ગીતા નવનીત
૪. સ્થિતપ્રજ્ઞના લક્ષણો (અધ્યાય ૨)
અર્જુન ઉવાચઃ - અર્જુન બોલ્યો
સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ ।
સ્થિતધીઃ કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ ॥ ૫૪॥
હે કેશવ ! સમાધિમાં રહેલા સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા શી છે? તે મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો હોઈ બોલવા-ચાલવા, બેસવા-ઉઠવા વગેરેમાં કેવી રીતે વર્તે છે? (૫૪)
ભાવાર્થ:
જેવી રીતે ખાસ પરિસ્થિતિમાં રહેલા પ્રત્યેક મનુષ્યનાં અમુક લક્ષણો હોય છે તેવી જ રીતે ભગવદ્ ભાવનામાં સ્થિતપ્રજ્ઞનાં પણ તેની બોલવાની, ચાલવાની, વિચારવાની, સંવેદન થવાની ક્રિયાઓમાં ખાસ સ્વભાવલક્ષણો હોય છે. ધનિક માંણસના અમુક લક્ષણો હોય છે જેનાથી તે પૈસાદાર છે એમ જણાઈ આવે. બીમાર માણસના અમુક લક્ષણો હોય છે જેનાથી તે માંદો છે એ વરતાય છે. વિદ્વાનના ખાસ લક્ષણો હોય છે જેનાથી તેની વિદ્વતા પરખાય છે. એ પ્રમાણે સમાધિસ્થ સ્થિતપ્રજ્ઞની અલૌકિક અવસ્થામાં રહેલા માણસનાં પણ વિશિષ્ટ લક્ષણો તેના વિધવિધ વ્યવહારોમાં દેખાઈ આવે છે.
એટલા માટે અર્જુન પૂછે છે કે સ્થિતપ્રજ્ઞ પુરુષના લક્ષણો (ભાષા) કેવા હોય? તે કેવી રીતે કેવું બોલે? તે કેવી રીતે બેસે, હરેફરે?
ભગવદગીતાનો આદર્શ મનુષ્ય સ્થિતપ્રજ્ઞ શબ્દથી બતાવ્યો છે. સ્થિતપ્રજ્ઞના ૧૮ શ્લોકોમાં 'ગીતા'ના ૧૮ અધ્યાયનો સાર સમાઈ જાય છે. તેમાં સિદ્ધની સાથે સાધકના લક્ષણો પણ બતાવ્યા છે.
સ્થિતપ્રજ્ઞ મનુષ્ય એક તો સમાધિમાં રહે છે અથવા જાગૃતિમાં વ્યવહાર કરે છે. જાગૃતિના વ્યવહારમાં પણ તેની ત્રણ અવસ્થાઓ હોય છે:
(૧) બોલવું અગર વિચાર પ્રગટ કરવો.
(૨) કોઈ અવસ્થામાં સ્થિર રહેવું.
(૩) વ્યવહાર કરવો.
આ ચારેય અવસ્થાઓના પ્રશ્ન અર્જુને આ શ્લોકમાં પૂછ્યા છે.
(૧) સમાધિસ્થસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા:
સમાધિમાં સ્થિતપ્રજ્ઞના શું લક્ષણ છે? અર્થાત જે સમયે આ સ્થિતપ્રજ્ઞ સમાધિમાં બ્રાહ્મી સ્થિતિનો અનુભવ લેતો હોય છે, તે સમયે તે કેવો હોય છે, એના ક્યાં લક્ષણો હોય છે, એ અવસ્થામાં કયાં લક્ષણોથી ઓળખાય છે, ક્યાં લક્ષણો જોવાથી આ સ્થિતપ્રજ્ઞ-જ્ઞાની સમાધિમાં છે એવું જાણી શકાય?
જયારે સમાધિ અવસ્થા છોડીને જાગૃતિમાં આવવાનું થાય ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કેવું આચરણ કરે છે? જાગૃતિમાં તો બધા મનુષ્યો સમાન દેખાય છે, સર્વ બોલે છે, સર્વ બેસે છે અને સર્વે વ્યવહાર ચલાવે છે. આ જાગૃત અવસ્થામાં કાર્ય કરનારા બધા મનુષ્યોમાં જે સ્થિતપ્રજ્ઞ છે તે મનુષ્ય કેવો વ્યવહાર કરે છે?
