વેદાંત વિચાર

પ્રકરણ ત્રીજું : જગતનું સ્વરૂપ

૨૪. અદ્વૈત એટલે શું?

'એક' શબ્દ વાપરવામાં પણ ભૂલ થવા સંભવ છે કારણ કે 'એક' શબ્દમાં એવો અર્થ નીકળે છે કે પહેલા બે અને હવે 'એક' માલૂમ પડે છે. એટલા માટે વેદાંતે 'એક' શબ્દનો પ્રયોગ કરવાને બદલે અદ્વૈત (બે નહી) (Non dual) શબ્દપ્રયોગ કર્યો છે.

ડિક્ષનરીમાં તો અદ્વૈત એટલે એક અને એક એટલે અદ્વૈત એવો જ અર્થ આપેલો હોય છે. પરંતુ એક અને અદ્વૈત આ બે શબ્દોમાં ઘણો ફરક છે. કારણ કે જે વસ્તુ અગર વ્યક્તિ, પદાર્થ અગર પ્રાણી માટે જયારે આપણે 'એક' શબ્દનો પ્રયોગ કરીએ ત્યારે તેની સીમા બની જાય, સીમિત થઇ જાય. જયારે પરમાત્મા (અસ્તિત્વ) અસીમ છે. વળી જ્યાં એક હોય ત્યાં બે પણ હોઈ શકે. કારણ કે 'એક' શબ્દ સંખ્યાવાચક છે અને તેની વિરોધાભાસી સંખ્યાઓ બે, ત્રણ, ચાર, પાંચ વગેરે હોઈ શકે. જયારે વેદાંત નિષેધાત્મક ભાષામાં અદ્વૈત શબ્દ વાપરે છે કે ત્યાં (અસ્તિત્વમાં) બે નથી, બીજું નથી એટલે કે ત્યાં કોઈ ભેદ નથી.

દ્વૈત અને અદ્વૈતની ચર્ચા કરતા કબીરજી કહે છે:

એક કહે તો હું નહીં, દોય કહો તો ગાલી

હૈ જૈસા તૈસા રહે, કહે કબીર વિચારી.

એક કહે તો ભગવાન શૂન્ય સ્વરૂપે રહે છે અને બે (દ્વૈત) કહો તો ભગવાનના અદ્વૈતપણાને ગાળ આપું છું. કબીરજી વિચારીને કહે છે કે એ જેવો છે તેવો ભલે એ જ રહ્યો.

એક અદ્વિતીય પરાત્પર પરબ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ, આત્મા કે આપોઆપ (self in self) સિવાય બીજું કશું જ ત્રિકાલાબાધિત સનાતન સત્ય તત્વ નથી. મધ્યવ્યક્ત (Middle apparent) જીવ, જગતનો ભેદ વાચારમ્ભણ ભેદ માત્ર છે. વસ્તુતઃ જીવ અને જગત બ્રહ્મસ્વરૂપ જ છે. ઉદાહરણ તરીકે સાકરનું નાળિયેર

જેમ નાળિયેર ફળ સાકર તણું, બાહેર ભીતર મીઠું ઘણું

મીઠી મીઠી ગોટલી, મીઠી ઉપર ચોટલી.

૨૫. તો પછી બ્રહ્મ દેખાતા કેમ નથી?