૧૪. પ્રારબ્ધ અને પુરૂષાર્થ એકબીજાના વિરોધી નથી, પણ પૂરક છે.
આજે જે ક્રિયમાણ કર્મ (પુરુષાર્થ) આપણે કરીએ છીએ તે સંચિતમાં જમા થશે અને તે જ કાળે કરીને પાકીને પ્રારબ્ધ બને છે. અને તે પ્રારબ્ધ ભોગવવાને અનુરૂપ શરીર પ્રાપ્ત થાય છે. એટલે ખરી રીતે તો પુરૂષાર્થ જ કાળે કરીને પ્રારબ્ધ બનેં છે. અને તેથી પ્રારબ્ધ અને પુરૂષાર્થ એકબીજાના વિરોધી હોઈ શકે જ નહિ. બલકે પ્રારબ્ધ અને પુરૂષાર્થ બંને એક જ છે. તે બંનેના કાર્યક્ષેત્રો જુદા જુદા હોવાથી તે એકબીજાની અથડામણમાં પણ આવતા નથી. પ્રારબ્ધ ચાલુ શરીરને ભોગ પ્રદાન કરે છે, જયારે પુરૂષાર્થ ભવિષ્યની સૃષ્ટિને તૈયાર કરે છે જેથી કરીને કાળાન્તરે તે જ પુરૂષાર્થ પ્રારબ્ધ બનીને ભવિષ્યમાં શરીરને પ્રદાન કરે છે. એટલે જ અંગ્રેજીમાં કહેવત છે કે
Man is the architect of his own fortune.
માણસ પોતાનું પ્રારબ્ધ પોતાની જાતે જ પોતના હાલના પુરુષાર્થથી ઘડી શકે છે. પ્રારબ્ધ સિવાયનો પુરૂષાર્થ પાંગળો છે, અને પુરૂષાર્થ વગરનું પ્રારબ્ધ આંધળું છે. એક આંધળા અને એક લંગડા મિત્રની વાત જેવું છે. આંધળાને રસ્તો દેખાતો નથી અને લંગડો રસ્તા ઉપર ચાલી શકતો નથી. તેથી બંને રસ્તા ઉપર પ્રવાસ કરી શકતા નથી. પરંતુ બંને મિત્રોએ વિવેકબુદ્ધિ વાપરી. લંગડો આંધળાના ખભા ઉપર બેસી ગયો અને આંધળો ચાલવા લાગ્યો અને લંગડો રસ્તો બતાવવા લાગ્યો. અને બંનેએ રસ્તાની યાત્રા સફળતાપૂર્વક પૂરી કરી. જીવનયાત્રા પણ સફળતાપૂર્વક પૂરી કરવા માટે પુરૂષાર્થ અને પ્રારબ્ધ એકમેકના પૂરક બને છે. તમારા પોતાના પ્રારબ્ધથી તમો સુખ અને દુઃખ ભોગવો છો. બીજો કોઈ માણસ તમને સુખી અગર દુઃખી કરી શકતો નથી. તે તો ફક્ત નિમિત્ત માત્ર જ હોય છે.
સુખસ્ય દુઃખસ્ય ન કોઽપિ દાતા પરો દદાતીતિ કુબુદ્ધિ્રેષા |