(૨) સ્થિતધીઃ: કિં પ્રભાષેત |
સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે છે, કેવા પ્રકારના શબ્દો ઉચ્ચારે છે, કેવા પ્રકારનો વિચાર પ્રગટ કરે છે? સમાધિ અવસ્થામાંથી જાગૃતિ અવસ્થામાં આવેલો મનુષ્ય કયાં ભાવોને પ્રગટ કરે છે? શું એ સામાન્ય મનુષ્યોની સમાન જ બોલે છે? અથવા એમાં કોઈ વિશેષતા રહે છે? સમાધિનો અનુભવ કરનારાઓના અને નહિ કરનારાઓના ભાષણોમાં શું ભેદ છે? આપણે ભાષણથી કેવી રીતે જાણીએ કે આ સમાધિસુખ લેનારો મનુષ્ય છે અને આ મનુષ્ય સમાધિ સુધી નથી પહોંચ્યો?
(૩) જયારે જાગૃતિમાં રહેલો મનુષ્ય સમાધિમાં જવા ઈચ્છે ત્યારે તે કિં આસિત | કેવી રીતે બેસે? કેવી રીતે આસન કરે? કઈ અવસ્થામાં સ્થિર રહે? કઈ સ્થિતિમાં સ્થિર રહેવાથી જાગૃત અવસ્થામાં રહેનારો મનુષ્ય સમાધિ અવસ્થામાં જઈ શકે છે? આપણે કેવી રીતે ઓળખીએ કે આ મનુષ્ય સમાધિની તૈયારી કરી રહ્યો છે?
(૪) વ્રજેત કિં | એ મનુષ્ય પોતાનું હલનચલન કેવું રાખે? સ્થિતપ્રજ્ઞ મનુષ્ય જયારે જાગૃતિમાં રહે છે ત્યારે તે કેવો વ્યવહાર ચલાવે છે? ક્યાં પ્રકારનો વ્યવહાર જોવાથી આપણે જાણી શકીએ કે આ મનુષ્ય સ્થિતપ્રજ્ઞ છે?
આ આદર્શ મનુષ્ય બીજાઓને માર્ગદર્શક થાય છે તેથી અર્જુન પૂછી રહ્યો છે કે આ પ્રકારના સ્થિતપ્રજ્ઞના લક્ષણો શું છે?
અર્જુનના આ ચાર પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ વિસ્તારથી ઉત્તર આપે છે:
શ્રી ભગવાનુવાચ - શ્રી ભગવાન બોલ્યા.
પ્રજહાતિ યદા કામાન્સર્વાન્પાર્થ મનોગતાન્ ।
આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે ॥ ૫૫॥
હે પાર્થ! જયારે મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાઓ ત્યજી દે છે અને આત્મા વડે આત્મામાં જ સંતોષ પામે છે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. (૫૫)
ભાવાર્થ:
સિધ્ધના લક્ષણો તે સાધકના સાધનો છે. જયારે સાધનો સિદ્ધ થાય છે ત્યારે જ બુદ્ધિની સ્થિરતા (જીવન્મુક્તિ) સિદ્ધ થાય છે. તેથી મુમુક્ષુએ પ્રત્નપૂર્વક સાધનો સંપાદન કરવા જોઈએ એ સૂચન કરવાના હેતુથી આ અધ્યાયની સમાપ્તિ સુધી ભગવાન તે સાધનો પ્રતિપાદન કરે છે. તેમાં પ્રથમ સમાધિમાં સ્થિર થયેલા સ્થિતપ્રજ્ઞનું લક્ષણ કહે છે.
ભગવાન કહે છે કે - જયારે સમાધિસ્થ પુરુષ મનમાં રહેલી તમામ કામનાઓનો (મનોગતાન્ સર્વાં કામાન્) સંપૂર્ણં રીતે પરિત્યાગ કરે છે (પ્રજહાતિ) અને આત્મા વડે જ (આત્માના) આત્મામાં સંતુષ્ટ રહે છે (આત્મનિ એવ તુષ્ટ:) ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
જહાતિ એટલે ત્યજવું. પ્રજહાતિ એટલે પાછલું સંપૂર્ણ રીતે ત્યજીને આગળ વધવું. પ્રજહાતિ એટલે ફક્ત ત્યજી દેવું એટલું જ નથી પરંતુ આગળ વધતા વધતા પાછલું ત્યજી દેવું, એવું છે. એટલે કે સ્થિતપ્રજ્ઞની સ્થિતિ જડ જેવી નથી. પરંતુ ચેતન્યનાં પક્ષપાત વાળી છે. કામનાઓને છોડી દેવી એમાં કશું મહત્વનું નથી પરંતુ કોઈ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરતા કરતા પાછલી ભૂમિકાની કામનાઓને છોડતા જવું એમ મહત્વ છે. તેથી સ્થિતપ્રજ્ઞ મનુષ્ય સદા ક્રિયાશીલ અને ઉત્ક્રમણશીલ આત્મા હોય છે; નિષ્ક્રિય નથી હોતો.
