Srimad Bhagavad Gita Bhavarth - Karma Yog, Bhakti Yog, Gyan Yog - Shri Hirabhai Thakkar

કર્મનો સિદ્ધાંત

૨. કર્મનો અટલ સિદ્ધાંત

દુનિયામાં દરેક ડીપાર્ટમેન્ટને ચલાવવાના અને નિયંત્રણમાં રાખવાના કાયદા ઘડાયેલા હોય છે. પોલીસ ખાતા માટે પોલીસ મેન્યુઅલ હોય છે. પી.ડબ્લ્યુ.ડી ખાતા માટે તેનું મેન્યુઅલ હોય છે. ન્યાય માટે ઇન્ડિયન પીનલ કોડ હોય છે. રેવન્યુ ખાતા માટે લેન્ડ રેવન્યુ કોડ અને રૂલ્સ હોય છે. રેલવે ખાતાના પણ કડક કાયદા ઘડેલા હોય છે, તેવી જ રીતે આખી સૃષ્ટિના અને અનેક બ્રહ્માંડોના સંચાલન માટે પણ, નીતિનિયમો છે જ. જેમ કે સૂર્ય નિયમિત ઉગે અને આથમે, પૃથ્વી, તારા, નક્ષ્રત્રો નિયમિત ગતિ કરે, વરસાદ ચોમાસામાં નિયમિત વરસે, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય વ્યવસ્થિત રીતે થાય વગેરે વિશ્વના સંચાલન માટે પણ અને તે સુવ્યવસ્થિત ચાલે તેને માટેનો પણ કાયદો છે અને તે "કર્મ" નો કાયદો છે.

ગોસ્વામી તુલસીદાસજી રામાયણમાં લખે છે કે:-

કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા |

જો જસ કરઈ સો તસ ફલ ચાખા ||

(અયોધ્યાકાંડ દોહા - ૨૧૯)

આ આખું વિશ્વ, કર્મના કાયદાના આધારે બરાબર વ્યવસ્થિત રીતે ચાલે છે અને તેમાં જરા પણ ગરબડ નથી.

આ કર્મના કાયદાની એક ખાસ ખૂબી છે. દુનિયાના તમામ કાયદાઓમાં કોઈનો કોઈ અપવાદ - exception to the Rule Proviso વગેરે હોય છે. પરંતુ કર્મના કાયદામાં કોઈ પણ ઠેકાણે જરા પણ અપવાદ કે બાંધછોડ નથી. ખુદ ભગવાન રામના બાપ થતા હોય તો પણ રાજા દશરથને કર્મના નિયમ પ્રમાણે પુત્રના વિરહથી મૃત્યુને ભેટવું પડયું. તેમાં ખુદ ભગવાન રામ પણ એમ ના કહી શકે કે રાજા દશરથ મારા બાપ થતા હોવાથી કાયદામાં થોડી બાંધછોડ કરીને અપવાદરૂપે હું તેમને ચૌદ વર્ષનું extension આપીશ.

નિર્ગુણ નિરાકાર શુદ્ધ બ્રહ્મ પણ જયારે સગુણ સાકાર બનીને દેહ ધારણ કરીને પૃથ્વી ઉપર પધારે છે, ત્યારે તેમને પણ આ કર્મના કાયદાનું ચુસ્ત રીતે પાલન કરવું પડે છે. કર્મના કાયદામાં ક્યાંય દેર પણ નથી અને અંધેર પણ નથી. જરા પણ બાંધછોડ કે લાગવગશાહી નથી, કોઈ અપવાદ નથી, એ કાયદાની ખાસ ખૂબી છે. હવે આ 'કર્મ'ના કાયદાને ઉઘાડીને વાંચીએ.

કર્મ એટલે શું?