વેદાંત વિચાર

પ્રકરણ બીજું : માયાનું સ્વરૂપ

૧૯. તો પછી માયા છે શું?

માયા એ પરમાત્મા(બ્રહ્મ)ની અત્યંત વિશાળ વિસ્તૃત શક્તિનું નામ છે. અને તે શક્તિ પણ બ્રહ્મની માફક અનાદિ છે. માયાનું બીજું નામ પ્રકૃતિ છે. પ્રકૃતિને અંગ્રેજીમાં Creation કહે છે. પરંતુ પ્રકૃતિ માટે Creation શબ્દ પણ બરાબર બંધ બેસતો નથી. પ્રકૃતિ એટલે (પ્ર) + (કૃતિ) - (Pre-Creation) - જગતની ઉત્પત્તિ પહેલાની - અનાદિ છે.

પરમાત્મા(બ્રહ્મ)ની વિશાળ વિસ્તૃત શક્તિ પરમાત્મા(બ્રહ્મ)થી ભિન્ન નથી. ભિન્ન હોઈ શકે જ નહી. બ્રહ્મ અનાદિ છે તો તેની શક્તિ પણ તેની સાથે જ અનાદિ છે અને તે વિશાળ વિસ્તૃત શક્તિ દ્વારા જ અને તેને જ ઉપાદાન કારણ તથા નિમિત્ત કારણ બનાવીને ઈશ્વર પોતાની ઈચ્છા મુજબ જગતની ઉત્ત્પત્તિ, સ્થિતિ અને લયનું સંચાલન કરે છે.

એટલે માયાનું બીજું નામ મહદ્બ્રહ્મ છે. મહદ્બ્રહ્મ એટલે કે પ્રકૃતિ - માયા. તે તમામ ભૂતોની (પ્રાણી, પદાર્થો, જગત, વિશ્વ, બ્રહ્માંડોની) યોનિ છે. ઉપાદાન કારણ અને ગર્ભાધાનના આધારને યોનિ કહે છે.

આ વાત સમજાવતા ભગવાન ગીતામાં કહે છે:

मम योनिर्महद्ब्रह्म तस्मिन् गर्भं दधाम्यहम्।
संभवः सर्वभूतानां ततो भवति भारत॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૧૪/૩)

सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः।
तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिता॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૧૪/૪)

मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम्।

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૯/10)

હું મારા ક્ષેત્રજ્ઞ અથવા ચેતન પુરુષ ભાવથી ક્ષેત્રરૂપ મારી જડ પ્રકૃતિમાં ચેતના અગર સ્ફુરણા રૂપ બીજ નાખું છું. જેથી કરીને અથવા તો તે જડ-ચેતનના સંયોગથી જગતના નાના પ્રકારના માયિક બનાવો બને છે. જગતના જે અનંત પ્રકારના બનાવો બને છે તે બધાને મારા સત્ - ચિત્ત ભાવની સત્તા ચેતના એટલે કે સ્ફુરણા રૂપ બીજને ધારણ કરી મારી જડ પ્રકૃતિ પ્રસવ કરે છે.

માયાના ત્રણેય ગુણો - સત્ત્વગુણ, રજોગુણ, તમોગુણ - જયારે સમભાવમાં રહે ત્યારે તે પ્રકૃતિને "મૂળ પ્રકૃતિ" "ગુણ સામ્યા પ્રકૃતિ" કહે છે.

બ્રહ્મ (પરમાત્મા)ની અત્યંત વિસ્તૃત વિશાળ શક્તિ માયા - પ્રકૃતિ તે પણ બ્રહ્મ(પરમાત્મા) ની માફક સમષ્ટિના કલ્યાણ માટે સાકાર સ્વરૂપે જુદા જુદા રૂપે પ્રગટે છે. જેની શાક્તો (શક્તિ ઉપાસકો) ભ્રદ્રકાળી, અંબાજી, બહુચરાજી, ચામુંડા, મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી એવા એવા જુદા જુદા નામોથી - બ્રહ્મની આ પરાપ્રકૃતિની શક્તિની - ઉપાસના કરે છે.

પરાત્પર બ્રહ્મ (પરમાત્મા) જયારે સગુણ સ્વરૂપ ધારણ કરીને સમષ્ટિના કલ્યાણ માટે રામ - કૃષ્ણ વગેરે અવતારોથી પૃથ્વી ઉપર પધારે છે ત્યારે તેમની આ વિશાળ વિસ્તૃત મહાશક્તિ - મહા માયા પ્રકૃતિ પણ સીતા, રાધા વગેરે સાકાર સ્વરૂપો ધારણ કરે છે અને પરમાત્મા(બ્રહ્મ)ના સમષ્ટિના કલ્યાણના કાર્યમાં જોડાય છે.

વસ્તુતઃ બ્રહ્મ અને માયા, રામ અને સીતા, કૃષ્ણ અને રાધા એ બધા બોલવામાં જુદા પણ ખરેખર તો એક જ સ્વરૂપ છે.

