Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

કર્મનો સિદ્ધાંત

૩૮. પુરુષાર્થથી પ્રારબ્ધ ફેરવી શકાય?

પ્રારબ્ધકર્મ ભોગવવા માટે પ્રારબ્ધકર્મને અનુરૂપ જ શરીર પ્રાપ્ત થાય છે. તે શરીરકાળ દરમિયાન તમામ પ્રારબ્ધકર્મો ભોગવાઈ રહે પછી જ દેહ પડે છે, ત્યાં સુધી દેહ ધારણ કરી જ રાખવો પડે છે.

શરીરકાળ દરમિયાન ભોગવવાના પ્રારબ્ધકર્મોના ચાર મુખ્ય વિભાગ પાડી શકાય:

૧. અતિ તીવ્ર પ્રારબ્ધ

૨. તીવ્ર પ્રારબ્ધ

૩. મંદ પ્રારબ્ધ

૪ અતિ મંદ પ્રારબ્ધ

૧. અતિ તીવ્ર પ્રારબ્ધ:

અતિ તીવ્ર પ્રારબ્ધનું કર્મફળ ગમે તેટલો પ્રબળ પુરુષાર્થ કરીએ તો પણ અટકાવી શકાતું નથી. જીવાત્માનો જુદી જુદી યોનિઓમાં જન્મ થાય છે તે અતિ તીવ્ર પ્રારબ્ધનું ફળ છે. અતિ તીવ્ર પ્રારબ્ધ કોઈ પણ રીતે ગમે તેવા પ્રબળ પુરુષાર્થથી ફેરવી શકાય જ નહિ. દા.ત. ગધેડામાંથી ઘોડો કે ઘોડામાંથી ઉંટ કે પક્ષી બની શકે નહિ. મનુષ્યને પણ તેનો દેહ અતિ તીવ્ર પ્રારબ્ધ - ધર્મવશાત મળેલો છે. અને તેમાં કંઈ ફેરફાર કરી શકાય જ નહિ. દા.ત. પુરુષનો દેહ મળ્યો હોય તેને સ્ત્રીના દેહમાં ફેરવી શકાય નહિ. તેવી જ રીતે સ્ત્રીનો દેહ મળ્યો હોય તેને પુરૂષ દેહમાં ફેરવી શકાય નહિ. પૂર્વજન્મમાં કરેલું મહાન પુણ્યકર્મ અથવા અતિ ઘોર પાપકર્મનું અતિ તીવ્ર પ્રારબ્ધ બને છે. અને તે કદાપિ ટાળી શકાતું નથી. જેમ ધનુષ્યમાંથી છૂટેલું તીર પાછું ખેંચી શકાતું નથી અગર તો થુંકેલુ જેમ ફરી ગળી શકાતું નથી તેમ પૂર્વજન્મમાં કરેલું મહાન પુણ્યકર્મ અગર અતિઘોર પાપકર્મ ફળરૂપે પરિપક્વ થઈને પ્રારબ્ધરૂપે સામી છાતીએ આવીને ઉભું જ રહે છે. અને હસતે હસતે કરેલા પાપ રોતે રોતે પણ ભોગવ્યા સિવાય છૂટકો થતો નથી.

૨. તીવ્ર પ્રારબ્ધ:

તીવ્ર પ્રારબ્ધ તીવ્ર પુરુષાર્થથી - પ્રબળ પુરુષાર્થથી કંઈક અંશે ફેરવી શકાય છે. તીવ્ર પ્રારબ્ધને હળવું બનાવવા કરેલો પ્રબળ પુરુષાર્થ ઘણે ભાગે નિષ્ફળ જતો નથી. કારણ કે પ્રારબ્ધ તીવ્ર હોય પણ ક્રિયમાણનું સર્જન આપણી ઈચ્છા મુજબ કરી શકીએ છીએ. નૈતિક અને આધ્યાત્મિ ઉન્નતિ માટે પ્રભુપ્રાર્થના, નામસ્મરણ, સત્સંગ, શાસ્ત્રોનો અભ્યાસ અને તે પ્રમાણે જીવનમાં ઉતારેલું આચરણ તેમજ તે પ્રમાણેનો પુરુષાર્થ દારુણ દુઃખને હળવું બનાવી શકે છે.

૩. અને ૪. મંદ અને અતિમંદ પ્રારબ્ધ:

મંદ અને અતિમંદ પ્રારબ્ધ પ્રબળ પુરુષાર્થથી નિષ્ફળ બનાવી શકાય છે. પ્રારબ્ધવાદીઓના કહેવા પ્રમાણે જો બધું જ પ્રારબ્ધને આધીન હોય તો પછી વેદો, ઉપનિષદો, ગીતા, ભાગવત, રામાયણ વગેરે ધર્મશાસ્ત્રોમાં આપેલા માર્ગદર્શન મુજબનો પુરુષાર્થ તદ્દન નકામો થઇ જાય. એટલા માટે મંદ અને અતિમંદ પ્રારબ્ધને નિષ્ફળ બનાવવા માટે શાસ્ત્રોએ અને સંતોએ જણાવેલ શાસ્ત્રવિહીત કર્મને (prescribed action) અને શાસ્ત્રનિષિધ્ધ કર્મને (prohibited action) ખ્યાલમાં રાખીને તે પ્રમાણે શુભ કર્મ કરવાનો, અને અશુભ કર્મોનો ત્યાગ કરવાનો પુરુષાર્થ સતત કરવો જ જોઈએ. પુરુષાર્થ વગર પ્રારબ્ધ આંધળું છે.

પ્રારબ્ધકર્મ 'અદૃષ્ટ'ના નામથી ઓળખાય છે. ભૂતકાળમાં - ગયા જન્મોમાં આપણે કરેલા કર્મો કેવા પ્રકારના છે અને તે કેવા પ્રકારનું પ્રારબ્ધકર્મ બનીને આપણી સામી છાતીએ આવીને ઉભું રહેશે તે આપણે જાણતા નથી. મનુષ્ય પોતાના પ્રારબ્ધકર્મના ફળથી અજ્ઞાત હોવાને લીધે પ્રારબ્ધને 'અદૃષ્ટ' એવું નામ આપવામાં આવ્યું છે. પ્રારબ્ધ અને પુરુષાર્થ જીવનના એક જ ત્રાજવાના બે પલ્લાં છે. એક પલ્લામાં અદ્રષ્ટરૂપી કાટલાં પડેલા છે અને બીજા પલ્લામાં માણસે પોતાની શક્તિ અનુસાર વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને પુરુષાર્થ રૂપી દ્રવ્ય ભરવાનું છે.


માણસ જાણી-જોઈને પાપ શા માટે કરે છે?