મનોગતાન્ કામાન્ | કામનાઓ મનોગત છે એટલે કે મનની અંદર વ્યાપેલી વસ્તુ છે. મનથી સ્વતંત્ર એમની હસ્તી નથી. મનોગત વસ્તુઓ છોડવા માટે મનનું જ અતિક્રમણ કરવું પડે. મનને ઇન્દ્રિયો સાથે પણ જોડી શકાય અને આત્મા સાથે પણ જોડી શકાય. ઇન્દ્રિયો સાથે તો તે જોડાયેલું જ છે તેમાં કશો પુરુષાર્થ કરવાની જરૂર નથી. આત્માથી તે જુદું પડી ગયેલું છે માટે આત્મા સાથે તેને જોડવું તેનું નામ 'યોગ'.
આતમના તુષ્ટ: | (Self Content). જેને પોતાની જાતથી સંતોષ નથી તે બીજા તમામ પ્રાણી પદાર્થોમાં સંતોષ ખોલવા નીકળે છે પરંતુ તે ક્યાંય મળશે નહિ તેથી તે પ્રાણી પદાર્થને વારંવાર બદલતા રહેવું પડે છે, છતાં મન ક્યાંય ઠરશે નહિ. છેવટે મન આત્મામાં જ ઠરશે, અને ત્યાં સુધી તે ખભા બદલતો રહેશે પરંતુ ભાર તો એટલો ને એટલો જ રહેશે. ખભા બદલવાથી વજન ઓછું ના થાય.
સ્ત્રી-પુત્રાદિક, બંગલો, મોટર, ધન વગેરે બીજા પ્રાણી-પદાર્થ-વસ્તુ-વ્યક્તિઓ તરફથી સંતોષ ખોળવો તે પ્રજ્ઞાની અસ્થિરતા છે. કોઈ પણ ખીલાથી મન બંધાશે નહિ, સંતોષ પામશે નહિ.
એક ભગવદ્ભક્ત ભગવાનને કહે છે કે ભગવન ! આપે ઘણી ગયો ચારી છે તેવું 'ભાગવત'માં દશમસ્કંધમાં મેં વાંચ્યું છે પરંતુ આપે એક પણ પાડો ચાર્યો હોય તેવું આખા ભાગવતમાં ક્યાંય મારા વાંચવામાં આવ્યું નથી. ગાયો તો નાનું છોકરું પણ ચારી શકે પરંતુ જે વકરેલો પાડો ચારી બતાવે તે ખરો મરદ કહેવાય.
તો ભગવન ! મારી પાસે એક ભયંકર વકરેલો પાડો છે તેનું નામ મણીરામ (મન) છે તેને માટે મારી વિનંતી છે કે -
હે નાથ મત્તમહિષેણ સમં મનો મે,
ના યાતિ શાન્તિમિહમે ન ફલન્ત્યુપાયા: ।
તુભ્યં દદામિ કૃપયા તદીદં ગૃહાણ
સ્વિયાંધ્રિયુગ્મ ચરણેષુ દૃઢં બધાન ||
ભગવન ! મારી પાસે મનરૂપી મદોન્મત્ત વકરેલો પાડો છે તેને મેં સ્ત્રી-પુત્રાદિક, ધન, ધામ, પદ વગેરે અનેક ખીલાઓએ બાંધવા ઘણા ઉપાયો કર્યા પરંતુ આ પાડો એક પણ ખિલાએ શાંતિથી બંધાઈ રહેતો નથી, સંતુષ્ટ થતો નથી એટલું જ નહિ પરંતુ તે શીંગડે - પૂંછડે - કૂદીને ખીલા સાથે ઉખાડીને જ્યાં - ત્યાં ભમ્યા કરે છે.
