાથી ડરીને ભાગે છે. તેથી તેણે પેલા બધા ઘેટાને નાસી જવા દીધા અને પેલા સિંહના બચ્ચાને પકડી પાડયું.

સિંહનું બચ્ચું કરગરવા માંડ્યું કે હું ઘેટું છું; મને મારી ના નાખશો. પેલા સિંહે કહ્યું: "અરે! તું ઘેટાનું બચ્ચું નથી. તું તો મારી જાતનું સિંહનું બચ્ચું છે, તેથી તું આ ઘેટાનો સંગ છોડી દે.” પરંતુ પેલું સિંહનું બચ્ચું માન્યું નહી, તેથી તેને ખાતરી કરાવવા સિંહ આ બચ્ચાને તળાવના કિનારે લઇ ગયો અને કહ્યું કે આ તળાવના પાણીમાં તારું સ્વરૂપ જો અને તેને મારા સ્વરૂપ સાથે સરખાવ. તારું મોં, તારા પગ, તારી કેશવાળી, તારા નખ - બધું મારા જેવું સિંહ જેવું છે; ઘેટાં જેવું નથી. સિંહના બચ્ચાએ જયારે પોતાનું સ્વરૂપ સિંહના સ્વરૂપ જેવું જોયું ત્યારે તેને ખાતરી થઇ કે પોતે સિંહ છે અને ઘેટાના ટોળામાં ખોટી રીતે કૂટાઈ મર્યું છે. ખાતરી થતા જ પોતે સિંહની માફક ત્રાડ મારી અને સિંહની સાથે નિર્ભય રીતે ચાલતું થઇ ગયું, ઘેટાનો સંગ છોડી દીધો.

જીવાત્માને પણ જો આ પ્રમાણે કોઈ સિંહનો બચ્ચો (સમર્થ સદ્ગુરુ) મળી જાય અને તેને શાસ્ત્રોરૂપી તળાવ મારફતે તેના અસલ સત્-ચિત્-આનંદ સ્વરૂપનું ભાન કરાવે તો પછી જીવાત્માને આત્મસાક્ષાત્કાર કરવામાં એક સેકન્ડ પણ વાર લાગે નહી. તેને સત્-ચિત્-આનંદ સ્વરૂપ પરમાત્માનો આવિર્ભાવ થવામાં કોઈ બીજા પ્રયાસની કે સાધનાની જરૂર રહે જ નહી, કારણ કે તે સ્વયં સત્-ચિત્-આનંદ સ્વરૂપ છે જ. માત્ર અવિદ્યાને આધીન થઈને તેનામાં જીવભાવ, બનાવટી ‘હું’કાર-અહંકાર પ્રગટ થયો હતો અને આ અહંકારના આવરણને લીધે કરીને તેનું પોતાનું અસલ સ્વરૂપ ઢંકાઈ ગયું હતું.

૨૭. जीवो ब्रह्मैव नापरः