વેદાંત કહે છે:

मायां तु प्रकृतिं विद्यान्मायिनं तु महेश्वरम्।

(શ્વે - ૪/૧૦)

બ્રહ્મ અને માયા બે શબ્દો બોલવામાં અલગ અલગ છે પરંતુ તત્ત્વે કરીને બંને એક જ છે. રામ અને સીતા, કૃષ્ણ અને રાધા એમ બંને શબ્દો બોલવામાં ભિન્ન છે - અલગ અલગ છે પરંતુ વસ્તુતઃ: બંને એક જ છે.

આ વાત સમજાવતા ગોસ્વામી તુલસીદાસજી કહે છે:

ગીરા અરથ જલ બીચી સમ, કહિયત ભિન્ન ન ભિન્ન. બંદઉ સીતા રામ પદ.

જેમ વાણી અને તેનો અર્થ એ બે શબ્દો બોલવામાં જુદા જુદા છે પરંતુ બંને એક જ છે, જેમ સમુદ્રનું પાણી અને પાણીનું મોજું એમ બે પાણી અને મોજું એવા જુદા જુદા શબ્દોથી બોલાય છે, છતાં પાણી રૂપે એક જ વસ્તુ છે. એવી જ રીતે સીતા(માયા) અને રામ(બ્રહ્મ) એક જ તત્ત્વ છે, તત્ત્વતઃ ભિન્ન નથી. બંને મળીને એક અખંડ બ્રહ્મતત્ત્વ જ છે.

બૃહદ વિષ્ણુ પુરાણ કહે છે :

द्वौ च नित्यौ द्विधारूपौ तत्त्वतो नित्यमेकतः।

राम्मन्त्रे स्थित सीता सीतामन्त्रे रघुतम्॥

રઘુવંશના મંગલાચરણમાં પણ કવિ કાલિદાસ આવી જ રીતે કહે છે:

वाक् अर्थो इव संप्रुक्तो

માનસ રામાયણમાં આ બાબતની ચોખવટ કરતા કહે છે :

અગુન અખંડ અનંત અનાદિ, જેહિ ચિંતહી પરમારથવાદી

નેતિ નેતિ જેહિ બેદ નિરૂપા, નિજાનંદ નિરુપાધિ અનૂપા

શંભુ વિરંચી વિષ્ણુ ભગવાના, ઉપજહિ જાસુ અંશ તે નાના

ઐસેઉ પ્રભુ સેવક બસ અહઇ, ભગત હેતુ લીલા તનુ ગહઇ

અસ યહ બચન સત્યશ્રુતિ ભાષા

વામ ભાગ શોભતી અનુકૂલા, આદિ શક્તિ છબીનિધિ બગમૂલા

જાસુઅંશ ઉપજહિ ગુણખાની, અગણિત લચ્છી ઉમા બ્રહ્માની

ભ્રુકુટી બિલાસ જાસુ જગ હોઈ, રામ બામ દીસી સીતા સોઈ.

પરમાત્મા મનુ શતરૂપાને ત્યાં દીકરો થઈને અવતરવાનું વચન આપતા કહે છે:

ઈચ્છામય નરવેષ સંવારે, હોઈ હું પ્રગટ નિકેત તુમ્હારે.

અંસંહ સહિત દેહ ધરી તાતા, કરિહહુ ચરિત ભગત સુખ દાતા.

આદિ શક્તિ જેહિ જગ ઉપજાયા, સોઈ અવતરીહી મોરી ચહ માયા.

લગભગ બધા દાર્શનિકોનો પણ એ સિદ્ધાંત છે કે બ્રહ્મ નિત્ય સર્વશક્તિમાન છે. માટે શક્તિ સહિત બ્રહ્મ તે અખંડ બ્રહ્મ છે. શક્તિ અને શક્તિમાન બંને અભિન્ન છે, ભિન્ન નથી.

જેમ મરચું અને તીખાશ બંને જુદા નથી. ગોળ અને ગળપણ બંને જુદા નથી, તેમ બ્રહ્મ અને માયા જુદા પડી શકે નહી.

ભગવાન રામ વનમાં એકલા જવા તૈયાર થયા અને સીતાજીને અયોધ્યામાં રહેવાનું સમજાવવા લાગ્યા ત્યારે સીતાજીએ જવાબ આપ્યો:

પ્રભા જાઈ કહા ભાનુ બિહાઈ, કહા ચંદ્રિકા ચંદ્ર તજી જાઈ.

જેમ સૂર્યથી તેની પ્રભા અલગ ન હોઈ શકે, ચંદ્રથી તેની ચંદ્રિકા અલગ ન હોઈ શકે તેમ બ્રહ્મથી માયા અલગ ન હોઈ શકે.

જેમ પતિ અને પત્ની મળીને એક અખંડ દામ્પત્ય કહેવાય તેમ માયા અને બ્રહ્મ મળીને એક જ અખંડ બ્રહ્મતત્ત્વ કહેવાય. જેને આપણે સગુણ નિરાકાર ઈશ્વર કહીએ છીએ.

આ ઉપરથી ખાતરી થશે કે શક્તિના, દેવીના, માતાજીના અને વિષ્ણુના ઉપાસકો નાહકના અંદરોઅંદર ઝઘડે છે અને બેવકૂફોમાં ખપે છે.

20. માયાનું બીજું સ્વરૂપ - અવિદ્યા