માટે કૃપા કરીને આ પાડો હું આપને સોંપી દઉં છું તો તમે તે પકડીને લઈ જાઓ અને આપણા ચરણારવિન્દના બે અંગુઠારૂપી ખીલાઓ છે ત્યાં તમે તેને બાંધી દો. અનંતકોટી બ્રહ્માંડનો ભાર આપની અંદર છે તેથી આ પાડો આપના ચરણારવિંદનાં અંગુઠારૂપી ખીલાઓને ઉખાડીને ક્યાંય નાસભાગ કરી શકશે નહિ. આપણા ચરણારવિન્દમાં જ આ મન શાંતિ-સંતોષ પ્રાપ્ત કરી શકશે.
અને પછી વ્યસનારાયણ પાસે 'ભાગવત'માં એક લીટી લખાવજો કે મેં ફક્ત ગાયો જ નથી ચારી, પાડાઓ પણ ચારી શકું છું.
જેમ મૃગજળ માટે દોડતા પુરુષને મૃગજળના જ્ઞાનથી, મૃગજળનો બાધ થતા મૃગજળની કામના સ્વાભાવિક રીતે જ શાંત થાય છે તેમ જયારે આત્માના જ્ઞાનથી ઇન્દ્રિયજન્ય વિષયો વગેરે અનાત્મ પદાર્થોનો બાધ થતા મનમાં રહેલી સર્વ કામનાઓ શાંત થાય છે ત્યારે જે અંતરાત્માસ્વરૂપમાં ચિદ્રુપ આત્મા વડે જ 'આત્માનંદ' અનુભવે છે તે 'સ્થિતપ્રજ્ઞ' કહેવાય છે.
ભાગવતમાં ભક્ત પ્રહલાદ કહે છે કે -
વિમુંચતિ યદા કામાન્ માનવો મનસિ સ્થિતાન્ ।
તર્હિ એવ પુણ્ડરીકાક્ષ ભગવત્ત્વાય કલ્પતે ॥
(શ્રીમદ્ ભાગવત - ૭/૧૦/૯)
જયારે પુરુષ મનમાં રહેલી સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે ત્યારે જ તે ભગવત્ સ્વરૂપને પ્રાપ્ત થાય છે.
શ્રુતિ કહે છે કે -
યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યેષ્ય હૃદિ શ્રિતા: ।
અથ મર્ત્યો અમૃતો ભવતિ યત્ર બ્રહ્મ સમશ્નુતે॥
(કઠ - ૨-૬-૧૪)
જયારે પુરુષ મનમાં રહેલી કામનાઓને ત્યજી દે છે ત્યારે તે અમૃતભાવને પ્રાપ્ત થાય છે અને આ દેહમાં બ્રહ્મને પામે છે.
ઇચ્છામાત્રં અવિદ્યા ઇયં તન્નાશો મોક્ષ ઉચ્યતે॥
(મહોપનીષદ ૪-૧૧૬)
કોઈ પણ વસ્તુની ઈચ્છા એ જ અવિદ્યા છે તથા તેનો નાશ થવો તે મોક્ષ છે. કામનાના ચાર સ્ટેજ (Stages) તબક્કા છે.
(૧) વાસના : સ્ત્રી - પુત્રાદિક, અનુકૂળ પદાર્થોમાં રમણ કરવાની અને પ્રતિકૂળ પદાર્થોને નષ્ટ કરવાની જે રાગ-દ્વેષ જનિત સૂક્ષ્મ કામના જેનું સ્વરૂપ હજુ બરાબર વિકસિત નથી થયું તેને 'વાસના' કહેવાય.
(૨) સ્પૃહા: કોઈ અનુકૂળ વસ્તુના અભાવનું ભાન થતા ચિત્તમાં એવો ભાવ થાય કે અમુક વસ્તુની આવશ્યકતા છે, તેના વગર કામ નહિ ચાલે, એવી અપેક્ષારૂપ કામનાને સ્પૃહા કહેવાય. 'સ્પૃહા' એટલે અર્ધ વિકસિત થયેલી વાસના.
(૩) ઈચ્છા : અનુકૂળ વસ્તુનો અભાવ થતા તેને મળવાની અગર મેળવવાની તથા પ્રતિકૂળ વસ્તુને નષ્ટ કરવાની અને તે નહિ મેળવવાની પ્રગટ કામનાને ઈચ્છા કહેવાય. 'ઈચ્છા' એટલે કામનાનું પૂર્ણ વિકસિત રૂપ.
(૪) તૃષ્ણા: સ્ત્રી-પુત્રાદિક યથેષ્ટ પ્રાપ્ત થતા રહેતા હોવા છતાં તેને અધિકાધિક વધારવાની ઈચ્છા તેને તૃષ્ણા કહેવાય. તૃષ્ણા એટલે કામનાનું સ્થૂળ રૂપ.
દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ ।
વીતરાગભયક્રોધઃ સ્થિતધીર્મુનિરુચ્યતે ॥ ૫૬॥
દુઃખોમાં ઉદ્વેગરહિત મનવાળો, સુખોમાં નિસ્પૃહ થયેલો અને જેના રાગ, ભય તથા ક્રોધ ગયા હોય, તે સ્થિતપ્રજ્ઞ મુનિ કહેવાય છે. (૫૬)
ભાવાર્થ:
જેને સુખની ચાહના છે તે દુઃખ આવવાથી જરૂર ઉદ્વિગ્ન થવાનો જ. સુખની ચાહના હોય ત્યાં સુધી જ દુઃખની પીડા હોય. જ્યાં જ્યાં સુખના ફૂલ હોય ત્યાં ત્યાં દુઃખના કાંટા હોય જ. દુઃખને કોઈ બોલાવતું નથી. એટલે તે સુખની આડમાં છુપાઈને આવે છે. પણ જેને સુખની સ્પૃહા ના હોય તેને ત્યાં દુઃખ કેવી રીતે આવી શકે? દુઃખ એ સુખનો પડછાયો છે તે સુખની પાછળ ને પાછળ આવે. માછલીને સુખના આટામાં દુઃખના કાંટા ભોંકાય છે.
સુખનો અતિરેક દુઃખદાયી બને છે. સુખ પણ એક જાતની ઉદ્વિગ્નતા છે એક પ્રકારની ઉત્તેજના છે, ભલે તે પ્રીતિકર હોય. સામટી પાંચ લાખની લોટરી લાગે તો હાર્ટફેઇલ થઈ જાય. સંસારના કોઈ પણ પદાર્થમાં સુખ આપવાની તાકાત નથી.
રાગ, ભય, ક્રોધનું ટેમ્પરેચર ઉપરથી ઠંડુ પાણી રેડવાથી ઉતરે નહિ, ઉલટું નુકશાન કરે. ભય, ક્રોધને દબાવવાથી, સંતાડવાથી નાશ ના પામે. એ તો સ્થિરબુદ્ધિથી નાશ પામે. જેના અંતઃકરણમાં ક્રોધ જ ના હોય તેને બહારની પરિસ્થિતિ ક્રોધ ના કરાવી શકે. કુવામાં પાણી જ ના હોય તો તેમાં ડોલ નાખો તો ય તે ખાલી જ પાછી આવે. સૂકા કૂવામાં પાણી ના હોય. શુદ્ધ અંતઃકરણમાં ભય-ક્રોધ ના હોય.
કોઈ ગાળ બોલે (બટન દબાવે) અને ક્રોધ ભભૂકે તો આપણે માણસ નહિ પણ મશીન. ક્રોધને મનમાં દબાવી રાખવાથી સ્થિતપ્રજ્ઞ ના થવાય. મનમાં ક્રોધ છુપાયેલો છે કે નહિ તેની ખાતરી કોઈ ગાળ દે ત્યારે થાય.
દુઃખોમાં જેનું મન ઉદ્વેગરહિત છે, સુખોમાં જે સ્પ્રુહરહિત છે અને રાગ, ભય, ક્રોધ જેનામાં નથી તે મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય. આ શ્લોકમાં સ્થિતપ્રજ્ઞના ત્રણ લક્ષણો બતાવ્યા છે.
૧. દુઃખેષુ અનુદ્વિગ્ન મના: |
શોક, મોહ વગેરે આધ્યાત્મિક દુઃખો,
ચોર, સર્પ, એક્સીડેન્ટ વગેરે આધિભૌતિક દુઃખો તથા
અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ વગેરે આધિદૈવિક દુઃખોની પ્રાપ્તિમાં જેનું મન ઉદ્વેગ, ક્ષોભ, પરિતાપને પામતું નથી અને આ દુઃખોમાં જે હિંમત હારતો નથી.